કરાચી: પાકિસ્તાનના જાણીતા પેસ બોલર નસીમ શાહે થોડા દિવસ પહેલાં ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી અને વર્તમાન વડા પ્રધાન શેહબાઝ શરીફની ભત્રીજી મરયમ નવાઝ (MARYAM NAWAZ) વિશે જે ટિપ્પણી કરી હતી એ તેને ખૂબ ભારે પડી છે, કારણકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ નસીમ શાહને બે કરોડ પાકિસ્તાની રૂપિયાનો રેકૉર્ડ-બ્રેક દંડ ફટકાર્યો છે.
ભારતીય ચલણ મુજબ ૬૮ લાખ રૂપિયા
પાકિસ્તાનના બે કરોડ રૂપિયાનું ભારતીય ચલણમાં મૂલ્ય અંદાજે 68 લાખ રૂપિયા અને અમેરિકન ચલણમાં 72,000 ડૉલર થાય છે. નસીમ શાહને જે દંડ (FINE) કરવામાં આવ્યો છે એ પાકિસ્તાનના ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટો દંડ છે.
પીએસીએલના આરંભ વખતે થઈ કમેન્ટ
ગયા શુક્રવારે પાકિસ્તાન સુપર લીગ (PSL)ની પ્રથમ મૅચ પહેલાં રાવલપિંડીઝ નામની નવી ટીમના ખેલાડી નસીમ શાહે પંજાબ પ્રાંતની મુખ્ય પ્રધાન મરયમ નવાઝ વિશે એક વિવાદાસ્પદ કમેન્ટ કરી હતી.
પ્રેક્ષકોને સ્ટેડિયમમાં નો એન્ટ્રી
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં લઈને પીસીબીના વડા મોહસિન નકવીએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે દેશની તંગ આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પીએસએલની મૅચો વખતે સ્ટેડિયમોમાં પ્રેક્ષકોને એન્ટ્રી નહીં મળે.
મરયમ તમામ ખેલાડીઓને મળી હતી
પીએસએલની પ્રથમ મૅચ વખતે કેટલાક મહાનુભાવોને સ્ટેડિયમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા અને એમાં પંજાબ પ્રાંતની મુખ્ય પ્રધાન મરયમ નવાઝ પણ હતી. મરયમ ત્યારે મૅચની બંને ટીમ લાહોર કલંદર્સ અને હૈદરાબાદ કિંગ્સમેનના ખેલાડીઓને મળી હતી. નસીમ શાહના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર મરયમ નવાઝ વિશે એવું કહેવામાં આવ્યું હતું કે ‘ આમની શા માટે લોર્ડ્સની મહારાણી જેવી સરભરા કરવી જોઈએ.'
નસીમ શાહે બિનશરતી માફી માગી
આ કમેન્ટવાળી પોસ્ટ વાઇરલ થયા બાદ થોડી જ વારમાં ડીલીટ કરી નાખવામાં આવી હતી. નસીમ શાહે પોતાનું અકાઉન્ટ હૅક થયું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જોકે બે દિવસ બાદ પીસીબીએ યોજેલી સુનાવણી દરમ્યાન નસીમ શાહે બિનશરતી માફી માગી હતી અને પોતાના સોશ્યલ મીડિયા મૅનેજરને બરતરફ કર્યો હતો. પીબીબીએ એ મૅનેજરને બોર્ડ સાથે સંકળાયેલા કોઈ પણ ખેલાડીના મૅનેજર બનવા સામે બ્લૅકલિસ્ટમાં મૂકી દીધો છે.
પીસીબી માફીથી સંતુષ્ટ નહોતું
પીસીબીને નસીમ શાહની માત્ર માફીથી સંતોષ ન થયો અને એણે તેને બે કરોડ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઑલરાઉન્ડર આમિર જમાલે કારાવાસ ભોગવી રહેલા ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનના ટેકામાં સ્લોગન બતાવ્યું એને પગલે પીસીબીએ જમાલને 10 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ કર્યો હતો.