Sat Jun 06 2026

Logo

ગુજરાતમાં વધુ એક પરીક્ષા મુલતવી રાખવામાં આવી, જાણો શું છે કારણ

2026-06-06 13:56:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ રાજ્યમાં વધુ એક પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી. આ અંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી હતી. જે મુજબ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મંડળની જાહેરાત ક્રમાંક 303/202526, અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૩ની પરીક્ષા તા.૨૧/૦૬/૨૦૨૬ના રોજ સવારના સેકશનમાં યોજાવાની હતી તેને  વિશ્વ યોગ દિનના કારણે મુલતવી રાખવામાં  આવી હતી. નવી તારીખની જાણ હવે પછી કરવામાં આવશે.


થોડા દિવસ પહેલા જીપીએસસી દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને બોર્ડ-કોર્પોરેશનમાં વર્ગ-1 અને વર્ગ-2 ની જગ્યાઓ માટે 250થી વધારે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા હેઠળ સામાન્ય વહીવટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ તેમજ વિવિધ મહાનગરપાલિકાઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે.

આ જાહેરાતમાં સૌથી મોટી અને નોંધપાત્ર ભરતી માર્ગ અને મકાન વિભાગમાં 'મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-2' માટેની હતી, જેમાં સૌથી વધુ કુલ 200 જગ્યાઓ પર સીધી નિમણૂક કરવામાં આવશે. સરકારી ક્ષેત્રે એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે આ એક મોટી તક સાબિત થશે.

આ ઉપરાંત, આ જાહેરનામામાં અન્ય ઘણી મહત્વની વહીવટી અને ટેકનિકલ જગ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં સામાન્ય વહીવટ વિભાગમાં સંશોધન અધિકારી (વર્ગ-2) ની 20 જગ્યાઓ, ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં મદદનીશ ઇજનેર (યાંત્રિક અને બાંધકામ) ની 35 જગ્યાઓ અને વિવિધ મહાનગરપાલિકાઓમાં એસ્ટેટ, આઈ.સી.ટી., લીગલ અને વહીવટી અધિકારીઓની જગ્યાઓનો સમાવેશ થતો હતો.

ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી (વર્ગ-1), ભૂસ્તરશાસ્ત્રી, નાયબ પશુપાલન નિયામક અને ઔદ્યોગિક સલામતી અધિકારી જેવી વિશિષ્ટ અને ઉચ્ચ કક્ષાની પોસ્ટ માટે પણ અરજીઓ મંગાવવામાં આવી હતી. ઉમેદવારો આ વિવિધ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત અને અરજી કરવાની અંતિમ તારીખ વગેરે વિગતો GPSC ની  વેબસાઇટ પરથી જાણી શકશે.