Sun Sep 13 2026

Logo

જમાઈ બન્યો જમરાજઃ 'તમારા વતન પરત ચાલ્યા જાવ' કહી જમાઈએ સસરા પર કુહાડી વડે કર્યો જીવલેણ હુમલો

2026-03-26 14:25:00
Author: Mumbai Samachar Team
જમાઈ બન્યો જમરાજઃ 'તમારા વતન પરત  ચાલ્યા જાવ' કહી જમાઈએ સસરા પર કુહાડી વડે કર્યો જીવલેણ હુમલો

AI Genrated Image


ભુજઃ કચ્છના બંદરીય મુંદ્રા શહેરમાં કૌટુંબિક કલેશમાં જમાઈએ પોતાના જ સસરા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. ઘર ખાલી કરી વતન ચાલ્યા જવાની બાબતે થયેલી તકરાર લોહિયાળ જંગમાં ફેરવાઈ હતી, જેમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મુંદ્રાના સુખપરવાસ વિસ્તારમાં રહેતી રૂબીનાબેન સદામ જુણેજાએ આ અંગે મુંદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રૂબીનાબેનના પિતા મોહમ્મદ કલુ છેલ્લા એક વર્ષથી તેમની સાથે જ મુંદ્રામાં રહેતા હતા. ગઈકાલે રાત્રિના સમયે જ્યારે મોહમ્મદભાઈ જમીને ઘરના આંગણામાં બેઠા હતા, ત્યારે તેમના જમાઈ સદામ ઈબ્રાહિમ જુણેજાએ ત્યાં આવીને ઝઘડો શરૂ કર્યો હતો.

સદામે તેના સસરાને ધમકાવતા કહ્યું હતું કે, "તમે મારા ઘરેથી નીકળી જાવ અને તમારા વતન જઈને રહો." આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાયેલા સદામે વૃદ્ધ સસરાના માથાના ભાગે કુહાડીનો જોરદાર ઘા ઝીંકી દીધો હતો.

જીવલેણ હુમલાના પગલે મોહમ્મદભાઈ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ મુંદ્રા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પત્ની રૂબીનાબેનની ફરિયાદના આધારે પોલીસે સદામ ઈબ્રાહિમ જુણેજા વિરુદ્ધ જીવલેણ હુમલાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

(ઉત્સવ વૈદ્ય)