- રાજ ગોસ્વામી
નિર્મલ પુરજા
કેટલાક પર્વતારોહીઓ માત્ર શિખરો જ સર કરતા નથી, તે માનવ સંભાવનાઓની ઊંચાઈ પણ સર કરે છે.
નેપાળના દાના નામના એક નાનકડા ગામમાંથી નીકળેલો એક યુવાન આખી દુનિયાને કહી ગયો કે માણસની સૌથી મોટી મર્યાદા પર્વત નથી, પરંતુ મનમાં બેઠેલો ડર છે. એ યુવાન હતો નિર્મલ પુરજા, જેને દુનિયા પ્રેમથી ‘નિમ્સદાઈ’ તરીકે ઓળખે છે (નેપાળી ભાષામાં ‘દાઈ’ એટલે મોટો ભાઈ- નિર્મલ ભાઈ)
30 જુલાઈના રોજ, પાકિસ્તાનના ગિલગિટ ક્ષેત્રમાં આવેલા બ્રોડ પીક પર વિનાશક હિમપ્રપાતમાં તેનું જીવન આટોપાઈ ગયું.
7,000 મીટરની ઊંચાઈ પર એ દુર્ઘટના બની હતી. હિમપ્રપાત બાદ નિર્મલ પુરજા સહિત 10 પર્વતારોહકો ગુમ થઈ ગયા હતા, જેમાં છ નેપાળી પર્વતારોહક પણ સામેલ હતા.
આ સમાચાર માત્ર પર્વતારોહણ જગત માટે જ નહીં, પરંતુ સપનાઓ જોનારા દરેક માણસ માટે આઘાત સમાન છે, કારણ કે નિર્મલ પુરજા માત્ર પર્વતારોહી નહોતો- તે અનેક યુવાનો માટે એક જીવંત પ્રેરણા હતો.
તેના જીવનની શરૂઆત સામાન્ય હતી, પરંતુ વિચારો અસામાન્ય હતા. નિર્મલનો જન્મ પચીસ જુલાઈ 1983ના રોજ નેપાળના મ્યાગ્દી જિ લ્લાના દાના ગામમાં થયો હતો. પૈસે-ટકે તે સાધારણ પરિવાર હતો, પણ પરિવારનો સેના સાથે ગાઢ સંબંધ રહ્યો છે. તેના પરિવારની ઘણી પેઢીઓ ગોરખા રેજિમેન્ટમાં સેવા આપતી આવી છે. નિર્મલે પણ મોટા થઈને બ્રિટિશ ગુરખા દળ અને ત્યારબાદ યુકે સ્પેશિયલ બોટ સર્વિસમાં સેવા આપી હતી.
અહીં જ તેને શિસ્ત, સહનશક્તિ અને નિર્ણાયક ક્ષણે અડગ રહેવાની કળા શીખવા મળી હતી, પરંતુ તેના જીવનનો સાચો અધ્યાય ત્યારે શરૂ થયો, જ્યારે તેણે પર્વતોને પોતાનું કર્મક્ષેત્ર બનાવ્યું. તેની એક સિદ્ધિ તો જગવિખ્યાત છે.
ભારત, નેપાળ, પાકિસ્તાન અને ચીનમાં ફેલાયેલી હિમાલય અને કારાકોરમ પર્વતમાળાઓમાં દુનિયાના સૌથી ઊંચા 14 પર્વત આવેલા છે, જેની ઊંચાઈ 8,000 મીટરથી વધુ છે. આ શિખરોમાં એવરેસ્ટ, ઊં2, કાંચનજંગા, લોત્સે, મકાલુ, ધૌલાગિરી અને અન્નપૂર્ણા જેવા વિશ્વવિખ્યાત પર્વતોનો સમાવેશ થાય છે. પર્વતારોહણની દુનિયામાં આ શિખરોને માત્ર તેમની ઊંચાઈ માટે જ નહીં, પરંતુ તેમની વિકટ પરિસ્થિતિઓ માટે પણ ઓળખાય છે. 8,000 મીટરથી ઉપરના વિસ્તારને ‘ડેથ ઝોન’ કહેવામાં આવે છે. આ ઊંચાઈએ હવામાં સમુદ્ર સપાટીની સરખામણીએ આશરે એક તૃતીયાંશ જેટલો જ ઓક્સિજન ઉપલબ્ધ હોય છે. પરિણામે શરીર ધીમે-ધીમે પોતાની શક્તિ ગુમાવવા લાગે છે, નિર્ણય લેવાની ક્ષમતા ઘટે છે અને લાંબા સમય સુધી ત્યાં રહેવું જીવલેણ બની શકે છે.
માઈનસ 40 ડિગ્રી સુધીનું તાપમાન, કલાકના 100થી 150 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનો, હિમપ્રપાત, બરફની ઊંડી તિરાડો અને અચાનક બદલાતું હવામાન- આ બધું મળીને આ પર્વતોને પૃથ્વીના સૌથી જોખમી પ્રદેશોમાં સ્થાન અપાવે છે.
વર્ષો સુધી માનવામાં આવતું હતું કે આ તમામ શિખરો સર કરવા માટે ઘણા વર્ષો જોઈએ. અનેક મહાન પર્વતારોહીઓએ તેની પાછળ દાયકાઓ ખર્ચી નાખ્યા છે. એટલે નિર્મલ પુરજાએ જ્યારે એવી જાહેરાત કરી કે તે આ તમામ 14 શિખર માત્ર થોડા મહિનાઓમાં સર કરશે ત્યારે લોકોએ તેને હસી કાઢ્યો હતો. લોકોને આ ઘેલછા લાગી. નિષ્ણાતોએ તેને અશક્ય ગણાવ્યું. પૈસાની તંગી હતી, પ્રાયોજકો નહોતા, સમય નહોતો અને જોખમ અસીમ હતું, છતાં નિર્મલે એક જ વાત કહી; ‘અશક્ય માત્ર એક મત છે, સચ્ચાઈ નહીં.’ તેણે કેવળ 6 મહિના અને 6 દિવસમાં આ સિદ્ધિ હાંસલ કરી દેખાડી !.
તેની આ અદ્ભુત સફરને વિશ્વએ ‘નેટફ્લિક્સ’ પર ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘"14 Peaks: Nothing Is Impossible'માં જોઈ. આ ફિલ્મ માત્ર પર્વતારોહણની જ કથા નથી, તે માણસના મનની શક્તિનો અદ્ભુત દસ્તાવેજ છે. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા મોટાભાગના ફૂટેજ ખુદ નિર્મલ પુરજા અને તેમની શેરપા ટીમે પર્વતારોહણ દરમિયાન હેડ-કેમેરા અને ડ્રોન દ્વારા શૂટ કર્યા છે.
2019માં માઉન્ટ એવરેસ્ટના શિખર નજીક પર્વતારોહીઓની લાંબી લાઇન (‘ટ્રાફિક જામ’)નો જે ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો, તે ખુદ નિર્મલ પુરજાએ જ ક્લિક કર્યો હતો અને આ ફિલ્મમાં તેની પાછળની વાસ્તવિકતા દર્શાવી છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ રોમાંચક છે, જે પ્રખ્યાત કંપોઝર એલેક્સ બારાનોવસ્કીએ આપ્યું છે.
નિર્મલે એ આ અશક્ય મિશનને ત્રણ અલગ-અલગ તબક્કામાં વહેંચ્યું હતું. ફિલ્મમાં આપણે નિર્મલને માત્ર શિખરો સર કરતાં નથી જોતા - આપણે તેને સતત સંઘર્ષ કરતાં જોઈએ છીએ. ક્યારેક નાણાં ખૂટે છે, ક્યારેક ખરાબ હવામાન રસ્તો રોકે છે, ક્યારેક શરીર થાકી જાય છે, તો ક્યારેક દુનિયા તેની ક્ષમતાઓ પર શંકા કરે છે, છતાં તે દરેક અવરોધ સામે એક જ પ્રશ્ન પૂછે છે : ‘આનો રસ્તો શું હોઈ શકે?’
આ દસ્તાવેજી ફિલ્મનો સૌથી સ્પર્શી જતું પાસું એ છે કે નિર્મલ માટે સફળતા માત્ર ટોચ સુધી પહોંચવાની નહોતી. અનેક પ્રસંગોએ તેણે અન્ય પર્વતારોહીઓનો જીવ બચાવવા માટે પોતાનો સમય, શક્તિ અને જોખમ દાવ પર લગાવ્યા હતા. એ ક્ષણો યાદ અપાવે છે કે સાચી જીત માત્ર મેડલમાં નથી, માનવતામાં પણ હોય છે.
14 Peaksમાં એક વાત સતત અનુભવાય છે કે વિજય શરીરની તાકાતથી ઓછો અને મનની મજબૂતાઈમાં વધારે હોય છે. પર્વત તો બહાર ઊભો હોય છે, પરંતુ સૌથી ઊંચો પર્વત આપણા મનની અંદર હોય છે. જે વ્યક્તિ પોતાના મનનો ડર જીતી જાય છે, તેના માટે દુનિયાનું કોઈ શિખર અપ્રાપ્ય રહેતું નથી... નિર્મલ પુરજાએ આખરે એ કરી બતાવ્યું. એણે પર્વતારોહણના ઇતિહાસને જ બદલી નાખ્યો અને સમગ્ર વિશ્વને બતાવ્યું કે માનવી પોતાની મર્યાદાઓ વિશે ઘણી વખત ખોટું માની લે છે.
આજે જ્યારે તેમના અવસાનના સમાચાર વાંચીએ છીએ, ત્યારે દુ:ખ થાય છે, પરંતુ કદાચ નિર્મલ પુરજાનું જીવન આપણને મૃત્યુ વિશે નહીં, જીવન કેવી રીતે જીવવું તેની શીખ આપે છે. કેટલાક લોકો વર્ષોની ગણતરીથી જીવતા હોય છે, જ્યારે કેટલાક પોતાના કામની ઊંચાઈથી અમર બની જાય છે.
નિર્મલ આ બીજા પ્રકારનો માણસ હતો.
નિર્મલ પુરજા હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેનો સંદેશ હંમેશાં જીવંત રહેશે. પર્વતો પર તેનાં પગલાં કદાચ બરફ ઢાંકી દેશે, પરંતુ લાખો લોકોના મનમાં તેણે જે વિશ્વાસ વાવ્યો છે, તેને કોઈ હિમપ્રપાત ક્યારેય દફનાવી શકશે નહીં. કેટલાક માણસો શિખર સુધી પહોંચે છે અને પાછા આવી જાય છે. કેટલાક માણસો પોતે જ શિખર બની જાય છે. નિર્મલ એવું જ એક શિખર હતો, જે આપણને સતત યાદ આપવશે કે જીવનમાં સૌથી મોટો વિજય પર્વત જીતવામાં નથી, પરંતુ પોતાના મનમાં રહેલા ‘અશક્ય’ શબ્દને હરાવવામાં છે.