Mon Sep 14 2026

Logo

ગાંધીધામ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની જાહેરાત: દિવ્યાબેન નાથાણી બન્યા મેયર

2026-05-26 14:32:00
Author: Mayur Patel
ગાંધીધામ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની જાહેરાત: દિવ્યાબેન નાથાણી બન્યા મેયર

ભુજ ૨૬-૫-૨૦૨૬ 

ગાંધીધામ મહાનગરપાલિકાના શાસનતંત્રને વેગ આપવા માટે આજે વિવિધ મહત્વના હોદ્દાઓ પર નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે મહાનગરપાલિકાના સુકાનીઓનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

સત્તાવાર રીતે જાહેર કરાયેલી યાદી અનુસાર, ગાંધીધામ મહાનગરપાલિકાના સર્વોચ્ચ એવા મેયર પદ માટે દિવ્યાબેન નાથાણીની વરણી કરવામાં આવી છે. જ્યારે, ડેપ્યુટી મેયર તરીકે નવીન જરુના નામ પર મહોર મારવામાં આવી છે.

મહાનગરપાલિકાની તિજોરી અને વિકાસકામોની ચાવી સમાન ગણાતી સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી)ના ચેરમેન તરીકે તેજસ શેઠની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, સંગઠન અને શાસન વચ્ચે સંકલન સાધવા માટે પક્ષના નેતા તરીકે ભરત મીરાણી અને પક્ષ શિસ્ત જાળવી રાખવાની મુખ્ય જવાબદારી સંભાળતા દંડક તરીકે સુરેશ ધૂવાની પસંદગી કરવામાં આવી છે.

નવનિયુક્ત પદાધિકારીઓની આ જાહેરાત બાદ ગાંધીધામના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સ્થાનિક નાગરિકો અને પક્ષના કાર્યકરો દ્વારા નવા વરાયેલા તમામ નેતાઓને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ નવી ટીમ ગાંધીધામના વિકાસકાર્યોને કઈ દિશામાં લઈ જાય છે તેના પર સૌની નજર રહેશે.

(ઉત્સવ વૈદ્ય)