ભુજ: ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ વિભાગના નિર્ણય અનુસાર, મુંદરા ખાતે નવી વિભાગીય પોલીસ અધિકારી કચેરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કચેરી કાર્યરત થવાથી મુંદરા અને માંડવી તાલુકાના નાગરિકોને હવેથી સ્થાનિક સ્તરે જ ત્વરિત પોલીસ સહાય ઉપલબ્ધ બનશે.
નવી કચેરી શરૂ થવાથી બંદરીય મુંદરા અને માંડવી વિસ્તારના અરજદારો તથા નાગરિકોને કાયદાકીય રજૂઆતો, ફરિયાદો અને પોલીસ વિભાગને લગતા કામકાજ માટે જિલ્લા મથક ભુજ સુધી લંબાવું પડશે નહીં, જેનાથી લોકોના સમય અને નાણાં બંનેની બચત થશે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, વર્ષ 2023 બેચના આઈપીએસ અધિકારી અને મુંદરા વિભાગના નવનિયુક્ત એએસપી ગૌતમ વિવેકાનંદે આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ કચેરી બંને તાલુકાના તમામ નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે. આ નવી કચેરીના અધિકારક્ષેત્ર હેઠળ મુંદરા, મુંદરા મરીન, પ્રાગપર, ગઢશીશા, કોડાય, માંડવી અને માંડવી મરીન એમ કુલ સાત પોલીસ સ્ટેશનના વિસ્તારોનો સમાવેશ થાય છે.
નાગરિકોની સરળતા માટે આ કચેરી મુંદરાના જૂના બંદર રોડ પર આવેલી પ્રાંત કચેરીના કમ્પાઉન્ડમાં, મરીન પોલીસ મથકની પાસે શરૂ કરવામાં આવી છે. એએસપી ગૌતમ વિવેકાનંદે મુંદરા અને માંડવી પંથકના તમામ રહીશોને અપીલ કરી છે કે, કોઈ પણ પ્રકારની પોલીસ સહાય કે પ્રશ્ન માટે નાગરિકો આ કચેરીનો સીધો સંપર્ક કરી શકે છે.
(ઉત્સવ વૈદ્ય)