Fri May 01 2026

Logo

અમદાવાદ, સુરત સહિત આ 4 શહેરમાં બનશે નમો સ્વદેશી અર્બન મોલ

2026-03-12 13:04:00
Author: MayurKumar Patel
Article Image

 ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં એક-એક ‘નમો સ્વદેશી અર્બન મોલ’ બનાવવામાં આવશે

ગાંધીનગરઃ  દેશનો દરેક નાગરિક સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવે અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપે એ હેતુથી વડા પ્રધાન  નરેન્દ્ર મોદીએ ‘મેક ઇન ઇન્ડિયા’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘હર ઘર સ્વદેશી’ જેવા અભિયાનો શરૂ કર્યા છે. આ અભિયાન અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શહેરી વિસ્તારોમાં સ્થાનિક કારીગરો અને નાના ઉદ્યોગકારોને મંચ આપવા માટે વિવિધ પહેલો અમલમાં મૂકી રહી છે. ગુજરાતમાં સ્વદેશી મેળાઓના સફળ આયોજન બાદ હવે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ 4 મહાનગરપાલિકાઓમાં ‘નમો સ્વદેશી અર્બન મોલ’ બનાવવામાં આવશે.

નમો સ્વદેશી અર્બન મોલ: સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણ માટે ઉત્પાદકોને મળશે કાયમી પ્લેટફોર્મ
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ‘નમો સ્વદેશી અર્બન મોલ’ યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. આ યોજનાનો હેતુ મહાનગરપાલિકાઓમાં સ્વદેશી ઉત્પાદનોના વેચાણ માટે કાયમી અને આધુનિક બજાર વ્યવસ્થા ઊભી કરવાનો છે જેથી શહેરીજનો સ્વદેશી ઉત્પાદનો ખરીદવા પ્રોત્સાહિત થાય.

ઉલ્લેખનીય છે કે, શહેરી વિકાસ વર્ષ 2025-26 દરમિયાન રાજ્યની 16 મહાનગરપાલિકાઓમાં પ્લાસ્ટિક ફ્રી ‘સ્વદેશી ફેસ્ટિવલ’ અંતર્ગત સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક કારીગરો, સ્વ-સહાય જૂથોની બહેનો, શેરી ફેરીયાઓ અને નાના વેપારીઓને પોતાના ઉત્પાદનો પ્રદર્શિત અને વેચાણ કરવાની તક મળી હતી. હવે સ્વદેશી ઉત્પાદનોને વ્યાપક અને કાયમી બજાર ઉપલબ્ધ થાય તે માટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કાયમી ‘નમો સ્વદેશી અર્બન મોલ’ શરૂ કરવામાં આવશે. આ મોલ સ્થાનિક કારીગરો, મહિલા સ્વ-સહાય જૂથો, શેરી ફેરીયાઓ અને નાના ઉદ્યોગકારોને પોતાના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરવા માટે એક સુવ્યવસ્થિત અને આધુનિક પ્લેટફોર્મ પૂરું પાડશે.

‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વેગ મળશે

આ મોલ દ્વારા ખરીદદારો અને વેચાણકારો વચ્ચે સીધું જોડાણ સ્થાપિત થશે, જેના કારણે ગ્રાહકોને વિવિધ સ્વદેશી ઉત્પાદનો એક જ જગ્યાએથી સરળતાથી ઉપલબ્ધ થશે અને ઉત્પાદકોને પણ પોતાના ઉત્પાદનો માટે બજાર મળી રહેશે. આ ઉપરાંત, આ મોલનો ઉપયોગ સ્વદેશી મેળાઓ, હાટ અને વિવિધ પ્રદર્શનો માટે પણ કરી શકાશે, જેના કારણે ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વધુ વેગ મળશે.

રાજ્ય સરકાર દ્વારા 2026-27ના બજેટમાં ‘નમો સ્વદેશી અર્બન મોલ’ અને સ્વદેશી મેળાઓના આયોજન માટે ₹45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પહેલ સ્થાનિક કારીગરો અને નાના ઉદ્યોગકારોને સશક્ત બનાવશે અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.