Fri Sep 04 2026

Logo

વ્યવસાય કરવો બનશે વધુ સરળ! નિર્મલા સીતારમણ આજે સંસદમાં રજૂ કરશે આ બિલ

2026-03-23 09:54:00
Author: Savan Zalariya
વ્યવસાય કરવો બનશે વધુ સરળ! નિર્મલા સીતારમણ આજે સંસદમાં રજૂ કરશે આ બિલ

નવી દિલ્હી: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે સોમવારે લોકસભામાં કોર્પોરેટ કાયદાઓમાં સુધારા માટે એક બિલ રજૂ કરશે. આ બિલને કારણે વ્યવસાયીકો મોટો ફાયદો થઇ શકે છે, અને ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન મળી શકે છે.
 
અહેવાલ મુજબ નિર્મલા સીતારમણ લિમીટેડ લાયેબીલીટી પાર્ટનરશીપ (LLP) એક્ટ, 2008 અને કંપની એક્ટ, 2013 માં સુધારા માટે કોર્પોરેટ લો (એમેન્ડમેન્ટ) બિલ, 2026 રજૂ કરશે. આ બિલમાં ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, કેટલાક સામાન્ય ગુનાઓને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કરવા, કેટલાક ફોજદારી મામલાને નાગરિક મામલાની શ્રેણીમાં બદલવા અને ખેડૂતોએ સ્થાપેલી નાની કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને પ્રોડક્શન કંપનીઓ પર કાયદાનો બોજ ઓછો કરવા વગેરે જોગવાઈઓ સામેલ કરવામાં આવી શકે છે.
 

કંપની લો કમીટી (CLC) ના સૂચનોને આધારે આ બિલ તૈયાર કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર 2019 માં 11 સભ્યોની CLC નું ગઠન કરવામાં આવ્યું હતું.  CLC એ 21 માર્ચ, 2022 ના રોજ સરકારને તેનો અંતિમ રીપોર્ટ સુપરત કર્યો હતો.

આજે રજુ થનારા બિલનો મુખ્ય હેતુ દેશમાં વ્યવસાય સરળ બનાવવાનો હશે. અગાઉના કાયદામાં કેટલીક જોગવાઈઓને બિનગુનાહિત જાહેર કરીને કોર્પોરેટ્સ પર બોલ ઓછો કરવામાં આવશે. 

અગાઉ પણ આ બંને કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા. કાયદાના પાલનની આવશ્યકતાઓને તર્કસંગત બનાવવા માટે કંપની એક્ટમાં 2015 થી ચાર વખત સુધારો કરવામાં આવ્યો છે, LLP એક્ટમાં અગાઉ 2021 માં સુધારો કરવામાં આવ્યો હતો.