(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના લોકસભા સાંસદ ઓમપ્રકાશ રાજે નિમ્બાળકરે રવિવારે કહ્યું હતું કે તેઓ તેમના મતવિસ્તારના લોકોની સલાહ લીધા પછી જ પોતાનો રાજકીય માર્ગ નક્કી કરશે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટીને હજી પણ એવી આશા છે કે તેઓ પક્ષપલટો નહીં કરે. આમેય ઓમરાજે પક્ષપલટો ન કરે તો ઓપરેશન ટાઈગર ફેલ થઈ જશે, કારણ કે બાકીના પાંચ પક્ષપલટો કરે તો તેમના પર અપાત્રતાની કાર્યવાહી થઈ શકે છે.
નિમ્બાળકર રવિવારે પુણેથી તેમના મતવિસ્તાર ઉસ્માનાબાદ (ધારાશિવ) માટે રવાના થયા હતા, જેમાં બાણેર વિસ્તારમાં તેમના નિવાસસ્થાનની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમને ‘વાય-પ્લસ’ સુરક્ષા સાથે ધારાશિવ લઈ જવામાં આવ્યા હતા.પાર્ટીના નેતાઓ અને કાર્યકરોના એક વર્ગ દ્વારા પક્ષ પલટાના કથિત પ્રયાસ અંગે આપવામાં આવેલી ધમકીઓ વચ્ચે પોલીસે મહારાષ્ટ્રમાં સેના (યુબીટી)ના છ ‘બળવાખોર’ લોકસભા સાંસદોને તાત્કાલિક અસરથી ‘વાય-પ્લસ’ સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. વાય-પ્લસ શ્રેણી 11 કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા ધરાવે છે.
સાંસદો સંજય દિના પાટિલ, સંજય દેશમુખ, સંજય જાધવ, ભાઉસાહેબ વાકચૌરે, નાગેશ પાટિલ-આષ્ટિકર અને ઓમરાજે નિમ્બાળકરે 17મી જૂને દિલ્હીમાં સેના (યુબીટી) સંસદીય પક્ષની બેઠકમાં હાજરી આપી ન હતી, જેના કારણે એવી અટકળોને વેગ મળ્યો હતો કે તેઓ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનામાં જઈ રહ્યા છે.સેના (યુબીટી) પાસે નવ લોકસભા સભ્યો છે, અને બળવાખોર જૂથને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવાથી બચવા માટે ઓછામાં ઓછા છ સાંસદો - કુલ સંખ્યાના બે તૃતીયાંશ - ની જરૂર છે.
રવિવારે પુણેથી રવાના થતાં પહેલાં નિમ્બાળકરે કહ્યું હતું કે, ‘હું મારા મતવિસ્તારના ગોવર્ધનવાડી ખાતે લોકો અને પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક કરીશ અને મારું રાજકીય વલણ સ્પષ્ટ કરીશ. લોકો સાથે વાત કર્યા પછી, હું મારી ભાવિ રાજકીય દિશા સ્પષ્ટ કરીશ.’‘હું ઉદ્ધવ ઠાકરે કે આદિત્ય ઠાકરે પર કોઈ ટિપ્પણી કરીશ નહીં. બંને નેતાઓ મને મળી રહ્યા છે,’ એમ સાંસદે ઉમેર્યું હતું.
શનિવારે, એક ખાસ અદાલતે ભૂતપૂર્વ એનસીપીના પ્રધાન પદ્મસિંહ પાટિલ અને સાત અન્ય લોકોને 2006માં તેમના પિતા અને કોંગ્રેસ નેતા પવનરાજે નિમ્બાળકરની હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.
આ અંગે પૂછવામાં આવતા, સાંસદે કહ્યું, ‘હું મારા પિતાના હત્યા કેસમાં કોર્ટના ચુકાદા સામે ન્યાય મેળવવા માટે હાઇકોર્ટમાં જઈશ. હું મારા પિતાના હત્યા કેસમાં આપેલા ચુકાદાને પડકારીશ.’
શનિવારે કોર્ટના ચુકાદા પછી, ઓમપ્રકાશ રાજે નિમ્બાળકરે કહ્યું કે તેઓ તેમના મતવિસ્તારના લોકો સાથે સલાહ લઈને બે દિવસમાં પોતાનું રાજકીય વલણ નક્કી કરશે.‘મેં ક્યારેય ઉદ્ધવ ઠાકરે કે આદિત્ય ઠાકરે વિરુદ્ધ વાત કરી નથી અને ભવિષ્યમાં પણ નહીં કરું,’ એમ તેમણે કહ્યું હતું.
શિવસેના (યુબીટી)ના વિધાનસભ્યો કૈલાસ પાટિલ અને વરુણ સરદેસાઈએ રવિવારે વહેલી સવારે પુણેમાં સાંસદના નિવાસસ્થાનની મુલાકાત લીધી.બેઠક પછી, પાટીલે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘અમે ઓમરાજે સાથે વાતચીત કરી હતી. અમે તેમને ઉદ્ધવ સાહેબનો સંદેશ પહોંચાડ્યો. અમને વિશ્ર્વાસ છે કે ઓમરાજે અમારી સાથે જ રહેશે.’શિવસેના (યુબીટી)ના સાંસદ અનિલ દેસાઈએ શનિવારે કહ્યું હતું કે 20 વર્ષથી ન્યાયની રાહ જોનારાઓને હવે ખ્યાલ આવી ગયો હશે કે ‘કોણ તેમના પક્ષમાં છે અને કોણ નકલી છે.’
સેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ અસંતુષ્ટ સાંસદોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે જેઓ પાછા આવવા માગે છે તેમનું સ્વાગત છે કારણ કે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેનું હૃદય મોટું છે.તેમણે ચેતવણી પણ આપી હતી કે પાર્ટી વિરુદ્ધ જનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.એક સવાલના જવાબમાં, તેમણે કહ્યું કે ઓમપ્રકાશ રાજે નિમ્બાલકર સાથે કોઈ સંપર્ક થયો નથી.
સેના (યુબીટી)ના રાજ્યસભા સભ્ય સંજય રાઉતે એવો આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના સાંસદોને પક્ષપલટો કરવા માટે દબાણ કરવા માટે કાનૂની અને માનસિક દબાણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે નિમ્બાળકરને તેમના પિતાના 20 વર્ષ જૂના હત્યા કેસમાં અનુકૂળ પરિણામની ઓફર કરવામાં આવી હતી, જેનો ચુકાદો અચાનક બુધવારથી શનિવાર સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો,
નિમ્બાળકરે આ દાવાને ફગાવી દીધો હતો.સાંસદ અરવિંદ સાવંતે શનિવારે જણાવ્યું હતું કે, સંસદીય પક્ષની બેઠકમાં ગેરહાજરી બદલ શિવસેના (યુબીટી) દ્વારા જારી કરાયેલી કારણદર્શક નોટિસનો છ અસંતુષ્ટ સાંસદોમાંથી કોઈએ જવાબ આપ્યો નથી.નોટિસ 18 જૂને જારી કરવામાં આવી હતી અને 24 કલાકમાં જવાબ માંગવામાં આવ્યો હતો. સાવંતે પીટીઆઈને જણાવ્યું હતું કે, ‘અમને તેમના (બળવાખોર સાંસદો) તરફથી કોઈ જવાબ મળ્યો નથી.’સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી સંભવિત પગલું લોકસભા સ્પીકરને ‘વ્હીપનો ભંગ’ કરવા બદલ તેમની ગેરલાયક ઠેરવવાની માગણી કરતો પત્ર લખવાનું છે.
X