Wed Aug 19 2026

Logo

અંતે બિહાર નીતીશ કુમારના ભરડામાંથી છૂટ્યું...  હવે... ?

2026-03-08 09:05:00
Author: Mumbai Samachar Team
Article Image

 

વર્ષો સુધી બિહાર લાલુપ્રસાદ યાદવના સકંજામાં રહ્યું. કાળક્રમે એનાથી છુટકારો મળ્યો પછી સત્તાસ્થાને નીતીશ કુમારે 10 વાર મુખ્યમંત્રી બનીને 20 વર્ષ સુધી એવો અડિંગો જમાવ્યો કે કોઈ પણ પક્ષ એમને સત્તાભ્રષ્ટ ન કરી શક્યા અને અચાનક નીતીશે બિહારનું રાજકારણ છોડીને કેન્દ્ર તરફ એમનું સુકાન ફેરવવું પડ્યું એની પાછળ ભાજપની કુશાગ્ર રાજનીતિ કામ કરી ગઈ છે... આમ છતાં હજુ કેટલાક પ્રશ્ન નિરુત્તર જ રહ્યા છે. 

કવર સ્ટોરી - વિજય વ્યાસ

નીતીશ કુમારે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરીને બિહારનું મુખ્યમંત્રીપદ છોડવાની જાહેરાત કરી તેના પગલે દેશના રાજકારણમાં અચાનક ગરમાવો આવી ગયો છે. બિહારની ગાદી પર છેલ્લાં 20 વર્ષથી જામીને બેસી ગયેલા નીતીશ કુમાર આમ અચાનક મુખ્યમંત્રીપદ છોડી દેશે એવી કોઈને કલ્પના નહોતી તેથી નીતીશની જાહેરાતે સૌને ચોંકાવી તો દીધા જ છે, પણ આ જાહેરાત સાવ અનપેક્ષિત પણ નથી.

ભાજપે બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી તરત જ નીતીશને ઘરભેગા કરવાની બાજી ગોઠવવા જ માંડેલી. ત્રણ મહિનાની મહેનત પછી એ બાજી ગોઠવાઈ જતાં નીતીશને અલ્ટિમેટમ અપાયું ને નીતીશ પાસે બીજો આરો નહોતો તેથી તેમણે માનભેર ખસી જવાનું સ્વીકારી લીધું. નીતીશ માનભેર ખસી રહ્યા છે એવું ચિત્ર ઊભું કરવા રાજ્યસભામાં જવાની ઈચ્છાનો બકવાસ દાવો કર્યો છે પણ વાસ્તવમાં ભાજપે જોરદાર સ્ટ્રેટેજી બનાવીને એમને સત્તા પરથી ઉખેડી નાખ્યા છે.

ભાજપે બહુ સિફતપૂર્વક નીતીશની ગેમ કરી નાખી છે. બિહારમાં છેલ્લી બે ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો, પણ પોતાની તાકાત પર સરકાર રચી શકે તેમ ના હોવાથી પરાણે નીતીશને મોટા ભા બનાવીને ગાદી પર બેસાડવા પડતા હતા. ‘પલટુરામ’ તરીકે વગોવાયેલા નીતીશને મુખ્યમંત્રી ના બનાવાય તો એ લાલુપ્રસાદના દીકરા તેજસ્વી યાદવ સાથે હાથ મિલાવીને સત્તા જાળવી રાખે એવો ખતરો હોવાથી ભાજપ કમને તેમને નિભાવતો હતો. તેના કારણે ભાજપના સ્થાનિક નેતાઓમાં અસંતોષ પણ હતો, પણ ભાજપ પાસે બીજો વિકલ્પ નહોતો તેથી ભાજપ પોતાની ઈચ્છા પ્રમાણેની બાજી રમી શકતો નહોતો.

ત્રણ મહિના પહેલાં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોએ ભાજપને પોતાની રીતે રમવાની સગવડ કરી આપી. બિહાર વિધાનસભાની 243 બેઠકોમાંથી ભાજપે 89 અને જેડીયુએ 85 બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો. ભાજપના સાથી ચિરાગ પાસવાનની એલજેપીએ 19, જીતનરામ માંઝીની 5 તથા ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચાએ ચાર બેઠક જીતીને એનડીએની બેઠકોનો આંકડો 200ને પાર કરાવી દીધો.

ભાજપે ચૂંટણી પહેલાં નીતીશ કુમારને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરેલા તેથી એ વખતે તો કશું ના કહ્યું પણ પછી નીતીશ પર દબાણ શરૂ થયું. ચિરાગ પાસવાન પહેલેથી ભાજપની પંગતમાં છે તેથી તેની ચિંતા નહોતી. ભાજપે માંઝીને નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રીપદ આપી દીધેલું તેથી એ પણ ભાજપની પંગતમાં હતા. સવાલ કુશવાહાનો હતો. કુશવાહાને રાજ્યસભાના સભ્ય બનાવીને લટકાવી રખાયેલા ને હવે લાગ જોઈને તેમને મંત્રીપદની ઓફર કરી દેવાઈ તેમાં કુશવાહા પણ પીગળી ગયા.

આમ ભાજપના પોતાના 89, ચિરાગના 19, માંઝીના પાંચ અને કુશવાહાના ચાર મળીને અત્યારે ભાજપ પાસે 117 ધારાસભ્યો છે. સ્પષ્ટ બહુમતી માટે ભાજપને બીજા પાંચ ધારાસભ્યનો ટેકો જોઈએ. ભાજપે જેડીયુના 10 ધારાસભ્યોને રાજીનામાં માટે તૈયાર કરી દીધા છે તેથી નીતીશ ના માને તો પણ પોતાની તાકાત પર સરકાર રચી શકે. ભૂતકાળમાં ભાજપે કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં આ જ ખેલ કરીને કૉંગ્રેસની સરકારો ગબડાવેલી. નીતીશ સામે પણ એ જ કાર્ડ રમવાની ધમકી અપાઈ પછી નીતીશ પાસે ખસવા સિવાય વિકલ્પ નહોતો.

નીતીશની બિહારમાંથી વિદાય સાથે જ બિહાર પર છેલ્લા સાડા ત્રણ દાયકાનો એકહથ્થુ શાસનનો ભરડો પણ છૂટશે. ભાજપે લાલુ યાદવનો ખેલ પહેલાં જ ખતમ કરી નાખ્યો છે ને હવે નીતિશનો ખેલ પણ ખતમ થશે. નીતિશને મોદી સરકારમાં મંત્રીપદ મળી શકે છે પણ તેમને કોઈ મહત્ત્વનું ખાતું મળવાની સંભાવના નથી. નીતિશ પાસે લોકસભામાં 12 સભ્ય છે, પણ ભાજપ નીતીશ પર સંપૂર્ણ નિર્ભર નથી તેથી નીતીશને રાજી રાખવા જરૂરી નથી. બીજું એ કે, નીતીશ પોતે અત્યારે 75 વર્ષના છે તેથી હવે પહેલાં જેવી એનર્જી ઊર્જા સાથે કામ કરી શકે તેમ નથી. આ સંજોગોમાં બહુ ભોગવ્યું ને હવે જે મળે એ સોનાનું એમ સમજીને એ પણ નિરાંતે બેસી જાય એમાં જ એમનું ભલું છે..

નીતીશના સ્થાને બિહારના મુખ્યમંત્રીપદે કોણ આવશે એ ખબર નથી, પણ નીતીશના દીકરા નિશાંતને જ બેસાડાશે તો બિહારમાં વંશવાદી શાસનનો સિલસિલો આગળ વધશે, પણ નિશાંતને મુખ્યમંત્રીપદ મળે એવી શક્યતા ઓછી છે કેમ કે મુખ્યમંત્રીપદ ભાજપ પાસે જ જશે. એ સિવાય આ બધો ખેલ શું કરવા કરે? અલબત્ત, નિશાંતને નાયબ મુખ્યમંત્રીપદ મળી શકે પણ ભાજપે એ પણ કરવા જેવું નથી કેમ કે તેના કારણે ભવિષ્યમાં બિહારમાં ફરી વંશવાદી શાસનની શક્યતા ઊભી થઈ જશે.

 બિહારમાં 1990થી લાલુપ્રસાદ યાદવ અને નીતીશ કુમારનું શાસન રહ્યું છે. 1990થી 1997 લગી લાલુ પ્રસાદ મુખ્યમંત્રી હતા ને પછી ઘાસચારા કૌભાંડમાં સંડોવણી બહાર આવતાં પોતાની પત્ની રાબડીદેવીને ગાદી પર બેસાડી દીધી હતી. રાબડી તો નામનાં મુખ્યમંત્રી હતાં. બાકી ખરો કારભાર તો લાલુ જ ચલાવતા હતા. લાલુ અને તેમના પરિવારના ભ્રષ્ટાચારનો પાપનો ઘડો છલકાયો એટલે બિહારની જનતાએ નીતીશ કુમાર પર કળશ ઢોળ્યો. નીતીશ કુમાર 2005માં મુખ્યમંત્રી બન્યા પછી 2014માં રાજીનામાનું નાટક કરીને ખસી ગયેલા અને જીતનરામ માંઝીને ગાદી પર બેસાડેલા.

માંઝી 20 મે, 2014થી 22 ફેબ્રુઆરી, 2015 એટલે કે 9 મહિના માટે ગાદી પર રહ્યા પણ પછી પાછા નીતીશ મુખ્યમંત્રીપદે આવી ગયેલા ને ત્યારથી એ જ ગાદી પર છે. મતલબ કે, નીતીશેે છેલ્લા બે દાયકામાં 19 વર્ષથી વધારે સમય મુખ્યમંત્રીપદ ભોગવ્યું છે. માંઝીના 9 મહિનાને બાદ કરો તો છેલ્લાં 35 વર્ષમાં 34 વર્ષથી વધારે સમય આ બે પરિવાર જ સત્તામાં રહ્યો છે. નીતીશની વિદાય સાથે એ સમય પૂરો થશે, પણ નિશાંતની એન્ટ્રીથી ભવિષ્યમાં તેજસ્વી અને નિશાંત હાથ મિલાવીને ફરી વંશવાદી શાસન લાવે એવો ચાન્સ ખરો.

નીતીશ અને ભાજપ ભલે તેમના શાસનમાં બિહારનો વિકાસ થયો હોવાના દાવા કરે પણ આ વાતોમાં દમ નથી. લાલુએ બિહારને અતિ પછાત કરી નાખેલું. બિહારના રાજકારણને હળાહળ જ્ઞાતિવાદી બનાવેલું ને અપરાધીઓને રાજકારણમાં લઈ આવેલા. નીતિશ કુમારે લાલુની એ પરંપરાને જાળવીને જ્ઞાતિવાદને વધારે વકરાવ્યો છે. નીતીશે તો મતબેંકના રાજકારણને ખાતર દલિતોમાં પણ મહાદલિતનો નવો ફાંટો ઊભો કરીને ભાગલા કરી દીધા. રાજકારણના અપરાધીકરણમાં પણ નીતીશ એમના પુરોગામી લાલુને સારા ના કહેવડાવે તો કંઈ નહીં પણ ખરાબ ના કહેવડાવે એવા તો સાબિત થયા જ છે. 

હવે જો નીતીશના સ્થાને તેમનો દીકરો ગાદી પર બેસે તો આ જ રાજકારણ આગળ વધશે ને બિહાર જ્ઞાતિવાદ ને અપરાધીકરણની ચુંગાલમાંથી બહાર નહીં આવી શકે. આ કારણે બિહારને સુધારવું હોય તો નીતીશના વંશને કોરાણે મૂકવો પડશે. અત્યારે જે સ્થિતિ છે તેમાં તો મોટા ભાગે ભાજપનો જ કોઈ નેતા ગાદી પર બેસશે. ભાજપ પણ બહુ વખાણવા જેવો તો છે નહીં કેમ કે ભાજપ પણ ઓબીસીઓને પટાવવા હિંદુઓમાં ભાગલાનું ગંદું રાજકારણ રમી જ રહ્યો છે પણ કમ સે કમ બિહારને એકહથ્થુ કુશાસનમાંથી મુક્તિ તો મળશે... ભાજપ નીતીશના પડછાયામાંથી બહાર નીકળીને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે કંઈક તો સારું કરશે જ એ જોતાં અત્યારની પરિસ્થિતિમાં બિહારની ગાદી ભાજપના કોઈ નેતાને મળે એ જ શ્રેષ્ઠ વિકલ્પ દેખાઈ રહ્યો છે.