મુંબઈ: પરીક્ષામાં ચૅટજીપીટી માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં પકડાયા પછી આઈઆઈટી બૉમ્બે ખાતેની હોસ્ટેલની રૂમમાં કથિત આત્મહત્યા કરનારા સ્ટુડન્ટ સાહિલ વાકોડેએ અંતિમ પગલું ભરતાં પૂર્વે અનેક મિત્રોને કૉલ કર્યા હતા, જેમાંથી ગર્લફ્રેન્ડ સાથેની વાતચીત દરમિયાન તેણે અફસોસ પણ વ્યક્ત કર્યો હતો.
વાકોડેના મૃત્યુ પ્રકરણની તપાસ કરનારી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તેના મોબાઈલના કૉલ ડેટા રેકોર્ડ્સ પ્રાપ્ત કર્યા હતા, જેના પરથી આત્મહત્યા પહેલાં વાકોડેએ અનેક મિત્રોને ફોન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી (આઈઆઈટી) બૉમ્બેમાં 18 સપ્ટેમ્બરે મિડ-સેમિસ્ટર એક્ઝામમાં મોબાઈલનો ઉપયોગ કરતાં પકડાયાના કલાકો પછી વાકોડેનો મૃતદેહ હોસ્ટેલની રૂમમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેના માતા-પિતાએ આઈઆઈટીમાં પોતાના દીકરા સાથે જાતિ મતભેદ કરાતો હતો, એવો આક્ષેપ કર્યો છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે અત્યાર સુધીમાં આઈઆઈટી બૉમ્બેના વિદ્યાર્થીઓ, ફૅકલ્ટી અને હોસ્ટેલ સ્ટાફ સહિત પચીસથી વધુ લોકોનાં નિવેદન નોંધવામાં આવ્યાં છે, જેમાં પરીક્ષામાં પકડાયા પછી આત્મહત્યા કરી તે દરમિયાન વાકોડેએ જે મિત્રો સાથે ફોન પર વાતચીત કરી હતી તેમનો પણ સમાવેશ થાય છે.
પોલીસને જાણવા મળ્યું હતું કે વાકોડેએ ગર્લફ્રેન્ડને ફોન કરીને મધ્ય સત્રની પરીક્ષામાં પેપર સારું ન ગયું હોવાનું કહ્યું હતું. ઉપરાંત, થર્મોડાયનેમિક્સના પેપરમાં ભૂલ કરી હતી અને પછી પરીક્ષામાં ગેરરીતિ અંગે પણ અફસોસ વ્યક્ત કર્યો હતો.
વાકોડેના આઈફોનમાંથી સંપૂર્ણ ડિજિટલ લૉગ્સ અને ડિવાઈસ હિસ્ટરી મેળવવા માટે પોલીસે ટેક્નિકલ એનાલિસીસ માટે કલિના ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં ડિવાઈસ મોકલ્યું હતું. જો ડિવાઈસ અનલૉક નહીં થઈ શકે તો પોલીસ એપલ કંપનીનો સંપર્ક સાધશે. એ સિવાય પોલીસે વૉટ્સઍપને ઔપચારિક વિનંતી કરીને સંબંધિત એકાઉન્ટ્સની માહિતી માગી છે.
તપાસ અધિકારીના જણાવ્યા મુજબ ડિજિટલ પુરાવા ઉપરાંત કૅમ્પસમાંથી પ્રાપ્ત સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પરીક્ષા પછી ખરેખર શું બન્યું હતું તેનો અંદાજ મેળવવા માટે મહત્ત્વના સાબિત થશે. સીસીટીવી ફૂટેજ કોર્ટમાં પુરાવા તરીકે સ્વીકાર થાય તે માટે તેને આઈટી ઍક્ટ હેઠળ સર્ટિફિકેશન માટે કલિના લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
વાકોડેના પિતાની ફરિયાદને આધારે પવઈ પોલીસે પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લા સામે એફઆઈઆર નોંધ્યો હતો. વિદ્યાર્થીની આત્મહત્યાને મામલે ભારે વિરોધ થતાં પ્રોફેસર દુલ્લાને પ્રશાસકીય બાબતોના ડીન પદેથી દૂર કરાયા હતા. (પીટીઆઈ)
વાકોડેના પિતાનું આઝાદ મેદાનમાં આંદોલન
મુંબઈ: આઈઆઈટી બૉમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેએ કરેલી આત્મહત્યાના 10 દિવસ પછી તેના પિતાએ સોમવારે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં વિરોધ આંદોલન શરૂ કર્યું હતું. રવીન્દ્ર વાકોડેએ જણાવ્યું હતું કે પુત્રને ન્યાય નહીં મળે અને જવાબદાર વ્યક્તિઓને સજા નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશ.
સાહિલના પિતાએ રવિવારે જણાવ્યું હતું કે મારી ધરપકડ કરવામાં આવશે તો પણ ચાલશે. મારા પુત્રને બંધારણીય રીતે ન્યાય મળવો જોઈએ. આ છત્રપતિ શિવાજી મહારાજ, ફુલે, શાહુ અને આંબેડકરનું રાજ્ય છે. હું ન્યાય માટે લડતો રહીશ.
અગાઉ ગુરુવારે સાહિલના પરિવારે ભૂખ હડતાળ શરૂ કરી હતી. ત્યાર પછી સોમવારથી રવીન્દ્ર પોતે અને પત્ની સોનાલી વિરોધ આંદોલન શરૂ કરશે, એવી જાહેરાત કરી હતી. આ આખા મામલાની તપાસ માટે આઈઆઈટી બૉમ્બે દ્વારા 10 સભ્યની સમિતિ નીમવામાં આવી છે. (પીટીઆઈ)