Sat May 02 2026

Logo

યુપીના મુઝ્ફ્ફનગરમાં 1,500 રુપિયાના વિવાદ પછી ઘરમાંથી ચાર મૃતદેહ મળતા ચકચાર

2026-03-31 20:03:39
Author: Mumbai Samachar Team
Article Image

મુઝફ્ફરનગર (ઉત્તર પ્રદેશ): ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક સમાચાર જાણવા મળ્યા છે, જ્યાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ બંધ રૂમમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઝીણવટભરી તપાસ બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ કૌટુંબિક વિવાદ હોવાનું મનાય છે. જાણવા મળ્યું છે કે બહેનને ઈદ નિમિત્તે 1500 રૂપિયાની 'ઈદી' આપવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. 

નિર્દોષ બાળકોની પણ હત્યા
આ વિવાદ એટલો વણસ્યો કે પતિએ મોડી રાત્રે પોતાની પત્ની અને બે નિર્દોષ બાળકોને ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને ત્યારબાદ પોતે પણ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.પત્ની અને બંને બાળકોના મૃતદેહ જમીન પર પડ્યા હતા. પતિનો મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. બન્યુ હતું એવું કે, સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તાર સરવટમાં પોલીસને એક જ પરિવારના ચાર વ્યક્તિના મૃત્યુ અંગે મેસેજ મળ્યો હતો, જેના પર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ફોરેન્સિક ટીમની સાથે પહોંચી ઘટનાસ્થળની તપાસ કરી હતી. પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ હેતુ મોકલી દેવાયા હતા. 30 વર્ષના ઈર્શાદે ઈદના તહેવાર પર પોતાની એક બહેનને 1500 રૂપિયા ભેટ તરીકે આપ્યા હતા. 

પત્નીને ખબર પડતા ખેંચતાણ
ઈર્શાદની પત્ની નૌરીનને આ અંગે ખબર પડતા ઘરમાં ડખો શરૂ થયો હતો. સૂત્રોમાંથી વિગત એવી પણ જાણવા મળી છે કે,નૌરીનની માતા અને બહેને પણ એક દિવસ પહેલા આવીને ઝઘડો કર્યો હતો. બીજા દિવસે પણ ઈર્શાદ અને નૌરીને ઝઘડો કર્યો હતો. પછી બીજા દિવસે સવારે ઘરનો દરવાજો ન ખૂલ્યો તો ઈર્શાદના ભાઈ ઈનામે દરવાજો તોડી નાંખ્યો હતો. એ સમયે ઈર્શાદનો મૃતદેહ લટકી રહ્યો હતો અને પત્ની નૌરીન સાથે એક મહિનાની દીકરી તથા 2 વર્ષના દીકરીનો મૃતદેહ જમીન પર પડ્યો હતો. ઈર્શાદે પહેલા પોતાની પત્નીને ઝેરી પદાર્થ પીવડાવીને મોતને ઘાટ ઊતારી હતી. આ પદાર્થ પીને પત્ની સૂઈ ગઈ હતી.

પાડોશીએ પોલીસને જાણ કરી
એ પછી પોતે ફાંસીએ ચડીને જીવનલીલા સંકેલી હતી. આ કેસ અંગે પોસ્ટમોર્ટમ થયા બાદ ખરી હકીકત સામે આવી શકે. પોલીસ આ કેસની બારીકીથી તપાસ કરી રહી છે. ઈર્શાદના ભાઈએ કહ્યું હતું કે, એક જ પરિવારમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા છે.ઈર્શાદની બે સાળી આવી હતી, અંદરોઅંદર લેવડદેવળને લઈને ઝઘડો થયો હતો. પછી બન્ને વચ્ચે મોટી બબાલ થતા મામલ વણસ્યો હતો. એમની બહેનનું સંતાન બીમાર હતું એટલે ઈદી તરીકે એમની બહેનને આર્થિક મદદ કરી હતી. ઈર્શાદની પત્નીનું એવું કહેવું હતુ કે, પૂછ્યા વગર પૈસા કેમ આપી દીધા. એના પર બબાલ થઈ હતી. મોડીરાત સુધી બબાલ ચાલી હતી અને પાડોશીએ ઘરનો દરવાજો ખોલતા એ ખૂલ્યો ન હતો. પછી અન્ય કોઈ રીતે ઘરમાંથી જોતા મૃતદેહો પડ્યા હતા. 

આર્થિક મામલો છે
એએસપી સંજય કુમાર વર્માએ કહ્યું હતું કે, મામલાની પોલીસ તપાસ કરી રહી છે. સિવિલ લાઈન્સ વિસ્તારમાં આ ઘટના બની છે. ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવી રહી છે. ચાર વ્યક્તિઓના મૃતદેહ મળ્યા છે. ડૉગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે.દરવાજો અંદરથી બંધ હોવાનું અનુમાન છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આર્થિક મામલો અહીં સંકળાયેલો છે, જેના કારણે પતિ-પત્ની વચ્ચે સંઘર્ષ થયો હતો. યુવતીના પરિવારજનો છે એની સાથે પણ વાતચીત થઈ છે. એમનું એવું કહેવું છે કે, ઈદી દેવાને લઈને માથાકુટ થઈ હતી. ફોરેન્સિકની ટીમ તપાસ કરી રહી છે. દરેક પાસાની તપાસ ચાલું છે. બાળકોના મોઢામાંથી ફીણ નીકળ્યા છે એટલે ઝેર આપ્યું કે ગળું દબાવીને માર્યા એ કહેવું કઠીન છે.