(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મુંબ્રા વિસ્તારમાં માનેલી બહેનની છેડતી કરનારી ત્રિપુટી પર ભાઇએ ધોળેદહાડે ગોળીબાર કરતાં એક જણનું મૃત્યુ થયું હતું, જ્યારે બે જણ ઘાયલ થયા હતા. ગોળીબાર કર્યા બાદ ફરાર થઇ ગયેલા ભાઇને પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી રિવોલ્વર પણ જપ્ત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબ્રાના કૈલાસનગર વિસ્તારમાં આવેલી બિસ્મિલ્લા ચાલની રૂમ નંબર-2 ખાતે ગુરુવારે સવારના 110.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા શખસની ઓળખ અકબર અબ્દુલ શેખ તરીકે થઇ હતી. ગોળીબારમાં ઘવાયેલા અબ્દુલ હસન શેખ અને સમીર અહમદ શેખની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આરોપી જયન શિવાનંદર નાયર (51)ની માનેલી બહેનની અકબર શેખ, અબ્દુલ હસન શેખ અને અહમદ શેખે છેડતી કરી હતી, જેની જાણ જયન નાયરને થઇ હતી. આથી રોષે ભરાયેલો જયન ગુરુવારે સવારના રિવોલ્વર લઇને ઘટનાસ્થળે પહોંચી ગયો અને ત્રણેય જણ સાથે તેનો વિવાદ થયો હતો. વિવાદ ઉગ્ર બનતાં જયને રિવોલ્વર કાઢીને ત્રણેય જણ પર ગોળીબાર કર્યો હતો અને બાદમાં ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
મુંબ્રા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ શિંદેએ જણાવ્યું હતું કે ગોળીબારમાં ઘવાયેલા ત્રણેયને મુંબ્રાની કાલસેકર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં અકબર શેખનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અકબરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે હત્યા, હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી જયનની શોધ ચલાવી હતી અને તેને બાદમાં રિવોલ્વર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો, એમ શિંદેએ જણાવ્યું હતું.