દંડાત્મક પગલાથી લઈને ફોજદારી ગુનો દાખલ કરવાની પાલિકાની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસું નબળું રહેવાની આશંકા વચ્ચે શુક્રવાર, ૧૫ મેથી મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવામાં આવ્યો છે ત્યારે અમુક જગ્યાએ પાઈપલાઈન પર અથવા સીધુ નળના જોડાણમાં ગેરકાયદે રીતે ઈલેક્ટ્રિક મોટર પંપ બેસાડીને પાણી ખેંચીને પાણી ચોરી લેનારા વિરુધ્ધ પાલિકાએ આકરી અને કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આ પ્રકરણમાં દોષી જણાઈ આવનારા સામે દંડાત્મક કાર્યવાહી સહિત ફોજદારી ગુનો દાખલ કરવાનો નિર્દેશ પાલિકા પ્રશાસને આપ્યો છે.
મુંબઈ મહાનગરને પાણીપુરવઠો કનારા જળાશયોમાં પાણીના સપાટીમાં ચિંતાનજક રીતે ઘટાડો થઈ રહ્યો છે ત્યારે તેમાં ઉપલબ્ધ રહેલા પાણીનો જથ્થો વધુ સમય સુધી વાપરી શકાય તે માટે તકેદારીના પગલારૂપે મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા ૧૫મે, ૨૦૨૬થી ૧૦ ટકા પાણીકાપ લાગૂ કરવામાં આવ્યો છે. આ પાર્શ્ર્વભૂમિ પર પાલિકા મુખ્યાલયમાં પાણીપુરવઠા વિભાગના એક્ઝિક્યુટીવ એન્જિનિયરથી લઈને તમામ અધિકારીઓની પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજિત બાંગરના નેતૃત્વમાં એક મહત્ત્વની બેઠક થઈ હતી, જેમાં પાણીકાપ પાછળના કારણ અને તેને લીધે પાણીપુરવઠા વ્યવસ્થા પર થનાર પરિણામ, સંભવિત અડચણો તેમ જ તેના પરની ઉપાયયોજના બાબતે ચર્ચા હતી.
શુક્રવારથી અમલમાં આવેલા ૧૦ ટકા પાણીકાપને કારણે ઊંચાઈવાળા વિસ્તાર, મુંબઈના છેવાડે આવેલા વિસ્તાર, દૂરના અંતરિયાળ વિસ્તાર, પાણીપુરવઠાનો સમયગાળો ઓછા જેવા કારણોથી પાણીપુરવઠામાં અડચણ આવી શકે છે. તેથી આ વિસ્તારમાં પાણીપુરવઠો વ્યવસ્થિત થઈ રહે અને નાગરિકોને પાણી માટે હાલાકી થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનો નિર્દેશ સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
એક્શન પ્લાન બનાવામાં આવશે
એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે સાઈટ પર રહેલા સબ એન્જિનિયર, આસિસ્ટન્ટ એન્જિનિયરોએ પરિસરની ભૌગલિક રચના, પાણીના વિતરણ વ્યવસ્થાની અચૂક માહિતી હોય છે, તેના આધાર પર કયા વિસ્તારમાં પરિસરમાં પાણીકાપને કરાણે અડચણ આવી શકે છે તેનો પ્રોએક્ટીવલી અહેવાલ તેઓએ લેવાનો રહેશે. તેમ જ તેના એરિયા સ્તરે, વોર્ડ સ્તરે સૂક્ષ્મ સ્તરે નિયોજન કરવાનું રહેશે. તેઓએ એક્શન પ્લાન તૈયાર કરવાનો રહેશે. ઉપાયયોજનાની પ્રભાવી રીતે અમલમાં મૂકવાની રહેશે.
ફોજદારીનો ગુનો નોંધાશે
અભિજિત બાંગરે વધુમાં જણાવ્યું હતું કે મુંબઈમાં પહેલાથી જ અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થઈ રહ્યો હોવાની ફરિયાદ રહી છે. પાલિકા દ્વારા તપાસ દરમ્યાન અમુક નાગરિકો પાઈપલાઈન અથ્ાવા સીધા નળના જોડાણ પર ગેરકાયદે રીતે વિદ્યુત મોટર પંપ બેસાડીને વધુ પાણી ખેંચી લેતા હોવાનુ જણાઈ આવ્યું છે. તેથી અન્ય વિસ્તારમાં નાગરિકોને ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થાય છે. પાણીકાપ દરમ્યાન તમામ નાગરિકોને સમાન પાણી મળી રહે તે આવશ્યક છે. પંપ બેસાડીને ખોટી રીતે પાણી ખેંચવું દંડનીય અપરાધ છે, તેને કારણે પાણીપુરવઠા વ્યવસ્થા પર વધારનું દબાણ નિર્માણ થાય છે. તો અમુક ઠેકાણે દૂષિત પાણી મિક્સ થવાની શકયતા વધી જતી હોય છે. તેથી ગેરકાયદેર રીતે મોટરથી પાણી ખેંચનારા વિરુદ્ધ મોટર પંપ જપ્ત કરવાથી લઈને નળનું જોડાણ ખંડિત કરવા સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારમાં દોષી જણાઈ આવનારા સામે દંડાત્મક કાર્યવાહી સહિત ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે.
નગરસેવકોને સાથે રાખીને શોધો કયા પાણીની અડચણ
પાણીકાપના સમયગાળા દરમ્યાન એન્જિનિયર, અધિકારીઓએ પ્રત્યક્ષ વર્કસાઈટ પર હાજર રહેવુ પડશે. પાણીપુરવઠા વિભાગના વોર્ડ સ્તરના એન્જિનિયર, અધિકારીઓએ સ્થાનિક રહેવાસી, લોકપ્રતિનિધિ, નગરસેવક સાથે સતત સંપર્કમાં રહેવાનું રહેશે. પાણી વિતરણ વ્યવસ્થા બાબતે લોકપ્રતિનિધિઓને સમયાનંતરે જાણ કરતા રહેવાનું રહેશે. ભૌગોલિક પરિસ્થિતિ તેમ જ આવનારી અડચણ અને ફરિયાદનું નિરાકરણ કરવા માટે પાલિકાના હાઈડ્રોલિક એન્જિનિયર વિભાગે અમલમાં મૂકેલી ઉપાયયોજનાની સવિસ્તર માહિતી લોકપ્રતિનિધિઓ સુધી પહોંચાડવાની રહેશે. ફરિયાદનો નિકાલ કરવામાં વિલંબ થયો તો સંબંધિત પર જવાબદારી નિશ્ર્ચિત કરવાની ચેતવણી પાલિકાના અધિકારીઓને આપવામાં આવી છે.