નવી દિલ્હી: NEET UG 2026 પરીક્ષામાં કથિત પેપર લીક અને ગેરરીતિઓના મામલે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ સત્તાવાર રીતે કેસ નોંધ્યા બાદ સમગ્ર દેશમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શિક્ષણ મંત્રાલયની લેખિત ફરિયાદના આધારે CBI એ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનાહિત કાવતરું, છેતરપિંડી, પુરાવાનો નાશ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ તેમજ પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024 હેઠળ ફરિયાદ (FIR) નોંધી છે. તપાસ એજન્સીએ આ મામલે પ્રથમ મોટી કાર્યવાહી કરતા રાજસ્થાનના જમવારામગઢમાંથી એક વ્યક્તિની અટકાયત કરી છે, જેના બંને પુત્રો વ્યવસાયે ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે.
CBI ની તપાસમાં અન્ય એક ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં નાસિકથી ડો. શુભમ ખૈરનાર નામના તબીબી વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. શુભમ હાલ ભોપાલની એક કોલેજમાં BAMSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. આ ધરપકડ બાદ એ સ્પષ્ટ થયું છે કે પેપર લીક નેટવર્કના તાર ખૂબ જ ઊંડા અને પ્રોફેશનલ સ્તરે જોડાયેલા છે. CBI ની વિશેષ ટીમો હવે આ નેટવર્કમાં સામેલ અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓની ભૂમિકા તપાસવા માટે વિવિધ રાજ્યોમાં ધામા નાખ્યા છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026 ના રોજ આયોજિત આ પરીક્ષામાં પેપર લીક અંગેના ઇનપુટ્સ મળ્યા બાદ પરીક્ષાની પારદર્શીતા અને નિષ્પક્ષતા જોખમાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે પરીક્ષા પૂર્વે NEET UG 2026 ને લગતા કેટલાક અત્યંત સંવેદનશીલ દસ્તાવેજોનું ગેરકાયદે પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ગંભીર અનિયમિતતાઓનો વ્યાપ કેટલો મોટો છે તે જાણવા માટે કેન્દ્ર સરકારે સમગ્ર તપાસ CBI ને સોંપી છે.
હાલમાં CBI ની ટેકનિકલ અને ફોરેન્સિક ટીમો પણ આ તપાસમાં જોડાઈ છે જેથી પુરાવાનો નાશ કરનારાઓ સુધી પહોંચી શકાય. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આ પેપર લીક કૌભાંડમાં અનેક મોટા માથાની ધરપકડ થવાની શક્યતા છે. સરકાર આ મામલે ખૂબ જ કડક વલણ અપનાવી રહી છે અને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે, જેથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ચેડાં અટકાવી શકાય.