Tue Oct 06 2026

Logo

વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વડનગરમાં, સેવા સંકલ્પ બાઇક યાત્રાને લીલી ઝંડી આપશે

2026-09-16 15:07:00
Author: Pooja Shah
વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વડનગરમાં, સેવા સંકલ્પ બાઇક યાત્રાને લીલી ઝંડી આપશે

અમદાવાદ: ભાજપ દ્વારા 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી દેશભરમાં 'સેવા સંકલ્પ અભિયાન' ની શરૂઆત કરવામાં આવશે. જેમાં વડનગરથી વારાણસી અને વારાણસી થી વડનગર સુધી સેવા સંકલ્પ બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 17  સપ્ટેમ્બરના રોજ સવારે 9:30 વાગ્યે વડનગર અને વારાણસીથી એકસાથે યાત્રા રવાના થશે. વડનગરથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ યાત્રાને લીલી ઝંડી બતાવશે. ભાજપ દ્વારા વડા પ્રધાનના સુશાસનના 25 વર્ષની ઉજવણી નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘વડનગરથી વારાણસી’ યુવા બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.
 
આ યાત્રા દરમિયાન ગુજરાતના વિવિધ જળસ્રોતોમાંથી પાણી એકત્ર કરવામાં આવશે. આ પાણીથી વડનગરમાં હાટકેશ્વર મહાદેવ અને વારાણસીમાં કાશી વિશ્વનાથનો જલાભિષેક કરવામાં આવશે. આ યાત્રાનો અંત 7 ઓક્ટોબરે થશે. આ યાત્રાનો મુખ્ય હેતુ યુવાનોને સેવા, સમાજ અને રાષ્ટ્રનિર્માણ સાથે જોડવાનો છે.

આ ઉપરાંત બાઇક યાત્રા 10 રાજ્યોના 193 જિલ્લાઓમાંથી પસાર થશે.  દેશભરમાંથી લગભગ 1 હજાર યુવાનો આ યાત્રામાં જોડાશે. આ યાત્રા દરમિયાન સ્વચ્છતા, નશામુક્તિ, ટીબી મુક્ત ભારત, પ્લાસ્ટિક મુક્ત ભારત અને જળ સંરક્ષણ જેવા અભિયાન ચલાવવામાં આવશે.

અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં અમિત શાહ વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય માટે વિશેષ આરતી કરશે તેમજ કાંકરિયા ખાતે 1.25 લાખ દીવડા પ્રગટાવવાના ઐતિહાસિક કાર્યક્રમમાં પણ હાજરી આપશે, તેવી વિગતો સૂત્રો પાસેથી મળી હતી.