Fri Sep 11 2026

Logo

રૂપિયા 100 કરોડના ખર્ચે નવનિર્મિત દમણ એરપોર્ટ જૂનથી શરૂ થશે, વડાપ્રધાન મોદી કરશે લોકાર્પણ

2026-05-23 20:15:25
Author: Vimal Prajapati
રૂપિયા 100 કરોડના ખર્ચે નવનિર્મિત દમણ એરપોર્ટ જૂનથી શરૂ થશે, વડાપ્રધાન મોદી કરશે લોકાર્પણ

અમદાવાદ: પર્યટન સ્થળ તરીકે નામના મેળવી ચૂકેલા સંઘપ્રદેશ દમણમાં દેવકા રોડ પર અંદાજે રૂ. 100 કરોડના ખર્ચે આ ભવ્ય સિવિલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ નવા એરપોર્ટની કામગીરી હવે છેલ્લા તબક્કામાં છે. આ સિવિલ એરપોર્ટના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનના પહેલા અઠવાડિયામાં દમણની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના છે. તેઓ અન્ય 25થી વધુ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. 

દમણ-અમદાવાદ વચ્ચેની એર કનેક્ટિવિટી પણ શરૂ થશે

આ એરપોર્ટ શરૂ થતાની સાથે જ દમણ-દિલ્હી વચ્ચેની ફ્લાઈટ સેવાનો પ્રારંભ કરી દેવામાં આવશે. ત્યાર બાદ ટૂંક સમયમાં જ દમણ-મુંબઈ અને દમણ-અમદાવાદ વચ્ચેની એર કનેક્ટિવિટી પણ શરૂ થવાની સંભાવના છે. આ ડોમેસ્ટિક એરપોર્ટનો લાભ પ્રવાસીઓને થશે. આ એરપોર્ટ લગભગ 1 લાખ ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. એરપોર્ટ પર 5,460 ચોરસ મીટરનું અત્યાધુનિક ટર્મિનલ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. 

મુસાફરો માટે 57 ગાડીઓનું પાર્કિંગ સ્ટેન્ડ પણ બનાવાયું

અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં 180 મુસાફરોની ક્ષમતા ધરાવતો વેઇટિંગ રૂમ અને 16 વ્યક્તિઓ માટે ખાસ વીવીઆઈપી લોન્જ તૈયાર કરાયો છે. હાલમાં 12 ચેક-ઇન કાઉન્ટર્સ તૈયાર છે, જે ભવિષ્યમાં વધારીને 16 કરાશે. આ ઉપરાંત, રનવે પર એ-320 સાઇઝના બે મોટા એરક્રાફ્ટ પાર્ક થઈ શકશે અને મુસાફરો માટે 57 ગાડીઓનું પાર્કિંગ સ્ટેન્ડ પણ બનાવાયું છે. દમણના આ નવા ડોમેસ્ટિક એરપોર્ટનું સંચાલન સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવશે.