આરોપીએ ચોક્કસ ધર્મની પ્રથાઓનું પાલન કરવા દબાણ કર્યાનો આક્ષેપ
નાગપુર: નાશિકમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ના યુનિટમાં મહિલાઓની જાતીય સતામણી તેમ જ ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાના કિસ્સાઓ ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે નાગપુરમાં મહિલા કર્મચારીનો વિનયભંગ કરવા, ઓફિસની અન્ય મહિલાઓને ત્રાસ આપવા તથા ચોક્કસ ધર્મની પ્રથાઓનું પાલન કરવા માટે દબાણ કરવાના આરોપસર એનજીઓના ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીની ઓળખ રિયાઝ ફઝીલ કાઝી (48) તરીકે થઇ હોઇ તે અનંતનગર વિસ્તારનો રહેવાસી છે અને નાગપુરમાં ઝીંગાબાઇ તકલી ખાતે ‘યુનિવર્સલ મલ્ટિપર્પઝ સોસાયટી’ નામે એનજીઓ ચલાવે છે, જ્યાં પાંચથી છ મહિલાઓ કામ કરે છે, એમ મનકાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
23 વર્ષની મહિલા કર્મચારીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે તેના જન્મદિવસે આરોપીને તેને પોતાની કેબિનમાં બોલાવી હતી અને તેનો વિનયભંગ કર્યો હતો.પીડિતાએ દાવો કર્યો હતો કે આરોપીએ અનેકવાર તેનો વિનયભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેણે પ્રતિકાર કર્યો હતો. બાદમાં આરોપીએ પીડિતાને બદનામ કરવા માટે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી અને મહિલા કર્મચારીઓની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે આરોપીએ તેના અને પીડિતાના નામને જોડીને ઇન્સ્ટગ્રામ અકાઉન્ટ બનાવ્યું હતું.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઓફિસમાં કામ કરતી તેની નાની બહેનને પણ ચોક્કસ ધર્મની પ્રથાઓનું પાલન કરવા માટે આરોપીએ દબાણ કર્યું હતું. આરોપીના વર્તન અંગે અન્ય મહિલા કર્મચારીઓએ પણ ફરિયાદ કરી હતી.પીડિતાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ રવિવારે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. આરોપીને બાદમાં સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 23 એપ્રિલ સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામા આવી હોવાથી પોલીસ તેની વધુ તપાસ કરી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)