Thu Aug 20 2026

Logo

માત્ર પક્ષીઘર જ નહીં, કચ્છના ચબૂતરા છે ‘સોશિયલ નેટવર્કિંગ’ના પ્રાચીન કેન્દ્રો

2026-03-19 15:00:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ ભાતીગળ પ્રદેશ કચ્છ તેના રણ અને સંસ્કૃતિ માટે તો જાણીતું છે જ, પરંતુ તેની સ્થાપત્ય કલામાં 'ચબૂતરા'નું સ્થાન અજોડ છે. કચ્છના આ ચબૂતરાઓ માત્ર પક્ષીઓને દાણા નાખવાના સ્થળ નથી, પરંતુ તે ગામની સામાજિક સંરચનાના મજબૂત આધારસ્તંભ પણ છે.

કચ્છના ગામડાઓમાં જોવા મળતા આ ચબૂતરાઓને 'એવિયન એપાર્ટમેન્ટ્સ' તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થાપત્યો મુખ્યત્વે પથ્થર અને લાકડામાંથી બનેલા હોય છે, જેની ઊંચાઈ પક્ષીઓને શિકારી પ્રાણીઓથી બચાવવા માટે રાખવામાં આવે છે. આ ચબૂતરાઓની નીચે બેસવાની વ્યવસ્થા હોય છે, જ્યાં ગામના વડીલો અને લોકો એકઠા થાય છે.

કચ્છની સંસ્કૃતિમાં ચબૂતરો એ માત્ર એક બાંધકામ નથી, પણ માનવતા અને જીવદયાનું પ્રતીક છે. ગામના ચોકમાં આવેલો ચબૂતરો એક 'મીટિંગ પોઈન્ટ' તરીકે કામ કરે છે. અહીં ધાર્મિક ઉત્સવો, પંચાયતની બેઠકો અને સાંજની ગોષ્ઠિઓ થતી હોય છે. રણ પ્રદેશમાં જ્યાં પાણી અને અનાજની અછત હોય છે, ત્યાં ગ્રામજનો આ પક્ષીઘરો દ્વારા હજારો પક્ષીઓનું ભોરણ-પોષણ કરે છે.આ ચબૂતરાઓ પર કરવામાં આવતું કોતરણીકામ ઇસ્લામિક અને હિન્દુ સ્થાપત્ય શૈલીનું અદભૂત મિશ્રણ દર્શાવે છે, જે કચ્છની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરે છે.

સમય જતાં આ ઐતિહાસિક ચબૂતરાઓ જાળવણીના અભાવે જર્જરિત થઈ રહ્યા છે. બદલાતી જીવનશૈલી અને કોંક્રિટના જંગલો વચ્ચે આ પ્રાચીન 'પક્ષીઘરો'નું અસ્તિત્વ ટકાવી રાખવું એ પક્ષીઓ અને સંસ્કૃતિ બંને માટે અનિવાર્ય છે.

કચ્છના આ ચબૂતરાઓ એ સાબિત કરે છે કે સ્થાપત્ય કલા માત્ર માનવીની સુખ-સુવિધા માટે જ નહીં, પરંતુ પ્રકૃતિ અને જીવસૃષ્ટિ સાથેના તાદાત્મ્ય માટે પણ હોઈ શકે છે. આ 'એવિયન એપાર્ટમેન્ટ્સ' આજે પણ ગામડાના સામાજિક જીવનને ધબકતું રાખવામાં મહત્વનો ફાળો આપી રહ્યા છે.

(ઉત્સવ વૈદ્ય)