વૈકલ્પિક પાણીના સ્રોત ઉપલબ્ધ થવામાં ત્રણથી ચાર વર્ષ રાહ જોવી પડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ તાજેતરના વર્ષોમાં સૌથી ગંભીર પાણીની કટોકટીનું સામનો કરી રહ્યું છે. મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં માંડ એક લાખ મિલિયન લિટર એટલે કે ૬.૯૩ ટકા પાણી બચ્યું છે. દેશની સૌથી શ્રીમંત કહેવાતી મુંબઈ મહાનગરપાલિકા હજી પણ પાણીની માગને પહોંચી વળવા માટે વરસાદી પાણી પર જ નિર્ભર રહી છે. વૈકલ્પિક પાણીના સ્રોતને લગતા પ્રોજેક્ટ પૂર્ણ થવામાં હજી ત્રણથી ચાર વર્ષનો સમય લાગવાનો હોવાથી મુંબઈની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે ચોમાસા પર જ નિર્ભર રહેવું પડવાનું છે. તેમાં પણ જો આ વર્ષની માફક જ અનિયિમિત વરસાદની પેટર્ન ચાલુ રહી તો મુંબઈની વધતી વસતી સામે વારંવાર પાણીની કટોકટીનો સામનો કરવાની નોબત આવી શકે છે. આગામી દિવસમાં વરસાદ કેવો પડે છે તેના પર હવે પાણી કાપ આધાર રાખે છે.
આ વર્ષે ચોમાસામાં વિલંબ અને અપૂરતા વરસાદને કારણે મુંબઈ સાત જળાશયોમાં પાણીનો જથ્થો ઘટીને સાત ટકાથી ઓછો થઈ ગયો છે, જે ગયા વર્ષ કરતાં નોંધપાત્ર રીતે ઓછો છે. પાલિકાના હાઇડ્રોલિક એન્જિનિયર વિભાગના ડેટા મુજબ સોમવારે સવારના સાત જળાશયોમાં મળીને ૧,૦૦,૨૭૯ મિલિયન લિટર પાણી હતું. ગયા વર્ષે આ જ સમયગાળામાં ૫,૭૧,૬૭૦ મિલિયન લિટર (૩૯.૫ ટકા) હતું.
મુંબઈની પાણીની જરૂરિયાત વરસાદી પાણી પર સંપૂર્ણપણે નિર્ભર છે. જળાશયોમાં થતા વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેને આખુ વર્ષ વાપરવામાં આવે છે પણ વૈશ્ર્વિક સ્તરે વાતાવરણમાં થયેલા ફેરફારની અસર ચોમાસાને પણ થઈ રહી છે. દર વર્ષે થતા અનિયમિત વરસાદે મુંબઈમાં પાણીની પુરવઠાને અસર થઈ રહી છે, જેમાં ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૨૦, ૨૦૨૨ અને ૨૦૨૩માં ઓછા અને ચોમાસું ખેંચાઈ જવાને કારણે પાણી કાપ લાદવો પડ્યો હતો.
મુંબઈ તેના આખા વર્ષભરના પાણી પુરવઠા માટે લગભગ સંપૂર્ણપણે ચોમાસા પર આધાર રાખે છે. પાલિકાના પાંચ વરસાદ આધારિત જળાશયો - મોડક સાગર, અપર વૈતરણા, ભાતસા, તાનસા અને છેલ્લે ૨૦૧૪માં કાર્યરત થયેલા મિડલ વૈતરણામાંથી દરરોજ ૪,૧૦૦ મિલિયન લિટર (એમએલડી) પાણી ઉપાડે છે. મુંબઈની દૈનિક પાણીની માગ લગભગ ૪,૬૦૦ એમએલડી સુધી પહોંચી ગઈ છે, જેના કારણે માગ-પુરવઠાનો તફાવત વધ્યો છે. છેલ્લું જળાશય કાર્યરત થયાના બાર વર્ષ પછી પણ મુંબઈ પાસે હજુ પણ કોઈ નવો પાણીનો સ્ત્રોત નથી, અને જો ચોમાસુ નબળું રહે તો મુંબઈ માટે પાણીનું ગંભીર સંકટ નિર્માણ થાય છે.
જળાશયોના કેચમેન્ટમાં વરસાદની ગેરહાજરી
પાણીની કટોકટી જેમ વધુ ગંભીર બને છે, તેમ તેમ પાલિકા પાણી કાપ વધારતી જાય છે. અગાઉ ૧૫ મેના રોજ ૧૦ ટકા પુરવઠા ઘટાડા લાગૂ કર્યા બાદ પાલિકાએ બાંધકામ સ્થળો અને સ્વિમિંગ પુલને પાણી પુરવઠો સ્થગિત કર્યો, નવા પાણીના જોડાણો આપવાનું બંધ કર્યું અને કમર્શિયલ વપરાશકર્તાઓ પર પણ ૨૦ ટકા સુધીનો પાણીકાપ લાગુ કર્યો. આ કટોકટીના પગલાં ઉપરાંત મુંબઈ પાસે લાંબા સમય સુધી વરસાદની ખાધ સામે બહુ ઓછો પાણીના પર્યાય છે. વધુ ચિંતાજનક વાત એ છે કે મુંબઈ, થાણેના શહેરી વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ થાણે અને પાલઘરમાં આવેલા તળાવો અને તેના કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદ જ નથી, તેને કારણે તળાવોનું સ્તર સતત નીચે ઊતરી રહ્યું છે અને પાણીની કટોકટી વધુ ગંભીર બની રહી છે.
પાણીના નવા પ્રોજેક્ટ લંબાઈ ગયા
મુંબઈની પાણીની સમસ્યાનો લાંબા ગાળાની યોજનાને અમલમાં આવવામાં હજી વર્ષો નીકળી જવાના છે. પાલઘરમાં પ્રસ્તાવિત ગાર્ગઈ ડેમ (૪૪૦ એમએલડી) અને મનોરી (૪૦૦ એમએલડી) અને વર્સોવા (૨૦૦ એમએલડી) ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ શહેરના પાણી પુરવઠામાં ૧,૦૪૦ એમએલડી પાણી ઉમેરશે એવું કહેવાય છે. જોકે આ પ્રોજેકટ પર કામ હજુ શરૂ થવાનું બાકી છે અને પૂર્ણ થવામાં ઓછામાં ઓછા ત્રણથી ચાર વર્ષનો સમય લાગવાનો છે. પાલિકા સાત સ્યુેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને પણ અપગ્રેડ કરી રહી છે જેથી દરરોજ ૨,૪૬૪ એમએલડી ગંદા પાણી પર પ્રક્રિયા કરી શકાય, જેમાં ૧,૨૩૨ એમએલડી પાણીનો ઉપયોગ બિન-પીવાલાયક હેતુઓ માટે કરવામાં આવશે. પરંતુ આ પ્રોજેક્ટ ૨૦૨૮ પહેલા શરૂ થવાની શક્યતા ઓછી હોવાથી મુંબઈગરાને વારંવાર આવતા પાણીના સંકટનો કોઈ તાત્કાલિક ઉકેલ મળવાનો નથી.
‘અલ નીનો’ની અસર!
નૈર્ઋત્યાનું ચોમાસું લંબાઈ જતા અને આ વર્ષના અંતમાં મજબૂત ‘અલ નીનો’ સ્થિતિ વિકાસની આગાહીને કારણે શહેરના પાણી પુરવઠા અંગે અગાઉ જ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. હાલમાં જળાશયોમાં ૨૦૨૪માં આ સમયગાળા દરમિયાન જે ૫.૪૩ ટકા હતું તેના કરતા વધુ પાણી રહે છે. ચોમાસું સામાન્ય રીતે ૧૦ જૂનની આસપાસ મુંબઈ પહોંચે છે, પરંતુ આ વર્ષે તેની શરૂઆત મોડી થઈ છે. ગયા વર્ષે શહેરમાં ચોમાસુ મે મહિનામાં આવી ગયું હતું, જે તેની સામાન્ય શરૂઆતની તારીખથી ઘણું વહેલું હતું. મોડા આગમન અને ધીમી પ્રગતિને કારણે પાલિકાએ મહારાષ્ટ્ર સરકારના જળ સંસાધન વિભાગના નિર્દેશોને અનુસરીને પીવાના પાણીના વ્યવસ્થાપન માટે કરકસરનાં પગલાં અમલમાં મૂકવા માટે ૧૫ મેથી મુંબઈમાં ૧૦ ટકા પાણી કાપ લાદયા બાદ ૧૭ જૂનથી ઈન્ડસ્ટ્રિયલ અને કોમર્શિયલ સંસ્થાઓ માટે ૨૦ ટકા પાણી કાપ લાગુ કર્યો હતો.