Tue Oct 06 2026

Logo

નલિયા-જખૌ રેલવે લાઇનના જમીન સંપાદનમાં વિવાદ: જૂની જંત્રી સામે ખેડૂતોનો બહિષ્કાર, વૈકલ્પિક જમીન આપવા ઉગ્ર માગ

2026-09-25 13:45:06
Author: Mayur Patel
નલિયા-જખૌ રેલવે લાઇનના જમીન સંપાદનમાં વિવાદ: જૂની જંત્રી સામે ખેડૂતોનો બહિષ્કાર, વૈકલ્પિક જમીન આપવા ઉગ્ર માગ

ભુજઃ નલિયાથી જખૌ સુધી નિર્માણ પામનારી નવી બ્રોડગેજ રેલવે લાઇનના જમીન સંપાદન સામે પ્રભાવિત ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે. નલિયા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી ખાસ સુનાવણીમાં ૧૦૬ જેટલા ખાતેદારોની ફળદ્રુપ જમીન કપાતમાં જતી હોવાથી ખેડૂતો અને તેમના પ્રતિનિધિઓએ અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી.

સુનાવણી દરમિયાન નાયબ મામલતદાર ડી. બી. કટારીયા તેમજ રેલવે તંત્રના ડી. પી. સિન્હા સમક્ષ ખેડૂતો વતી હાજર રહેલા એડવોકેટ ભરતભાઈ હોથીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રેલવે તંત્ર દ્વારા વર્ષ ૨૦૧૧ની જૂની જંત્રી પ્રમાણે વળતર ચૂકવવાની વિચારણા થઈ રહી છે, જે અન્યાયી છે. મોંઘવારીના આ સમયમાં તમામ જમીનની પુનઃ આકારણી કરી વર્તમાન બજારભાવ મુજબ વળતર આપવું જોઈએ.

સ્થાનિક ખેડૂતોએ વ્યથા વ્યક્ત કરી હતી કે, સરકારી ૭/૧૨ના દસ્તાવેજોમાં કૂવાનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં સૂચિત રેલવે લાઇનમાં કૂવાને અવગણીને માત્ર સાદી જમીનનું જ વળતર દર્શાવાયું છે. આ ઉપરાંત ખેતરની વચોવચથી ટ્રેક પસાર થવાથી જમીનના બે ટુકડા થઈ જશે અને બીજા છેડે જવા માટે રસ્તાની કોઈ સુવિધા દર્શાવાઈ નથી. 

નાના ખેડૂતો માટે ખેતી સિવાય જીવનનિર્વાહનો કોઈ આધાર ન હોવાથી, રોકડ રકમ ઉપરાંત અન્યત્ર વૈકલ્પિક જમીન આપવાની માગણી પણ કરાઈ છે. આ લાઇન પર ૧૩ જેટલા બ્રિજ અને અંડરપાસનું આયોજન હોવા છતાં તેનો સત્તાવાર નકશો હજી સુધી ખેડૂતો સમક્ષ રજૂ કરવામાં આવ્યો ન હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)