Mon Jul 27 2026

Logo

ઐતિહાસિક નિર્ણય: મુંદ્રા પોર્ટ પર હવે ૨૪x૭ કસ્ટમ ક્લિયરન્સ થશે, વેપારને મળશે વેગ

2026-03-10 14:51:00
Author: Mayur Patel
Article Image

ભુજઃ કેન્દ્ર સરકારના 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' ના અભિગમને વેગ આપવા માટે અદાણી મુંદ્રા કસ્ટમ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  આ મહાબંદરે હવેથી રાત્રિના સમયે પણ કન્ટેનર ઇન્સ્પેક્શન અને ક્લિયરન્સની સુવિધા કાર્યરત કરવામાં આવી છે, જેનાથી હજારો નિકાસકારો અને ટ્રાન્સપોર્ટરોને લાંબા સમયની પ્રતિક્ષામાંથી મુક્તિ મળશે.અગાઉ મુંદરા બંદર પર રાત્રિ દરમિયાન ઇન્સ્પેક્શનની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે નિકાસના કન્ટેનરોએ ૮ થી ૧૦ કલાક સુધી રાહ જોવી પડતી હતી.

 આ ગંભીર સમસ્યા અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુંદ્રા કસ્ટમ્સ કમિશ્નર નીતિન સૈની સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પગલે તેમણે નાઈટ શિફ્ટમાં ક્લિયરન્સ પ્રક્રિયા શરૂ કરવાનો ત્વરિત નિર્ણય લીધો હતો. આ નવી વ્યવસ્થાથી ઉદ્યોગ જગતને લાભ થશે જેમાં કન્ટેનરોએ હવે રાત્રે બંદર પર કલાકો સુધી ઉભા નહીં રહેવું પડે, જેનાથી ટર્નઅરાઉન્ડ સમય ઘટશે.

આ ઉપરાંત લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનના વધારાના વેઇટિંગ ચાર્જ અને ખર્ચમાં મોટો ઘટાડો થશે. ફેક્ટરી સ્ટફિંગ કન્ટેનરોનું ઇન્સ્પેક્શન રાત્રે જ પૂર્ણ થઈ જવાથી તે સમયસર માલવાહક જહાજ સુધી પહોંચી શકશે.

આ સુવિધા શરૂ કરાવવા માટે માત્ર ગાંધીધામ ચેમ્બર જ નહીં, પરંતુ મોરબી સિરામિક્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ નીલેશભાઈ જેતપરીયા અને ઇન્ડિયન રાઈસ એક્સપોર્ટ એસોસિએશન, દિલ્હી દ્વારા પણ સક્રિય પ્રયાસો કરવામાં આવ્યા હતા. ગાંધીધામ ચેમ્બરની શિપિંગ કમિટીના સભ્ય નરેન્દ્ર રામાણીએ પણ આ પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

 મુંદ્રા પોર્ટ દેશનું સૌથી વ્યસ્ત પોર્ટ છે. નાઈટ શિફ્ટમાં ઇન્સ્પેક્શન શરૂ થવાથી સિરામિક, કૃષિ અને કેમિકલ ઉદ્યોગને સીધો લાભ થશે અને પોર્ટની કાર્યક્ષમતામાં વધારો થશે તેમ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઇ કાનગડે જણાવ્યું હતું.  આ નિર્ણયથી પોર્ટ પર કન્ટેનરોનો ભરાવો ઓછો થશે અને પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. ટ્રાન્સપોર્ટ મુવમેન્ટ વધુ સુવ્યવસ્થિત થવાથી ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટ માલિકોને પણ મોટી રાહત મળશે તેમ ગાંધીધામ ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું.

(ઉત્સવ વૈદ્ય)