Mon Sep 14 2026

Logo

એનઆઈએના એક્શનથી યુક્રેન નારાજ, કહ્યું રશિયાને ઈશારે થઈ કાર્યવાહી?

2026-03-19 21:50:34
Author: Vimal Prajapati
એનઆઈએના એક્શનથી યુક્રેન નારાજ, કહ્યું રશિયાને ઈશારે થઈ કાર્યવાહી?

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ એક આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેમાં વિદેશી નાગરિકો જે મ્યાનમારના હથિયારબંધ જૂથોને આધુનિક ડ્રોન અને યુદ્ધ તકનીકની તાલીમ આપતા હતા તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ભારતની આ કાર્યવાહીના કારણે યુક્રેનને ખોટું લાગ્યું છે. યુક્રેને ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સીએ રશિયાના ઈશારે કાર્યવાહી કરવામાં હોવાની શક્યતા વ્યક્ત કરી છે. ભારતમાં આવીને વિદેશની નાગરિકો જો ગુનાહિત પ્રવૃતિ કરે છે તો તેની સામે કાર્યવાહી કરવી અનિવાર્ય બની જાય છે. 

સાત વિદેશીઓની ધરપકડ કરવામાં આવી

વિગતે વાત કરવામાં આવે તો, 13 માર્ચ 2026ના રોજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિબંધન) અધિનિયમ હેઠળ કેસ નોંધાયો હતો. ગૃહ મંત્રાલયના નિર્દેશ પર આ તપાસ શરૂ થઈ હતી. જેમાં કોલકાતા, લખનઉ અને દિલ્લીના ત્રણ મુખ્ય હવાઈઅડ્ડાઓ પરથી સાત વિદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. આમાં એક અમેરિકન મેથ્યુ આરોન વાન ડાયક અને છ યુક્રેનિયન - હુર્બા પેટ્રો, સ્લીવિયાક તારસ, ઇવાન સુકમાનોવ્સ્કી, સ્ટેફાનકિવ મારિયન, હોનચારુક મૈક્સિમ અને કામસ્કી વિક્ટર સામેલ છે. આ વિદેશી નાગરિકો કુઆલાલંપુર જવાની તૈયારીમાં હતી પરંતુ તે પહેલા તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

આઠ અન્ય યુક્રેનિયનોની શોધખોળ શરૂ કરાઈ

દિલ્લી કોર્ટે બધા આરોપીઓને 27 માર્ચ 2026 સુધી NIA હવાળે કર્યાં છે. તપાસ એજન્સીઓ આઠ અન્ય યુક્રેનિયનોની શોધ કરી રહી છે. આ મામલે યુક્રેન દૂતાવાસે આ ધરપકડ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કહ્યું કે, આ કાર્યવાહી રશિયાની માહિતીના આધારે કરવામાં આવી હોવાની શક્યતા છે. જેથી આશંકા ઉભી થાય છે કે આ મામલો રાજકીય રીતે પ્રેરિત અને પૂર્વયોજિત છે. 

14 યુક્રેનિયનો ટૂરિસ્ટ વીઝા પર ભારત આવ્યા હતા

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે આ ષડયંત્ર સંગઠિત રીતે ચલાવવામાં આવતું હતું. 14 યુક્રેનિયનો ટૂરિસ્ટ વીઝા પર ભારત આવ્યા, પછી પરમિટ વિના ગુવાહાટી અને મિઝોરમ પહોંચ્યા. અહીંથી મ્યાનમારના ચિન સ્ટેટમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. NIAના જણાવ્યા આરોપીઓ યુરોપથી ભારત થઈને મ્યાનમાર ડ્રોનનો મોટો જથ્થો પહોંચાડવામાં પણ સામેલ હતા. એટલું જ નહીં પરંતુ આ જૂથો પર અગાઉ ભારતીય બળવાખોર સંગઠનોને ટેકો આપવાના આરોપો લાગેલા છે. 

મુખ્ય પ્રધાન લાલદુહોમાએ શું કહ્યું?

આ પહેલાં મિઝોરમમાં વિદેશીઓની પ્રવૃત્તિઓ પર ચિંતા વ્યક્ત થઈ હતી. મુખ્ય પ્રધાન લાલદુહોમાએ 2024માં વિધાનસભામાં જણાવ્યું કે, મોટી સંખ્યામાં વિદેશીઓ આવ્યા હતા. મિઝોરમના છ જિલ્લાઓ મ્યાનમાર સાથે 510 કિ.મી. સરહદ શેર કરે છે, જ્યાં ઘુસણખોરી અને તસ્કરી વધુ છે. ફ્રી મુવમેન્ટ રિજિમને કડક કરી નિલંબિત કરાયું. હવે આ સરહદને વધારે સુરક્ષિત કરવાની જરૂર છે તેવા પણ દાવા કરવામાં આવી રહ્યાં છે.