Tue Oct 06 2026

Logo

નિરમા યુનિવર્સિટીમાં હાય-વોલ્ટેજ ડ્રામાઃ પ્રોફેસરે સ્ટેજ પર કોલર પકડી વિદ્યાર્થીને ધમકાવ્યો, વીડિયો વાયરલ

2026-09-24 18:44:47
Author: Mumbai Samachar Team
નિરમા યુનિવર્સિટીમાં હાય-વોલ્ટેજ ડ્રામાઃ પ્રોફેસરે સ્ટેજ પર કોલર પકડી વિદ્યાર્થીને ધમકાવ્યો, વીડિયો વાયરલ

અમદાવાદઃ તમે કયા કાર્યક્રમમાં શા માટે ગયા છો તેની સમજ હોવી જરૂરી છે. કોની સામે આપણે શું બોલી રહ્યાં છીએ તેના અંગે પણ સમજ ના હોય તો વિવાદનું નિર્માણ થઈ શકે છે. આવો જ એક ચોંકાવનારો બનાવ નિરમા યુનિવર્સિટીમાં બન્યો હતો. અમદાવાદની  નિરમા યુનિવર્સિટીમાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થી સાથે ગેરવર્તણૂક કરી છે. યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન પ્રોફેસરે એક વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવી તેનો કોલર પકડીને સરેઆમ ધમકાવ્યો હતો. 

કેમ્પસમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. આ સમગ્ર ઘટનાને પગલે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈએ પ્રોફેસરની આ વર્તણૂક સામે ભારે વિરોધ નોંધાવીને નિરમા યુનિવર્સિટી કેમ્પસમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેન્શન વિભાગના વિદ્યાર્થીઓનો 'ટેક્નોફોરા' નામથી કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સ્ટેન્ડઅપ કોમેડી શો દરમિયાન પ્રોફેસર બોલી રહ્યા હતા ત્યારે એક વિદ્યાર્થીએ 'ગોલમાલ-3' ફિલ્મનો પ્રખ્યાત ડાયલોગ ‘જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલના હૈ’ કહ્યો હતો. 

વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવી કોલર પકડી લીધો

આ ડાયલોગ સાંભળતા પ્રોફેસરને ગુસ્સો આવી ગયો અને વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવ્યો હતો. ઉશ્કેરાય પ્રોફેસરે વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવી કોલર પકડી લીધો અને ધમકાવ્યો અને ‘જો નિરમા ફેકલ્ટીનું અપમાન કરશો તો હું કોઈ પણ હદે જઈ શકું છું અને કાયમ માટે કાઢી મૂકીશ’ તેવી ધમકી આપી હતી. આ મામલે પ્રોફેસર સામે એનએસયુઆઈએ આંદોલનની ધમકી આપી હોવાનું પણ જાણવા મળ્યું છે.