ભુજઃ મુંદરા શહેરમાં તસ્કરોએ વધુ એક બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બંધ મકાનમાં માળિયામાં મુકેલા નિવૃત્ત અંધ શિક્ષકના પેન્શનની બચતના રૂપિયા 2.50 લાખની રોકડ રકમની ચોરી કરી જતાં ચકચાર મચી ગઈ છે. પરિવાર ધાર્મિક કાર્યક્રમ અર્થે અમદાવાદ ગયો હતો તે દરમિયાન તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, મુંદરાના હસનપીર બજાર, કેરાઈ ફળિયામાં ખોજા મસ્જિદ પાસે રહેતા સમીરભાઈ સોકતઅલી ખોજાએ આ અંગે મુંદરા પોલીસ મથકે આ ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના 70 વર્ષીય પિતા સોકતઅલી પ્રજ્ઞાચક્ષુ છે અને તેઓ સંગીત શિક્ષક તરીકેની સેવા પૂર્ણ કરી નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. તેમને દર મહિને પેન્શન પેટે 40,000 રૂપિયા મળે છે, જેમાંથી કરકસર કરીને બચાવેલી રૂપિયા 02.50 લાખની રોકડ રકમ ઘરના માળિયે આવેલા કબાટમાં રાખવામાં આવી હતી.
ઘટનાની વાત કરવામાં આવે તો, ગત તારીખ 10 સપ્ટેમ્બરના રોજ ધર્મગુરુ પ્રિન્સ રહીમ આગા ખાનના આગમન પ્રસંગે ખોજા સમાજ સાથે ફરિયાદી પોતાના પરિવાર સહિત ઘરને તાળું મારી અમદાવાદ ગયા હતા. તારીખ 12 સપ્ટેમ્બરના રોજ પરત ફરતાં મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું. ઘરમાં અંદર જઈ તપાસ કરતાં માળિયાના કબાટમાંથી પેન્શનની બચતના રૂપિયા ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. આ મામલે મુંદરા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધ્યો છે. આ સાથે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓનું પગેરું મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
(ઉત્સવ વૈદ્ય)