Mon Oct 05 2026

Logo

સર્જકના સથવારે: ખટકું છું પથ્થરોની આંખમાં એ જ કારણ ફૂલોનો હું સમર્થક વર્ષો સુધી રહ્યો છું...

2026-09-27 08:46:00
Author: Ramesh Purohit
સર્જકના સથવારે: ખટકું છું પથ્થરોની આંખમાં એ જ કારણ ફૂલોનો હું સમર્થક વર્ષો સુધી રહ્યો છું...

પ્રતિભાવંત શાયર મુસાફિર પાલનપુરીનું અનન્ય યોગદાન...

- રમેશ પુરોહિત

મુસાફિર પાલનપુરી ગઝલ પારખુ સર્જક જેમની ઓળખ ફકત ગઝલકાર તરીકે નહીં, પરંતુ પાલનપુરી ભાષા, લોકસંસ્કૃતિ, માનવીય મૂલ્યો અને ગુજરાતી-ઉર્દૂ ગઝલપરંપરા વચ્ચે સેતુ રચનાર કવિ તરીકે પણ કરી શકાય.

પાલનપુરે હીરા-રત્ન- ઝવેરાતના આંતરરરાષ્ટ્રીય  કક્ષાના શાહ સોદાગરો આપ્યા છે તો સાથે સાથે ગુજરાતી ગઝલના આકાશમાં ઓપતી એક આખી આકાશગંગા આપી છે. એમનો જન્મ પાલનપુરમાં 21 જૂન 1943માં થયો હતો. એમનું મૂળ નામ અમીર મહંમદ દીનમહંમદ સિંધિ છે. `મુસાફિર' એ એમનું તખલ્લુસ છે.

તેમનું વ્યક્તિત્વ માત્ર કવિ પૂરતું સીમિત નથી, ઉપલબ્ધ માહિતી અનુસાર તેઓ ગઝલકાર, સંપાદક, અનુવાદક અને સાહિત્યપ્રવૃત્ત કાર્યકર તરીકે પણ સક્રિય રહ્યા છે. ગુજરાતી ગઝલના ઇતિહાસના અને વિકાસ અંગે તેમણે લેખો લખ્યા છે. `ગુજરાતી ગઝલની ગઇકાલ અને આજ' નામનો લેખ `ધબક' સામયિકમાં 2017માં પ્રકાશિત થયો હતો.

મુસાફિર બહુઆયામી સર્જક છે. એમના સાહિત્યનો ચંદરવો અનેક વેલ-બુટ્ટાથી મનમોહક બન્યો છે. `મારી પ્રથમ ગઝલયાત્રા', `ચિત્કાર', `આગવી ઊર્મિઓ', `ઢાઇ અક્ષર', `ગાંધીથી દિલ્હી સુધી', `અવિરામ', `સાનિધ્યસરી જતી ક્ષણોનું', `હર લમ્હા ઇક તાજમહાલ', `અહીં જ કયાંક આપ છો', `લૂંટી લે ભાઇ,' `151-હીરા ગઝલના શ્રેષ્ઠ શેરો,' `પાલનપુરી બોલી કા બગીચા' તથા `પાલનપુરની  ગઇકાલ અને આજ' એ એમનું સાહિત્ય સર્જન છે. આ  ઉપરાંત `અર્પણ', `ફૂલ ધરી દો એકબીજાને,' `શૂન્યનું તત્ત્વચિંતન,' `દરબાર શૂન્યનો' અને સાક્ષાત વગેરે સાહિત્ય સંગ્રહનાં સંપાદનો એમના નામે છે.

સર્જકને અનુકૂળ આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં કારકિર્દી બનાવવા માટે મુસાફિર 1974માં પીટીસી કર્યું અને 1988માં કવિને રાષ્ટ્રભાષા રત્નથી પોંખવામાં આવ્યા હતા. શાયરનો ગઝલસંગ્રહ `ઢાઇ અક્ષર'ને 2001થી 2004 દરમિયાન ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ટી.વાય.બી.એ.ના અભ્યાસક્રમમાં સ્થાન અપાયું હતું. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્યકક્ષાએ એમને અનેક અવોર્ડ પ્રાપ્ત થયા છે અને એમનું રાજ્ય સરકારે બે વખત બહુમાન કર્યું છે.

ભાઇ મુસાફિરની ગઝલનાં મુખ્યત્વે ચાર સંવેદના કેન્દ્રો જોવા મળે છે : (1) પ્રેમ અને માનવીય સંબંધો (2) જીવનદર્શન (3) મૈત્રી અને માનવતા અને (4)લોકબોલી ભાષાની રવાનગી, સરળતા અને પાલનપુરની આગવી સંસ્કૃતિ.

એમને ગઝલમાં પ્રેમ માત્ર પ્રણયની લાગણી નથી રહેતો, તે માનવજીવનને જોડનાર નૈતિક અને આધ્યાત્મિક મૂલ્ય બની જાય છે જેમ કે,

બાંધો પ્રેમની કંઠી ડોકે,
આંચ ન આવે ચૌદે લોકે.

આવા શેરોમાં પ્રેમને વ્યક્તિનિષ્ઠ સંબંધની સીમામાંથી બહાર કાઢીને સમગ્ર વિશ્વને જોડતી શક્તિ તરીકે નિરોપવામાં આવ્યો છે.

આ ગઝલનો `મકતા' પણ નોંધપાત્ર છે :

એક ગઝલ મળવા આવી છે,
ઘેર મુસાફિર હાજર છો કે?

અહીં કવિ પોતાને જ ગઝલના આગમન સાથે સંવાદ કરાવે છે. પરિણામે કવિ અને ગઝલ વચ્ચેનું અંતર દૂર થઇ જાય છે. ગઝલ જાણે કવિના ઘર સુધી આવી પહોંચેલી જીવંત સંવેદના બની જાય છે.

આ કવિની મોટી વિશિષ્ટતા છે એમણે પ્રયોજેલી પાલનપુરી લોકબોલી. લયસ્તરોના વિશ્લેષણ મુજબ તેમની કેટલીક ગઝલોમાં ઉત્તર ગુજરાતમાં વસતા મુસ્લિમ સમાજની વિશિષ્ટ બોલીનો ઉપયોગ જોવા મળે છે. આ ભાષાને ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, ફારસી અને મારવાડીના સંમિશ્રણવાળી `પંચામૃત બોલી' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ બાબત સાહિત્યિક રીતે ખૂબ મહત્ત્વની છે. સામાન્ય રીતે ગઝલકાર પ્રમાણભૂત ગુજરાતી ભાષામાં ગઝલ લખે છે. આપણે જોયું તેમ આ ગઝલકાર  કેટલીક રચનાઓમાં પોતાના પ્રદેશની જીવંત વાણીને ગઝલમાં સ્થાન આપે છે. આથી એમની ભાષા માત્ર  અભિવ્યક્તિનું માધ્યમ નથી રહેતી પરંતુ સામાજિક-સાંસ્કૃતિક જીવનનું દસ્તાવેજીકરણ બની જાય છે. ભાષાની સરળતા અને સંવાદ સાધવાની લાક્ષણિકતા કવિને લોકપ્રિય બનાવે છે જેમ કે :

કોક તો એવું હોય જીવનમાં
સાચું ખોટું પણ જે ટોકે

એમની ગઝલ વાંચતા એવી પ્રતીતિ થાય છે કે કવિ ભાવક સાથે કાવ્યની નહીં પણ જીવનની વાત કરી રહ્યા છે.

પ્રેમ અને માનવીય ગુણો તરફની દૃષ્ટિને લીધે મુસાફિરની રચનાઓમાં `પ્રેમનું' સ્વરૂપ વ્યાપક છે જેમ કે.

તાંદુલી તત્ત્વ હેમથી ભારે જ થાય છે
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે

અહીં `તાંદુલી તત્ત્વ' અને `હેમ' એટલે સોનું જેવી કિંમતી વસ્તુ વચ્ચેનો વિરોધાભાસ સર્જીને કવિ કહે છે કે વસ્તુની કિંમત કરતાં લાગણીનું મૂલ્ય વધારે છે. આ શેરમાંથી તેમની  કાવ્યદૃષ્ટિનું એક મૂળ તત્ત્વ બહાર આવે છે : માણસની કિંમત તેની સંપત્તિથી નહીં, તેની લાગણીથી થાય છે. આથી તેમની ગઝલમાં માનવતાવાદી સ્વર ખૂબ મજબૂત બને છે.

મૈત્રી અને કૃષ્ણનું પ્રતીક - આ જ રચનામાં તેઓ કહે છે :

જયાં ત્યાં કદીય હાથ ના લંબાવ ઓ હૃદય
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.

કૃષ્ણના દ્વારેનો સંદર્ભ સુદામા-કૃષ્ણની મિત્રતા તરફ સંકેત કરે છે. મુસાફિર અહીં પુરાણકથાનું પુનરાવર્તન કરતા નથી, તેઓ એને આધુનિક માનવીય મૂલ્યમાં ફેરવે છે. સાચી મૈત્રીમાં સંપત્તિ, દરજજો કે સામાજિક અંતરનું મૂલ્ય નથી. આ રીતે તેમની ગઝલમાં ભારતીય સંસ્કૃતિક પરંપરા અને આધુનિક માનવતાવાદનું મિલન થાય છે.

તેમની કેટલીક રચનાઓમાં જીવનને રંગમંચ સાથે  સરખાવવામાં આવતો હોવાનું દેખાય છે.

નેપથ્યે જે થાય, થવા દો
ખેલ નિરંતર જારી રાખો
એક ભવાઇ થાય જો પૂરી
બીજાની તૈયારી રાખો

અહીં ભવાઇનું લોક નાટયરૂપ જીવનનું પ્રતીક બની જાય છે. મુસાફિરની ગઝલમાં પણ મધુરતા નથી. સમાજના વિરોધાભાસ પ્રત્યે તેમનું ધ્યાન પણ છે જેમ કે :

દુનિયાએ ઝેરી આંખથી જોયો છે ઉમ્રભર
ચાહ્યો તમે તો જાણ્યું કે હું છું મધુર પણ

આ દ્વંદ્વ દ્વારા કવિ બાહ્ય મૂલ્યાંકન અને આંતરિક સત્ય વચ્ચેનું અંતર દર્શાવે છે.

આમ આ શાયર પ્રતિભાવંત છે. એમનું સ્થાન અગ્રગણ્ય છે. કવિને પોતાના સ્વચ્છ છંદ, સરળ ભાષા, સચોટ અભિવ્યક્તિ અને વ્યક્ત થતા ભાવી પર દૃઢ વિશ્વાસ છે. એમણે સર્જેલું ભાવવિશ્વ અનન્ય છે. ક્ષણે ક્ષણે યત્‌‍ નવતાંઉપેતિ, તદેવ રૂપં રમણિયતાયામની વાત છે. એમની તરાહ નવીન છે અને અભિવ્યક્તિમાં નાવીન્ય છે, જેમ કે.

પ્રેમની એક અસલ ચિનગારી,
એ જ મીરાં એ જ મુરારિ
હોય છે કેવાં શબ્દનો જાદુ,
જોઇ લો અમને ધારી ધારી

બાહ્ય સ્વરૂપથી અંજાઇ ગયેલી આંખો અંદર દૃષ્ટિ કરે ત્યારે એમનું ચિત્ર સદા પવિત્ર હોય છે. એ મનમાં કંઇક અને હોઠે કંઇક બીજું રાખતા નથી. હૈયે હોય તેવું જ હોઠે લાવે છે જેમ કે.

હૈય એવું હોઠે બોલે
ગણજો એને સંતની તોલે

તેઓએ ઉર્દૂમાંથી સારા અનુવાદો આપ્યા છે. તેમણે વિદ્યાર્થી મિર્ઝા ગાલિબની 
એક ગઝલનો ગુજરાતી અનુવાદ આ રીતે કર્યો છે.

લો, ફરી દિલમાં બેકરારી છે,
ચોટ ખાવાની ઇંતેજારી છે

આમ મુસાફર પાલનપુરી ગુજરાતી ભાવક અને ઉર્દૂની મહાન ગઝલ પરંપરા વચ્ચે સેતુ બન્યા છે.

આમ મુસાફિરે બહુ મોટું યોગદાન આપ્યું છે. જેનાથી ગુજરાતી ગઝલ વધારે ફૂલીફલી અને આગામી પેઢીને નવી દિશા મળી.
એમની રચનાઓમાં પરંપરા અને આધુનિકતાનો સમન્વય થાય છે. પ્રેમ, મૈત્રી, લાગણી અને માનવીય સંબંધો તેમની ગઝલનાં મુખ્ય મૂલ્યો છે. સરળ અભિવ્યક્તિ, પરંપરા સાથે સંવાદ અને માનવતાવાદ એમના સર્જનની ગુણવત્તામાં ચાર ચાંદ લગાડે છે.
આવા કવિઓનું સાચું મૂલ્યાંકન થતું નથી એટલે પુન: મૂલ્યાંકનનો તો સવાલ નથી. એમના વિશાળ સર્જનમાંથી થોડા ગમતા શેરોનો ગુલાલ કરીએ.

ઘણી વેળા તો એવા દંભથી વર્તે છે આ દુનિયા
મળે છે શ્વાસ પણ જાણે કે એની મહેરબાનીથી,
ઓઢી જે ઘેલી મીરાંએ, એ ચાદર ઓઢાડી અમને
પ્યાસ પછી કયારેય ન લાગે, એવું કંઇક પીવાડો અમને
---

ખટકું છું પથ્થરોની આંખમાં એ જ કારણ
ફૂલોનો હું સમર્થક વર્ષો સુધી રહ્યો છું
---

પોખાઉં છું બધે હું એનું છે ખાસ કારણ
હું સાવ  પારદર્શક વર્ષો સુધી રહ્યો છું
---

હરીફો એટલે મારી તરફ કાદવ ઉછાળે છે
ખબર છે એમને કે ફૂલ પણ સામે નહીં મારું
---

વિચાર્યું હતું કે દઇ દઉં ઇંટનો ઉત્તર હું પથ્થરથી
પરંતુ મુજને મારી ખાનદાની યાદ આવી ગઇ.
---

જોહુકમી કરનારને કહી દો
ફૂલોને પણ હસતાં રોકે
---

દુનિયા છે, એનું શું કહેવું
ફૂલ ધરે ખીલા પણ ઠોકે
---

કલમનો સંગ લીધો, અક્ષરી અજવાસ લઇ લીધો
અમે સંસારમાં રહીને પરમ સન્યાસ લઇ લીધો.