Tue Oct 06 2026

Logo

મુંદ્રા પોર્ટનો મેગા રેકોર્ડ: એકસાથે 6548 કાર એક્સપોર્ટ કરી રચ્યો નવો ઈતિહાસ

2026-05-11 14:36:50
Author: Mumbai Samachar Team
મુંદ્રા પોર્ટનો મેગા રેકોર્ડ: એકસાથે 6548 કાર એક્સપોર્ટ કરી રચ્યો નવો ઈતિહાસ

ભુજઃ ભારતના નિકાસ ઇતિહાસમાં અદાણી પોર્ટ્સ મુંદ્રાએ એક નવો અને ગૌરવશાળી રાષ્ટ્રીય કીર્તિમાન સ્થાપિત કર્યો છે. મુંદ્રા પોર્ટના અત્યાધુનિક રો-રો  ટર્મિનલ પરથી એક જ માલવાહક જહાજમાં એકસાથે ૬૫૪૮ જેટલી મોટરકાર લોડ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં મોકલવામાં આવી છે. આ સિદ્ધિ સાથે મુંદ્રા અદાણી પોર્ટ એકસાથે આટલી વિશાળ સંખ્યામાં વાહનોનું સફળ લોડિંગ કર્યું હોય તેવું દેશનું પ્રથમ એવું બંદર બન્યું હતું.

મોર્નિંગ પોસ્ટ નામના વિશાળ ઓટોમોબાઇલ કેરિયર જહાજમાં લોડ કરવામાં આવેલી આ તમામ કાર મુખ્યત્વે દક્ષિણ અમેરિકાના દેશો જેવા કે ચીલી, મેક્સિકો, બોલિવિયા, કોલમ્બિયા, ગ્વાટેમાલા અને યુરુગ્વેમાં નિકાસ કરવામાં આવી રહી છે. આ નિકાસ ભારતની વધતી ઔદ્યોગિક શક્તિ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનની વૈશ્વિક સફળતા પર મહોર મારે છે.

દેશના સૌથી મોટા કોમર્શિયલ બંદર તરીકે જાણીતું મુંદ્રા પોર્ટ દર વર્ષે ૨૦૦ મિલિયન મેટ્રિક ટનથી વધુ કાર્ગો હેન્ડલ કરે છે. આ ઐતિહાસિક રેકોર્ડ પાછળ અહીંની કેટલીક ખાસિયતો જવાબદાર છે. જેમાં મોટા જહાજોને લાંગરવાની ઉત્તમ સુવિધા, વાહનોના લોડિંગ અને અનલોડિંગ માટેનું સ્પેશિયલ ટર્મિનલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત  ઝડપી અને સુરક્ષિત કામગીરી સુનિશ્ચિત કરતું ઓટોમેટેડ યાર્ડ મેનેજમેન્ટ પણ છે.

આ સફળતા સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત હવે માત્ર ઉત્પાદનનું જ કેન્દ્ર નથી, પરંતુ વિશ્વસ્તરીય લોજિસ્ટિક્સ અને નિકાસ ક્ષમતા ધરાવતી મહાસક્તિ તરીકે ઉભરી રહ્યું છે. અત્યંત કાર્યક્ષમ ઓપરેશન્સના કારણે કચ્છનું પેરિસ ગણાતું મુંદ્રા શહેર હવે વૈશ્વિક સ્તરે અગ્રણી ઓટો-મોબાઇલ લોજિસ્ટિક્સ ગેટ-વે તરીકે પોતાની ઓળખ મજબૂત કરી રહ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)