Sat May 30 2026

Logo

નવી મુંબઈમાં ગંદા પાણીની ફરિયાદ બાદ ૬૬૩ પાણીના નમુનાનું પરીક્ષણ

2026-05-30 08:39:00
Author: Sapna Desai
Article Image


નાગરિકો માટે ફરિયાદ કરવા ટોલ ફ્રી નંબર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈના અમુક વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી ગંદુ અને ભેળસેળવાળું પાણી મળી રહ્યું હોવાની ફરિયાદ આવ્યા બાદ  નવી મુંબઈ  મહાનગરપાલિકાએ પીવાના પાણીની ગુણવત્તા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી હતીે, જેમાં ૬૬૩ પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના કેટલાક ભાગોમાં પીવાના પાણીની ગુણવત્તા અંગે મળેલી ફરિયાદોના આધારે ગુરુવાર, ૨૮ મેના રોજ પાણીપુરવઠા વિભાગ દ્વારા  ખાસ પાણીની ગુણવત્તાનું ઈન્સ્પેકશન કરાયું હતું. મુખ્યત્વે ભોકરપાડા જળ શુદ્ધિકરણ કેન્દ્ર, બેલાપુરથી દિઘા વિભાગ અને મુખ્ય પાણીની પાઈપલાઈન  પર વિવિધ સ્થળોએથી  કુલ ૬૬૩ પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ભોકરપાડા જળ શુદ્ધિકરણ કેન્દ્ર ખાતે ૭૨ પાણીના નમૂના, મેઈન પાઈપલાઈન પર ૯૬ પાણીના નમૂના અને બેલાપુર, નેરુલ, તુર્ભે, વાશી, કોપરખૈરાણે, ઘનસોલી, ઐરોલી અને દિઘા વિભાગોમાં ૪૯૫ પાણીના નમૂનાનો સમાવેશ થાય છે.

આ પરીક્ષણમાં બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ (બીઆઈએસ આઈએસ-૧૦૫૦૦) અને સેન્ટ્રલ પબ્લિક હેલ્થ એન્ડ એનવાયરમેન્ટલ એન્જિનિયરિંગ ઑર્ગનાઈઝેશનની માર્ગદર્શિકા અનુસાર પીવાના પાણીમાં ક્લોરિન અને ગંદકીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ પછી, પીવાના પાણીની ગુણવત્તા  નિર્ધારિત પીવાના પાણીના ધોરણો અનુસાર હોવાનું જાણવા મળ્યું હતું.

છતાં પાલિકાએ તકેદારીના પગલારૂપે પાણીની ગુણવત્તાનું નિયમિત પરીક્ષણ સતત ચાલુ રાખશે એવું જાહેર કર્યું હતું. તેમ જ નવી મુંબઈ પાલિકાએ નાગરિકોને  પીવાલાયક પાણી બાબતે  કોઈ ફરિયાદ હોય, તો તેમને સંબંધિત વિભાગની ઓફિસ અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૨૨૩૦૯ પર સંપર્ક કરવા વિનંતી છે.

થાણેમાં ત્રણ જૂનના ૧૨ કલાક પાણી પુરવઠો બંધ
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પોતાની પાણી પુરવઠા યોજનાના પીસે પમ્પિંગ સ્ટેશન તેમ જ ટેમઘર વોટર ફિલ્ટરેશન પ્લાન્ટના હાઈપ્રેશર  સબસ્ટેશન ખાતે ચોમાસા પહેલા જાળવણી અને સમારકામ કરવામાં આવવાનું છે. આ કામ ત્રીજી જૂનના બુધવારના રોજ સવારે ૯થી રાત્રે ૯ વાગ્યા સુધી હાથ ધરાશે.  તેથી આ સમય  પાણી પુરવઠો  ૧૨ કલાક બંધ રાખવામાં આવશે. મુખ્યત્વે તેની અસર  ઘોડબંદર રોડ, લોકમાન્ય નગર, વર્તક નગર, સાકેત, રીતુ પાર્ક, જેલ, ગાંધી નગર, રુસ્તમજી, સિદ્ધાંચલ, ઇન્દિરા નગર, રૂપા દેવી, શ્રીનગર, સમતા નગર, સિદ્ધેશ્વર, ઇટરનિટી જંકશન, મુમ્બ્રા અને કલવાના કેટલાક ભાગોને થશે.