Tue Oct 13 2026

Logo

રાહુલ ગાંધી સાથે ટ્રક પર જોવા મળેલી જન્નત બિશ્નોઈ કોણ, યુનિવર્સિટીમાં બનાવ્યો રેકોર્ડ

2026-10-13 20:44:28
Author: Mumbai Samachar Team
રાહુલ ગાંધી સાથે ટ્રક પર જોવા મળેલી જન્નત બિશ્નોઈ કોણ, યુનિવર્સિટીમાં બનાવ્યો રેકોર્ડ

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે સુપ્રીમ કોર્ટ સુધીના માર્ચમાં જોવા મળેલી યુવાન વિદ્યાર્થી નેતા જન્નત બિશ્નોઈ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રક પર ઊભા રહીને નારા લગાવતી જન્નતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં તેને લઈને ઉત્સુકતા વધી છે. જોકે, જન્નતની ઓળખ માત્ર આ માર્ચ પૂરતી સીમિત નથી. જન્નત દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (ડીયુએસયુ)ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલર અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા (એનએસયુઆઇ)ની સક્રિય કાર્યકર છે.

જન્નત બિશ્નોઈ મૂળ રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાના સંઘરિયા વિસ્તારની રહેવાસી છે. તેના પિતા ખેતીકામ સાથે સંકળાયેલા છે, જ્યારે માતા ગૃહિણી છે. જન્નત હાલમાં દિલ્હી યુનિવર્સિટીની શ્યામા પ્રસાદ મુખર્જી કોલેજમાં બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. કોલેજમાં પ્રવેશ લીધા બાદ વિદ્યાર્થીઓની સમસ્યાઓ અને તેમના અધિકારોને નજીકથી સમજવાની તક મળી હતી ત્યાર બાદ તેણે એનએસયુઆઈ સાથે જોડાઈને વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું હતું. કોલેજના પ્રશ્નોથી શરૂ થયેલી તેની સફર આજે દિલ્હીના વિરોધ પ્રદર્શનો અને રાષ્ટ્રીય રાજકારણની ચર્ચા સુધી પહોંચી છે.

104 વર્ષના ઇતિહાસમાં નોંધાવી સિદ્ધિ

જન્નત બિશ્નોઈની સૌથી મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓમાં દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સેલર (સીઈસી) પદ સુધી પહોંચવાનો સમાવેશ થાય છે. એક ઇન્ટરવ્યૂની વાતચીતમાં જન્નતે દાવો કર્યો હતો કે દિલ્હી યુનિવર્સિટીના 104 વર્ષના ઇતિહાસમાં આ પદ સુધી પહોંચનારી તે પહેલી વિદ્યાર્થિની છે. તેના મતે, લાંબા સમયથી પુરુષોનું વર્ચસ્વ ધરાવતા આ ક્ષેત્રમાં સ્થાન મેળવવા માટે તેણે સતત સંઘર્ષ કર્યો અને ત્રણ અલગ-અલગ ચૂંટણી પ્રક્રિયાઓનો અનુભવ મેળવ્યો. આ સિદ્ધિએ તેને વિદ્યાર્થી રાજકારણમાં એક અલગ ઓળખ અપાવી છે.

શું હોય છે ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સેલરનું કામ?

ડીયુએસયુમાં ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સેલરનું પદ યુનિવર્સિટીના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરથી અલગ છે. આ વિદ્યાર્થી સંઘની કાર્યકારી વ્યવસ્થામાં મહત્ત્વપૂર્ણ જવાબદારી ધરાવતું પદ છે. કાર્યકારી સમિતિના નિર્ણયોનો અમલ કરાવવો, વિદ્યાર્થીઓના અધિકારો અને યુનિવર્સિટીની આંતરિક સમસ્યાઓ અંગે વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવી તથા વિદ્યાર્થી સંઘની નીતિઓને અમલમાં મૂકવામાં મદદ કરવી તેની કામગીરીનો ભાગ છે. વિદ્યાર્થી સંઘની ચૂંટણી દરમિયાન ઉમેદવારો અને તેમની ટીમો માટે પ્રચારનું આયોજન, વિવિધ કોલેજોમાં વિદ્યાર્થીઓનો સંપર્ક અને મત મેળવવાની રણનીતિ તૈયાર કરવા જેવી કામગીરી પણ મહત્ત્વ ધરાવે છે.

રાહુલ-પ્રિયંકા સાથેની માર્ચથી રાષ્ટ્રીય સ્તરે ચર્ચા

જયારે ઇન્ડિ ગઠબંધનના વિપક્ષી નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ચૂંટણીમાં કથિત ગેરરીતિઓ અને ‘વોટ ચોરી’ના આરોપોને લઈને સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ યોજ્યો હતો. દરમિયાન માર્ચમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય નેતાઓ સાથે જન્નત પણ ટ્રક પર જોવા મળી હતી અને ઉત્સાહપૂર્વક નારા લગાવતી હતી. 

પોલીસ દ્વારા માર્ચને થોડા અંતરે અટકાવવામાં આવ્યા બાદ રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, જ્યાં મતદાર યાદીની એસઆઇઆર પ્રક્રિયા પર વચગાળાની રોક લગાવવાની માગણી સાથે અરજી સંબંધિત કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાએ જન્નતને વિદ્યાર્થી રાજકારણની બહાર વ્યાપક ઓળખ અપાવી છે.

વિદ્યાર્થીઓના અધિકારો, મહિલા સુરક્ષા અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પર સક્રિય રહેતી જન્નત બિશ્નોઈની સફર હવે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. એક તરફ ડીયુએસયુમાં તેની ઐતિહાસિક સિદ્ધિ છે, તો બીજી તરફ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથેના માર્ચમાં તેની હાજરીએ તેને સોશિયલ મીડિયા પર ચર્ચિત બનાવી છે. જોકે, તેની રાજકીય કારકિર્દી આગળ કઈ દિશામાં જશે તે જોવાનું રહેશે, પરંતુ વિદ્યાર્થી રાજકારણમાં યુવા મહિલાઓની ભાગીદારી અને નેતૃત્વ અંગેની ચર્ચામાં જન્નતનું નામ ચોક્કસપણે ઉમેરાયું છે.