Thu Apr 30 2026

Logo

નાશિક TCS ધર્માંતરણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો: જબરદસ્તી ધર્મ પરિવર્તનને 'આતંકવાદી' કૃત્ય ગણવાની માંગ

2026-04-16 18:16:39
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ નાશિકના TCSમાં ધર્માંતરણનો કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ મામલાને લઈને એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં એવા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. આ સાથે બે માગણી પણ કરવામાં આવી છે. આ અરજીથી દેશના મોટા-મોટા કોર્પોરેટ ક્ષેત્રમાં જોરશોરથી ચર્ચા થવા લાગી છે. નાશિકની પ્રતિષ્ઠિત કંપનીમાં ધર્માંતરણના મામલથી સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ છે.

હવે આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. આ કેસ સંબંધિત એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે,જબરદસ્તી અથવા ચિટિંગ કરીને ધર્માંતરણ કરાવવું એ કોઈ ધાર્મિક મામલો નથી. આ દેશની સુરક્ષા માટે પણ જોખમી છે. 

ધર્માંતરણ વિષયની બીજી મોટી અરજી

દેશની સુપ્રીમ કોર્ટમાં ધર્માંતરણને લઈને અગાઉથી એક કેસ ચાલી રહ્યો છે. કોર્ટે જાતે જ આ કેસ પર ગંભીરતાથી વિચાર કરીને  ધ્યાને લીધો હતો. હવે નાશિકના TCS કેસને લઈને એક નવી અરજી દાખલ થઈ છે. અરજી દાખલ કરનારા વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, નાશિકમાં આ સંગઠિત ધર્મ પરિવર્તનના કેસથી સમગ્ર દેશની આત્મા હચમચી ઊઠી છે.

આ એક ચોંકાવનારો કેસ છે. અરજીમાં કેટલાક મોટા દાવા કરવામાં આવ્યા છે અને બે મહત્ત્વની માગણી કરવામાં આવી છે. પહેલો મુદ્દો એ છે કે, જબરદસ્તીથી અથવા ચિટિંગ કરીને ધર્મ પરિવર્તન કરાવવું એ સમગ્ર દેશ માટે જોખમી છે. બીજો મુદ્દો આ કામ કોઈ મોટા સંગઠન અને અન્ય કોઈના દબાણ હેઠળ ચલાવવામાં આવતા એક અભિયાન અંતર્ગત થાય છે તો આને આતંકવાદી કૃત્ય માનવું જોઈએ. 

ધર્માંતરણનો મુદ્દો ફરી ચર્ચામાં

ત્રીજો મુદ્દો બળજબરી કરીને અથવા ચિટિંગ કરીને ધર્માંતરણની આ કોઈ પહેલી ઘટના નથી. આ એક પૂર્વ આયોજિત કાવતરૂ છે. અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આવા ષડયંત્રોને મોટાભાગના કેસમાં વિદેશથી ફંડિંગ મળતું હોય છે. આનો સીધો અર્થ એ થયો કે, દેશની ધાર્મિક જે જનસંખ્યા છે એનું સંતુલન બદલવાનો ઈરાદો છે.

આના કારણે ભારતની એકતા, અખંડિતતા તથા સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થાય. અરજીની સાથે સુપ્રીમ કોર્ટ સામે બે માગ કરવામાં આવી હતી. પહેલી માગ એ હતી કે, કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારને કડકમાં કડક પગલાં લેવા માટે આદેશ આપવામાં આવે, જેથી બળજબરીથી થતા ધર્માંતરણ પર બ્રેક લગાવી શકાય

મુખ્ય અધિકારી ફરાર

બીજી એ માગ કરવામાં આવી કે, કેન્દ્ર અને રાજ્ય સરકારને આદેશ આપવામાં આવે કે, ધર્માંતરણના કેસની સુનાવણી માટે અલગથી એક સ્પેશ્યલ કોર્ટ બનાવી દેવામાં આવે, જોકે આ વિષય પર સુપ્રીમ કોર્ટ તરફથી ખાસ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. મહારાષ્ટ્રના નાશિકમાં આવેલી TCSમાં ટીમ લીડર્સ પર જાતીય પજવણી, માનસિક ત્રાસ અને બળજબરીથી ધર્માંતરણ કરાવવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ મામલે નાશિક પોલીસે અત્યાર સુધીમાં ૯ જેટલી FIR નોંધી છે, જ્યારે મુખ્ય HR અધિકારી નિદા ખાન ફરાર છે.