ભુજઃ મુંદરા પોર્ટ રોડ પર પ્રાગપર ચોકડી નજીક મોટરસાઇકલ આડે અચાનક રખડતું શ્વાન આવી ચડતાં સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ભુજ તાલુકાના ભારાપર ગામના 29 વર્ષીય આશાસ્પદ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, મુંદરા પોર્ટ ખાતે આવેલી સુખદેવ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મામદહુશેન હાસમ થેબા (રહે. ભારાપર) અને તેમનો કૌટુંબિક ભાઈ હારૂન અયુબ થેબા ગત 11 સપ્ટેમ્બરના રોજ મોટરસાઇકલ પર સવાર થઈ નોકરીએ જઈ રહ્યા હતા. પ્રાગપર ચોકડીથી થોડે દૂર પોર્ટ માર્ગ પર અચાનક શ્વાન આડું આવતાં મોટરસાઇકલ સ્લીપ થઈ ગઈ હતી.
આ અકસ્માતમાં પાછળ બેઠેલા મામદહુશેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં બ્રેઇન હેમરેજ થયું હતું. તેમને તાત્કાલિક ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી સર્જરી કરવામાં આવી હતી, પરંતુ તબીબોની સારવાર કારગત ન નીવડતાં તારીખ 13 સપ્ટેમ્બરના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રાગપર પોલીસે આ મામલે બાઇકચાલક હારૂન વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ,પ્રસૂતિની સારવાર દરમિયાન 26 વર્ષીય પરિણીતાનું મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે, જ્યારે અન્ય બે અલગ-અલગ બનાવોમાં આદિપુર અને સામખિયાળીમાં બે યુવાનોએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધાં હતાં. મૂળ બિહારના અને હાલ મુંદરા ખાતે રહેતા રાગિનીબેન સુબોધકુમાર મહંતોને પ્રસૂતિની પીડા ઉપડતાં પ્રથમ મુંદરા અને ત્યારબાદ તારીખ 5 સપ્ટેમ્બરે ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રસૂતિ બાદ સારવાર દરમિયાન અચાનક ખેંચ આવતાં તબિયત લથડી હતી અને તારીખ 14 સપ્ટેમ્બરના રોજ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી દીધી છે.
અન્ય એક ઘટનાની વાત કરવામાં આવે તો, આદિપુરના મણિનગર વિસ્તારમાં રહેતા કિશન મૂળજી ફફલ (ઉ.વ.૪૩) નામના યુવાને પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકના પત્ની છેલ્લા કેટલાક સમયથી માવતરે રહેતા હતા. જ્યારે ત્રીજા બનાવમાં, સામખિયાળીના આંબલિયારા રોડ પર આવેલા શાંતિનગર વિસ્તારમાં મૂળ ગયા-બિહારના વતની મનીષકુમાર મમતાસિંઘ (ઉ.વ.૩૬) નામના યુવાને પોતાના રૂમમાં છતના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લેતાં તેનું મોત નીપજ્યું હતું. બંને બનાવો અંગે સ્થાનિક પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.
(ઉત્સવ વૈદ્ય)