Sun Mar 08 2026

Logo

મેટ્રિમોનિયલ સાઇટ્સ મારફત અનેક મહિલાઓનું જાતીય શોષણ, છેતરપિંડી: આરોપીની ધરપકડ...

1 week ago
Author: Yogesh C Patel
Article Image

ઇસરોના વિજ્ઞાનીના સ્વાંગમાં લગ્નની લાલચ આપી સંબંધ સ્થાપિત કરતો

થાણે: મેટ્રિમોનિયલ સાઇટ્સ મારફત અનેક મહિલાઓ સાથે છેતરપિંડી આચરવા તેમ જ જાતીય શોષણ કરવા બદલ નવી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 34 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. આરોપી ઇસરોના વિજ્ઞાની અને પીડબ્લ્યુડીના અધિકારીના સ્વાંગમાં મહિલાઓને લગ્નની લાલચ આપી તેમની સાથે સંબંધ સ્થાપિત કરતો હતો.

આરોપીની ઓળખ આદર્શ પ્રશાંત મ્હાત્રે તરીકે થઇ હોઇ તે અલીબાગનો રહેવાસી છે. આરોપીએ વિવિધ લોકપ્રિય મેટ્રિમોનિયલ સાઇટ્સ મારફત એન્જિનિયર અને ડોક્ટર સહિત અનેક સુશિક્ષિત મહિલાઓને લલચાવવા એક ડઝનથી વધુ ઉપનામોનો ઉપયોગ કર્યો હતો. તેણે મહિલાઓ સાથે કુલ 89.40 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

આદર્શ મ્હાત્રેએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઇસરો) અને પબ્લિક વકર્સ ડિપાર્ટમેન્ટના નકલી ઓળખપત્રનો ઉપયોગ કરીને મેટ્રિમોનિયલ સાઇટ્સ પર અકાઉન્ટ્સ બનાવ્યા હોવાનો અને ફાઇવ સ્ટાર હોટેલની મુલાકાતો સહિત વૈભવી જીવનશૈલી દર્શાવતા ફોટા અપલોડ કર્યા હોવાનો આરોપ તેના પર છે. 

આરોપી લગ્નની લાલચે મહિલા સાથે સંબંધ સ્થાપિત કરતો હતો. બાદમાં તે પીડિતાને મિલકત અથવા મકાનોમાં રોકાણ માટે પર્સનલ લોન લેવા દબાણ કરતો હતો. લોનની રકમ તેના ખાતાંમાં ટ્રાન્સફર થઇ ગયા બાદ તે પીડિતાનું જાતીય શોષણ કરતો હતો અને બાદમાં પલાયન થઇ જતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

આરોપીએ નાણાંનો ઉપયોગ ગોવામાં કસિનોની મુલાકાત સહિત વૈભવી જીવનશૈલી માટે કરતો હતો. કેટલાક કિસ્સાઓમાં તેણે અગાઉની પીડિતાના લોનના હપ્તા ચૂકવવા નવી પીડિતા પાસેથી નાણાં લીધાં હતાં. ઑગસ્ટ, 2025માં રબાળે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી અને મ્હાત્રેની 20 ફેબ્રુઆરીએ ધરપકડ કરાઇ હતી. કોર્ટે મ્હાત્રેને 4 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

મ્હાત્રે નવી મુંબઈ (રબાળે અને પનવેલ શહેર પોલીસ સ્ટેશન), થાણે (નૌપાડા પોલીસ સ્ટેશન), મુંબઈ (વડાલા તેમ જ વી.પી. રોડ પોલીસ સ્ટેશન) અને પુણે (યેરવડા પોલીસ સ્ટેશન)માં નોંધાયેલા છ ગુનામાં સામેલ છે. (પીટીઆઇ)