Tue Oct 06 2026

Logo

દર્દી નહીં, દારૂની હેરાફેરી! બાબરા પોલીસે એમ્બ્યુલન્સનું ચોરખાનું ખોલ્યું તો અધિકારીઓ પણ દંગ રહી ગયા

2026-09-12 13:09:00
Author: Mayur Patel
દર્દી નહીં, દારૂની હેરાફેરી! બાબરા પોલીસે એમ્બ્યુલન્સનું ચોરખાનું ખોલ્યું તો અધિકારીઓ પણ દંગ રહી ગયા

અમરેલીઃ રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવા નુસખા અપનાવી દારૂની હેરાફેરી કરતા અચકાતા નથી. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં સામે આવ્યો છે. જ્યાં એમ્બ્યુલન્સનો ઉપયોગ વિદેશી દારૂની દાણચોરી માટે કરવામાં આવી રહ્યો હતો. બાબરા પોલીસ સર્વેલન્સ ટીમે સમયસૂચકતા વાપરી રાજકોટ-ભાવનગર હાઇવે પર વોચ ગોઠવી એમ્બ્યુલન્સના ગુપ્ત ચોરખાનામાંથી રૂ. 3.56 લાખથી વધુ કિંમતની 1968 બોટલ વિદેશી દારૂ પકડી પાડી કુલ રૂ. 10.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બાબરા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, એક ખાનગી એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી રાજકોટ-ભાવનગર હાઇવે પરથી પસાર થવાનો છે. બાતમી મળતાં જ બાબરા પોલીસ સ્ટાફે આંબલીધાર વટીને ઊંટવડ જતા હાઇવે પર નાકાબંધી કરી વોચ ગોઠવી હતી. બાતમી મુજબની એમ્બ્યુલન્સ આવતા પોલીસે તેને ઈશારો કરી અટકાવી હતી. 

પ્રાથમિક દ્રષ્ટિએ દર્દીને લઈ જતી લાગતી એમ્બ્યુલન્સની તલાશી લેતાં અંદર વિશેષ રીતે બનાવેલું ગુપ્ત ચોરખાનું મળી આવ્યું હતું. આ ચોરખાનું ખોલીને જોતાં પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. અંદરથી અલગ-અલગ બ્રાન્ડની 1968 બોટલો  મળી આવી હતી.  પોલીસે  એમ્બ્યુલન્સ ચાલક સાગર ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ (ઉં.વ. ૩૪, રહે. ગોંડલ)ની અટકાયત કરી હતી.

પોલીસે  આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ કોને પહોંચાડવાનો હતો, તેમજ આ નેટવર્કમાં અન્ય કયા બુટલેગરો સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી હતી.