શ્રીલેખા યાજ્ઞિક
ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે. ગરમીમાં શરીરમાં પૂરતું પ્રવાહી જળવાઈ રહે તે માટે અનેક પ્રયોગો કરવામાં આવતાં હોય છે. તેમાં ઠંડું પીવાનું મન વારંવાર થતું હોય છે. શરીરમાં પૂરતાં પ્રમાણમાં પ્રવાહી જળવાઈ રહે તે માટે કુદરતે ખાસ કાળજી લીધી છે. રસદાર ફળો, રસદાર શાકભાજીની વિવિધતા ઉનાળામાં ખાસ જોવા મળે છે. જેમ કે તરબૂચ, શક્કરટેટી, કાકડી, તાડગોળા વગેરે ગણાવી શકાય.
શક્કરટેટી માટે એવું કહેવાય છે કે મોસમી ફળનો ઉપયોગ જેટલો વધુ પ્રમાણમાં ગરમીના દિવસોમાં કરવામાં આવે છે, તેટલી જ વ્યક્તિને બીમારીથી બચવામાં મદદ મળે છે. શક્કરટેટી તેના સ્વાદ તથા તેમાં રહેલી મીઠાશને કારણે અત્યંત લોકપ્રિય ફળ ગણાય છે.
આયુર્વેદમાં શક્કરટેટીને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટેનું અત્યંત મહત્ત્વનું ફળ ગણવામાં આવે છે. તેમાં વિટામિન એ વિટામિન સી, કૅલ્શિયમ, આયર્નની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી હોય છે. જેથી તેનો આહારમાં ઉપયોગ અત્યંત આવશ્યક ગણાય છે. વિવિધ રોગ જેવાં કે સ્કર્વી, મૂત્ર વિકાર, માથાનો દુખાવો, ચહેરા ઉપર કાળા-ડાઘ-ધબ્બા, વાળ ખરવા વગેરેમાં અત્યંત ગુણકારી ગણાય છે.
એવું કહેવાય છે કે ગરમીના દિવસોમાં તરબૂચ તથા શક્કરટેટીનો ઉપયોગ શરીરને હાઈડ્રેટ તથા ઠંડું રાખવા માટે ગુણકારી ગણાય છે. શક્કરટેટી શરીરને ખાસ પોષણની સાથે પાચનતંત્રને સુધારે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ભારતમાં શક્કરટેટીની અનેક વિવિધતા જોવા મળે છે. તેમ છતાં તેમના ગુણોમાં ફેર જોવા મળતો નથી. તે જ પ્રમાણે તે વિવિધ રંગમાં જોવા મળે છે. જેમ કે લીલી, પીળી, સફેદ તથા નારંગી. શક્કરટેટીનું ફળ લાંબી વેલમાં ઊગતું હોય છે. તેની વેલ જમીન ઉપર તરબૂચની જેમ ફેલાયેલી મોટી જાડી જોવા મળે છે.
શક્કરટેટીમાં 90 ટકા પાણીની માત્રા હોય છે. તેથી જ ગરમીના દિવસોમાં તેનું સેવન અતિ લાભદાયક ગણાય છે. તેના બીજમાં 40-50 ટકા તેલ સમાયેલું હોય છે. તેથી જ તેના બીજનો ઉપયોગ સૂકવીને ખાસ મીઠાઈમાં તથા મુખવાસમાં કરવામાં આવે છે.
શક્કરટેટીને વિવિધ ભાષાઓમાં અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. જેમ કે લેટિન ભાષામાં કુકુમિસ મેલો. સંસ્કૃતમાં મધુપાક, મધુફળ કે ષડ્ભુજા, હિન્દીમાં ખરબૂજા, મરાઠીમાં ખરબૂઝા કે ચિબુન્ડા, તમિલમાં વેલ્લરીકાઈ કે કાકરીક્કાયી, બંગાળીમાં ખરમૂજ કે ફૂટી, પંજાબીમાં ખરબૂજા, અંગ્રેજીમાં મેલન કે મસ્કમેલન.
શક્કરટેટીના સ્વાસ્થ્યવર્ધક ગુણ
આંખ માટે ગુણકારી : શક્કરટેટીમાં બિટાકૅરોટીન આંખોની તંદુરસ્તી માટે લાભકારક ગણાય છે. શક્કરટેટીમાં રહેલું બિટાકેરોટીન પાચનતંત્રમાં પ્રવેશતાં વિટામિન એમાં પરિવર્તિત થાય છે. જે મોતિયાબિંદુને રોકવામાં મદદ કરે છે. વિટામિન એ આંખોનું તેજ વધારવામાં ઘણું ફાયદાકારક ગણાય છે.
વજન ઘટાડવામાં લાભકારી : શક્કરટેટીમાં કૅલરીની માત્રા ઓછી હોય છે. તથા ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. શક્કરટેટીના સેવન બાદ પાચનક્રિયા ધીમે ધીમે થાય છે. વળી તેમાં 90 ટકા પાણીની માત્રા હોય છે. જે ભૂખને સંતોષવામાં મદદ કરે છે. લાંબા સમય સુધી અન્ય કાંઈ ખાવાની ઈચ્છા થતી નથી. આમ શક્કરટેટીનું સેવન વજન પ્રત્યે સજાગ વ્યક્તિ માટે લાભકારી બને છે.
હૃદયના સ્વાસ્થ્ય માટે લાભકારી : શક્કરટેટીમાં ઍડોનોસિન તથા પોટેશિયમની માત્રા સમાયેલી હોય છે. પોટેશિયમ શરીરમાં રહેલાં સોડિયમને નુકસાન પહોંચાડતું રોકે છે. બ્લડપ્રેશરને નિયંત્રીત કરવામાં મદદ કરે છે. વળી તેમાં રહેલું ઍડોનોસિન કાર્ડિયોવસ્કયુલર સિસ્ટમમાં રક્તપ્રવાહને જામી જતો રોકે છે. વળી ફૉલેટ હૃદયરોગના હુમલાથી બચાવવામાં મદદ કરે છે.
વાળ માટે ફાયદાકારક : લાંબા સમય સુધી વાળમાં તેલથી મસાજ કરવાનું ટાળવામાં આવે છે. વળી વારંવાર વાળમાં શૅમ્પૂ- કન્ડિશનર-જૅલનો ઉપયોગ સતત કરવાથી વાળની ચમક ઓછી થઈ જાય છે. વાળ વારંવાર ખરવા કે બરછટ બનવા લાગે છે. શક્કરટેટીમાં રહેલું વિટામિન બી વાળ માટે અત્યંત લાભદાયક ગણાય છે. વાળમાં શક્કરટેટીની પૅસ્ટ બનાવીને લગાવીને લગભગ 30 મિનિટ રાખ્યા બાદ વાળ ધોવાથી વાળ મુલાયમ બને છે. ખરતાં વાળની સમસ્યાથી રાહત મેળવી શકાય છે.
ફેંફસા માટે શક્કરટેટીનો ઉપયોગ લાભદાયક : શક્કરટેટીનો વિવિધ રીતે ઉપયોગ ફેંફસા માટે લાભદાયક ગણાય છે. ઘ્રુમપાન- વાયુ પ્રદૂષણ જેવાં કારણોને કારણે ફેંફસા નબળાં પડ્યાં હોય ત્યારે શક્કરટેટીનું સેવન તેની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે.
ફેંફસાને મજબૂતાઈ બક્ષવાનું કામ કરે છે. તેનું મુખ્ય કારણ છે શક્કરટેટીમાં વિટામિન એની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે. અનેક કારણોને લીધે પ્રત્યેક વ્યક્તિના શરીરમાં ફેંફસા પોતાનું કામ ધીમું કરી દે છે.
એટલે કે ફેંફસાં નબળાં પડી જતાં હોય છે. અધ્યયન દ્વારા જાણવા મળ્યું છે કે વિટામિન એની માત્રા શરીરમાં વધે તો ફેંફસાં વળી પાછા મજબૂત બનવા લાગે છે. શક્કરટેટીનું સેવન તેમાં રહેલાં પોષક તત્ત્વો તથા મિનરલ્સને કારણે શરીરને માટે લાભદાયક બને છે.
હાડકાંને મજબૂત બનાવે : વય વધવાની સાથે હાડકાંની ઘનતા ઘટવા લાગે છે. જેને કારણે ઘૂંટણમાં દુખાવો સાંધામાં સોજા જેવી સમસ્યા ઢળતી વયમાં જોવા મળે છે. શક્કરટેટીમાં ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો હોય છે. શક્કરટેટીનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત મેળવી શકાય છે. તેનું મુખ્ય કારણ ઑક્સિડેટીવ સ્ટ્રેસ ઘટે છે. જે સોજાને કારણે થતાં દુખાવામાં રાહત અપાવે છે.
શક્કરટેટીની ખેતી : સૌ પ્રથમ શક્કરટેટીની ખેતી ઈરાન, અનાતોલિયા તથા કાકેશસમાં થતી હતી. અફઘાનિસ્તાન તથા ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં થતી જોવા મળે છે. શક્કરટેટી 65થી 75 ફેરનહીટ ડિગ્રી તાપમાનમાં સૌથી વધુ મીઠાશ ધરાવતી પાકે છે. તેના માટે સૂકું વાતાવરણ વધુ અનુકૂળ ગણાય છે. કાળી માટી શક્કરટેટીની ખેતી માટે વધુ સારી ગણાય છે. ખેતરમાં ક્યારા બનાવીને તેના બીજ રોપવામાં આવે છે. ધીમે ધીમે તેની વેલ જમીન ઉપર ફેલાવા લાગે છે. બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં શક્કરટેટીની ખેતી મોટા પ્રમાણમાં થાય છે.
શક્કરટેટીનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેનો મિલ્કશૅક, તેનું પીણું, આઈસક્રીમ તથા સલાડમાં ઉપયોગ ખાસ કરવામાં આવે છે. શક્કરટેટીને સમારીને તેની અંદર કાચી કેરીના નાના ટુકડાં ભેળવવાથી તે અત્યંત સ્વાદિષ્ટ બની જાય છે. મધ તથા ફૂદીના સાથે તેનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે.
શક્કરટેટીનો મિલ્કશૅક
1 નંગ શક્કરટેટી, 1 નાની ચમચી એલચીનો ભૂકો, 1 મોટી ચમચી સાકર અથવા 1 ચમચી મધ, 2 મોટા ગ્લાસ દૂધ,
બનાવવાની રીત: શક્કરટેટીને સાફ કરીને તેના નાના ટૂકડાં કરી લેવાં. મિક્સરમાં ટૂકડાં ગોઠવવા. સાકર ભેળવવી. એલચી પાઉડર ભેળવવો. તેને એક વખત બરાબર વાટી લેવું. ત્યારબાદ તેમાં ધીમે ધીમે દૂધ ભેળવીને ફેરવવું. બરફના ટૂકડાં ભેળવીને મિલ્ક શૅક ઠંડો ઠંડો પીરસવો. ગરમીમાં અત્યંત ટાઢક આપશે.