નવી દિલ્હી: દેશભરમાં નીટ પેપર લીકને લઈને થયેલા હોબાળા પછી પરીક્ષા પ્રણાલી પર વિદ્યાર્થીઓનો વિશ્વાસ ડગમગ્યો છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓનો વિશ્વાસ પાછો જીતવા માટે સરકાર અનેક મોટા પગલાં લઈ રહી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાના સોગંદનામામાં કેન્દ્ર સરકારે પરીક્ષા પ્રણાલીમાં મોટા ફેરફારોના સંકેતો આપ્યા છે. સરકારે સુપ્રીમ કોર્ટ (SC)ને જણાવ્યું કે નીટ પેપર લીક અટકાવવા માટે પરીક્ષાને એન્જિનિયરિંગ (JEE) ની જેમ બે તબક્કામાં યોજવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં, મેડિકલમાં પ્રવેશ માટે NEET UG ની પરીક્ષા માત્ર એક જ તબક્કામાં થાય છે, પરંતુ હવે તેને JEE ની જેમ 'ટુ-સ્ટેજ એક્ઝામ'માં બદલવાની યોજના છે.
નીટ પરીક્ષા પ્રણાલીને સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે સરકારે જણાવ્યું કે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે 2026 માં લાગુ નવા કાયદા હેઠળ હવે પેપર લીક અને ગેરરીતિ જેવા અપરાધીઓ માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. નવા નિયમો મુજબ નકલ કે કોઈપણ પ્રકારની ગેરરિતીમાં સંડોવાયેલા પકડાય તો 10 વર્ષ સુધીની જેલ અને 5 કરોડ રૂપિયા સુધીનો મોટો દંડ ફટકારવામાં આવી શકે છે.
સર્વોચ્ચ અદાલતમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની સિસ્ટમમાં સુધારાની જરૂરિયાત સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી કરવામાં આવી રહી છે, જેથી પ્રશ્નપત્ર લીક થતા અટકાવી શકાય. સરકારે કોર્ટને NEET UG પરીક્ષાના આયોજન સાથે જોડાયેલા સુરક્ષા પ્રોટોકોલ વિશે માહિતી આપી. સોગંદનામા દ્વારા NEET UGની નવી પરીક્ષા પ્રણાલીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કઇ નવી રીતથી થઇ શકે છે હવે NEET UG પરીક્ષા?
બે તબક્કામાં પરીક્ષા- એન્જીનિયરિંગ કોર્સમાં પ્રવેશ માટે પહેલા JEE Main અને પછી JEE Advanced પરીક્ષાઓનું આયોજન થાય છે. બરોબર એ જ રીતે હવે મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે NEET પરીક્ષાને પણ બે તબક્કામાં કરવાનું પ્લાનિંગ થઇ રહ્યું છે.
પેન-પેપરથી CBT મોડ: અત્યાર સુધી NEET પરીક્ષા OMR શીટ સાથે પેન અને પેપર મોડમાં લેવાય છે. તેને હવે આવતા વર્ષથી કમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ (CBT) મોડ એટલે કે ઓનલાઈન પદ્ધતિમાં ફેરવવામાં આવશે.
વિવિધ શિફ્ટમાં થશે NEET પરીક્ષા: CBT મોડની સાથેસાથે, પરીક્ષાને એક જ સમયે અને એક જ દિવસે યોજવાને બદલે અલગ-અલગ શિફ્ટ અને દિવસોમાં NEET UG પરીક્ષાઓ યોજવાનો વિચાર છે.
પેપર લીક અને ગેરરીતિઓ પર અંકુશ:
સરકાર તરફથી આ મહત્વપૂર્ણ પગલું માત્ર પેપર લીક અને ગેરરીતિઓને રોકવા માટે જ ઉઠાવવામાં આવી શકે છે. JEE Main, CUET, UGC-NET વગેરે પરીક્ષાઓની જેમ આ પણ CBT મોડમાં યોજવામાં આવશે, જેનાથી પેપર લીક પર અંકુશ મેળવી શકાશે. મહત્વનું છે કે NTAની 8 મોટી પરીક્ષાઓમાંથી માત્ર NEET UG જ એક એવી પરીક્ષા છે જે પેન-કાગળ પર લેવાય છે.