Sun Jul 26 2026

Logo

NCERTનો નમતું જોખ્યું: 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' પ્રકરણ બદલ માંગી બિનશરતી માફી, આખું પુસ્તક પાછું ખેંચાયું

2026-03-10 11:33:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: છેલ્લા અનેક દિવસોથી ન્યાયપાલિકા અને NCERT બંને સામસામે આવી ગયા હતા અને તે મુદ્દો હતો NCERT દ્વારા ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં પ્રકાશિત 'ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર' વાળુ વિવાદિત ચેપ્ટર. હવે આ મામલે NCERTએ માફી માંગી લીધી છે. 

NCERT એ 'X' પર પોસ્ટમાં લખ્યું હતું કે, "નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ તાજેતરમાં સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક, 'સમાજની ખોજ: ભારત અને તેની પેલે પાર', ધોરણ 8 (ભાગ II) પ્રકાશિત કર્યું હતું, જેમાં પ્રકરણ IV 'આપણા સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકા' શીર્ષક હેઠળ સામેલ હતું. NCERT ના નિયામક અને સભ્યો આ પ્રકરણ IV માટે બિનશરતી માફી માંગે છે. આ આખું પુસ્તક પાછું ખેંચી લેવામાં આવ્યું છે અને હવે તે બજારમાં ઉપલબ્ધ નથી."
 

NCERTનું ધોરણ 8નું એક પાઠ્યપુસ્તક ‘ન્યાયિક ભ્રષ્ટાચાર’ પ્રકરણને લઈને વિવાદોના કેન્દ્રમાં રહ્યું હતું. આ પ્રકરણને કારણે સુપ્રીમ કોર્ટે પુસ્તક પર પૂર્ણ પ્રતિબંધ મૂકતા જણાવ્યું છે કે તેમાં આપત્તિજનક સામગ્રી છે. ત્યારબાદ, NCERTએ શુક્રવારે એક સૂચના જારી કરીને જણાવ્યું હતું કે, જે લોકો પાસે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પ્રકરણ ધરાવતા ધોરણ 8ના પ્રતિબંધિત પાઠ્યપુસ્તકો છે, તેઓ તેને વહેલી તકે પરત કરે.

NCERTએ કડક શબ્દોમાં જારી કરેલી એડવાઈઝરીમાં એમ પણ જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી પ્રતિબંધિત પાઠ્યપુસ્તકોના વિવાદાસ્પદ પ્રકરણ સાથે જોડાયેલી સામગ્રીને તાત્કાલિક દૂર કરવામાં આવે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ગુરુવારે માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયને પત્ર લખીને ડિજિટલ પ્લેટફોર્મ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા વિવાદાસ્પદ NCERT પાઠ્યપુસ્તકનું પ્રસારણ અટકાવવા જણાવ્યું હતું.