લંડનઃ ક્રિકેટ મૅચમાં ઘણી વખત ત્રણ બોલરની ત્રિપુટી હરીફ ટીમને પરાજિત કરાવવામાં અગત્યની ભૂમિકાઓ ભજવતી હોય છે અને બૅટિંગમાં પણ વારંવાર જોવા મળ્યું છે કે ત્રણ બૅટરની ત્રિપુટી હરીફ ટીમને ભારે પડી ગઈ હોય, પરંતુ એકસાથે ત્રણ ખેલાડી નિવૃત્ત થાય એ ક્યારેય જોયું-સાંભળ્યું નથી. અહીં શનિવારે રેકૉર્ડ-બ્રેક ક્રાઉડની હાજરીમાં આવું બની ગયું.
મહિલાઓના ટી-20 વર્લ્ડ કપની ડિફેન્ડિંગ ચૅમ્પિયન ન્યૂ ઝીલૅન્ડ (New Zealand)ની ટીમ શનિવારે ઇંગ્લૅન્ડ સામે અંતિમ લીગ મૅચ હારી જતાં વર્લ્ડ કપની બહાર થઈ ગઈ હતી અને ત્યાર બાદ ન્યૂ ઝીલૅન્ડની ત્રણ ક્રિકેટ-લેજન્ડ સૉફી ડિવાઇન, સુઝી બેટ્સ અને લી તાહુહુએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા (RETIREMENT) કરી હતી.
મહિલા ટી-20 વર્લ્ડ કપની ગ્રૂપ મૅચમાં અગાઉ ક્યારેય ન જોવા મળ્યું હોય એટલા ક્રાઉડ (21,018)ની હાજરીમાં ન્યૂ ઝીલૅન્ડની ત્રણેય ક્રિકેટરને માનભેર ફેરવેલ આપવામાં આવ્યું હતું. તેમણે 15 વર્ષની કરીઅરને ગુડબાય કરી છે. યોગાનુયોગ, આ ત્રણેય ખેલાડી ટેસ્ટ નહીં, પણ માત્ર વન-ડે અને ટી-20 મૅચો રમી હતી.
England give guard of honour to New Zealand legends Sophie Devine, Suzie Bates and Lea Tahuhu after World Cup farewellpic.twitter.com/WGsvjAXhqj
— Cricket Hub (@Anurag9793) June 28, 2026
ત્રણેય નિવૃત્ત પ્લેયર વિશે જાણીએ...
36 વર્ષની રાઇટ-હૅન્ડ બૅટર અને પેસ બોલર સૉફી ડિવાઇન ન્યૂ ઝીલૅન્ડને પ્રથમ વૈશ્વિક ટાઇટલ અપાવ્યું હતું. તેણે સમગ્ર કરીઅરમાં ટીમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 1થી 11 સુધીના દરેક ક્રમે બૅટિંગ કરી હતી. તે મહિલા ક્રિકેટની સૌથી વિસ્ફોટક બૅટર્સમાં ગણાય છે. શનિવારે છેલ્લી ઇનિંગ્સમાં તેના 30 રનમાં ત્રણ છગ્ગા હતા. ટી-20માં તે ન્યૂ ઝીલૅન્ડની બોલર્સમાં સૌથી વધુ 130 વિકેટ લેનાર બોલર છે. વન-ડેમાં તેણે 111 વિકેટ લીધી હતી. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 317 મૅચમાં 10 સદી સહિત 8,000-પ્લસ રન બનાવ્યા હતા જેમાં 200થી વધુ છગ્ગા અને 760થી વધુ ચોગ્ગા હતા.
38 વર્ષની બૅટિંગ-ઑલરાઉન્ડર સુઝી બેટ્સે 370 આંતરરાષ્ટ્રીય મૅચમાં કુલ 14 સેન્ચુરી સહિત વિક્રમજનક 10,700-પ્લસ રન કર્યા હતા જેમાં પંચાવન છગ્ગા અને 1,200-પ્લસ ચોગ્ગા હતા. તેણે 145 વિકેટ પણ લીધી હતી.
35 વર્ષની પેસ બોલર લી તાહુહુએ કુલ 207 આંતરરાષ્ટ્રીય મૅચમાં કુલ 225 વિકેટ લીધી હતી અને 700 જેટલા રન બનાવ્યા હતા. વન-ડે વર્લ્ડ કપમાં તે ન્યૂ ઝીલૅન્ડ વતી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.