Sat May 02 2026

Logo

પ્રાસંગિકઃ યુવા ક્રાંતિનો વિજય...

2026-03-11 08:18:00
Author: અમૂલ દવે
Article Image

અમૂલ દવે

નેપાળના પહાડોમાં આજે એક નવી સવાર પડી છે, જે માત્ર સૂર્યપ્રકાશ નથી, પરંતુ એક પ્રચંડ `યુવા ક્રાંતિ'નો શંખનાદ છે.      

તાજેતરની સામાન્ય ચૂંટણીઓનાં પરિણામોએ દાયકાઓ જૂના રાજકીય ગઢને ધરાશાયી કરી દીધા છે. હજી ગઈકાલ સુધી જેમને નેપાળના રાજકારણના ભીષ્મ પિતામહ માનવામાં આવતા હતા તેવા ચાર વખતના પૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીને તેમના જ હોમ ગ્રાઉન્ડમાં પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. 

આ કોઈ સામાન્ય હાર નથી, પણ એક એવી ક્રાંતિ છે જેનું નેતૃત્વ 35 વર્ષના `બલેન' તરીકે જાણીતા એવા ગતિશીલ યુવા નેતા બલેન્દ્ર શાહે કર્યું છે. તેમની નવરચિત રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસપી) એ 165 માંથી 122 બેઠકો મેળવીને  ઐતિહાસિક બહુમતી હાંસલ કરી છે. તેનાથી તેણે વિશ્વભરના રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે.

બલેન્દ્ર શાહનું વ્યક્તિત્વ પોતે જ એક આધુનિક નેપાળની ઓળખ સમાન છે. એક તરફ એ સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરીકે ટેકનિકલ દ્રષ્ટિકોણ ધરાવે છે તો બીજી તરફ એક લોકપ્રિય રેપર તરીકે જનતાની પીડાને વાચા આપે છે. કાઠમાંડુના મેયર તરીકે તેમણે જે પારદર્શિતા અને વિકાસનાં કામો કર્યા, તેની ગુંજ સમગ્ર દેશમાં સંભળાઈ હતી. 

તેમનાં રેપ ગીતો માત્ર સંગીત નહોતા, પણ ભ્રષ્ટ વ્યવસ્થા સામેના પ્રહારો હતા, જેણે `જનરેશન ઝેડ' એટલે કે આજના યુવાનોના હૃદયમાં પરિવર્તનની જ્યોત જલાવી. આ ચૂંટણીમાં ઝાપા-5 બેઠક પર ઓલી જેવા દિગ્ગજને 68,000 થી વધુ મતો સામે માત્ર 18,000 મતો પર સીમિત રાખીને બલેને સાબિત કરી દીધું કે હવે જનતાને માત્ર વાતોના આ વડા નહીં, પણ પરિણામ જોઈએ છે.

આ વિજય પાછળનું સૌથી મોટું બળ નેપાળનો યુવા વર્ગ છે. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા આંદોલનોએ સ્પષ્ટ કરી દીધું હતું કે યુવાનો જૂની પેઢીના નેતાઓની આંતરિક ખેંચતાણ, આર્થિક અસ્થિરતા અને બેરોજગારીથી કંટાળી ગયા છે. નેપાળી કૉંગ્રેસ અને સીપીએન (યુએમેલ) જેવી વર્ષો જૂની પાર્ટીઓને જે રીતે જાકારો મળ્યો છે તે દર્શાવે છે કે હવે રાજકારણમાં `વંશવાદ' કે `ગઠબંધનની માયાજાળ' ચાલવાની નથી. 

ગગન થાપા જેવા સ્થાપિત નેતાઓની હાર એ સંકેત છે કે જનતા હવે નવા ચેહરા અને નવી દ્રષ્ટિ ઈચ્છે છે. `આરએસપી'ના મેનિફેસ્ટોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાયદા, પર્યાવરણ સુરક્ષા અને રોજગારનાં જે વચનો હતાં, તેને યુવાનોએ પોતાના ભવિષ્યના રોડમેપ તરીકે સ્વીકારી લીધા છે.

બલેન્દ્ર શાહના વિજય સાથે નેપાળને તેના ઈતિહાસના સૌથી યુવા વડા પ્રધાન તો મળ્યા જ છે, પણ સાથે જ એક તેજસ્વી નેતૃત્વ પણ મળ્યું છે. મધેશી સમુદાય, જે વર્ષોથી રાજકીય હાંસિયામાં ધકેલાયેલો અનુભવતો હતો તેને હવે મુખ્ય પ્રવાહમાં સન્માન મળ્યું છે. ભારતની સરહદ સાથે જોડાયેલા આ વિસ્તારના નેતા તરીકે બલેન પાસે નેપાળના આંતરિક સામાજિક વિવાદો ઉકેલવાની અને દેશને એકસૂત્રે બાંધવાની સુવર્ણ તક છે. આ પરિવર્તન માત્ર સત્તાનું હસ્તાંતરણ નથી, પણ નેપાળી લોકશાહીની પરિપક્વતાનું પ્રમાણ છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ વિજયના ઘેરા પડઘા પડશે. ભારત અને ચીન જેવા બે મહાસત્તા વચ્ચે સેન્ડવિચ થયેલા નેપાળ માટે બલેન્દ્ર શાહનું `સ્વતંત્ર' વલણ ખૂબ મહત્ત્વનું સાબિત થશે. ખાસ કરીને ભારત માટે આ એક હકારાત્મક સંકેત છે. બલેનની મધેશી પૃષ્ઠભૂમિ હોવાના કારણે ભારત-નેપાળ વચ્ચેના સાંસ્કૃતિક અને વેપારિક સંબંધોમાં એક નવી ઊર્જા આવશે. યુવા ડિપ્લોમસી દ્વારા સીમા વિવાદોને ટેકનિકલ રીતે ઉકેલી શકાય છે અને ચીનના વધતા પ્રભાવ સામે એક સંતુલિત વિદેશ નીતિ ઘડી શકાય તેમ છે. અહીં સામ્યવાદીનો પરાજય એ ભારત માટે શુભ સંકેત છે.

હવે `આરએસપી' સરકાર રચવા જઈ રહી છે ત્યારે પડકારો પણ પહાડ જેવા મોટા છે. આર્થિક પુનરુત્થાન, સ્વાસ્થ્ય અને શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવાની જવાબદારી બલેનના ખભા પર છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી સંગઠિત થયેલા યુવાનોની અપેક્ષાઓ આસમાને છે. નેપાળની જનતાએ જે રીતે પરિવર્તન માટે વોટ આપ્યો છે, તે જોતા કહી શકાય કે આ `નવા નેપાળ'નો ઉદય છે. બલેન્દ્ર શાહના નેતૃત્વમાં નેપાળ હવે પરંપરાગત રાજકારણની બેડીઓ તોડીને વિકાસના એવા પથ પર પ્રયાણ કરશે, જ્યાં ભ્રષ્ટાચારને કોઈ સ્થાન નહીં હોય અને યુવા શક્તિ જ દેશનો ભાગ્ય વિધાતા બનશે.