મુંબઈ: આતંકવાદી સંગઠન સાથે સંપર્ક અને મની લોન્ડરિંગની તપાસમાં ડિજિટલ અરેસ્ટનો ભય દેખાડી દક્ષિણ મુંબઈના સિનિયર સિટીઝન સાથે 31.50 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ કરવાના કેસમાં પોલીસે સોલાપુરથી યુવકની ધરપકડ કરી હતી.
સાઉથ રિજન સાયબર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ અશપાક બાબુલાલ પઠાણ તરીકે થઈ હતી. સાયબર ફ્રોડથી મેળવેલી રકમ બોગસ બૅન્ક ખાતામાં જમા થઈ હતી, જેની પઠાણ ઑપરેટ કરતો હતો, એવું તપાસમાં જણાયું હતું.
આ પ્રકરણે 75 વર્ષના સિનિયર સિટીઝનની ફરિયાદને આધારે સાયબર પોલીસે ગુનો નોંધ્યો હતો. ફરિયાદ અનુસાર 15થી 27 જુલાઈ દરમિયાન કથિત છેતરપિંડી થઈ હતી. સાયબર ઠગે વૉટ્સઍપ નંબર પર ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો અને પોતાની ઓળખ નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના અધિકારી પ્રદીપ જયસ્વાલ તરીકે આપી હતી
ફરિયાદીના નામ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને એક રાષ્ટ્રીયકૃત બૅન્કમાં ખાતું ખોલાવવામાં આવ્યું હતું. આ ખાતાના માધ્યમથી મની લોન્ડરિંગ થઈ હોઈ તેનું કનેક્શન આતંકવાદી સંગઠન સાથે હોવાનું તપાસમાં સામે આવ્યું હતું, એવું સાયબર ઠગે કહ્યું હતું.
ઠગ ટોળકીએ ભય ઊભો કરવા ફરિયાદીના સંપર્ક આતંકવાદી સંગઠન સાથે હોવાનું અત્યાર સુધીની તપાસમાં જણાયું હોવાથી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, એમ કહ્યું હતું. આ મામલે ફરિયાદીના દીકરા સામે પણ ગુનો નોંધવામાં આવશે, એવી માહિતી આપી ફરિયાદીને ડિજિટલ અરેસ્ટનો ડર દેખાડ્યો હતો.
ફરિયાદ અનુસાર આરોપીએ આપેલા બૅન્ક ખાતામાં 31.50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ ફરિયાદીને પડાઈ હતી. આ પ્રકરણે ગુનો નોંધી સાઉથ સાયબર પોલીસના સિનિયર ઈન્સ્પેક્ટર નંદકુમાર ગોપાળેની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફરિયાદીની રકમ સોલાપુરની બૅન્કમાં જમા થઈ હોવાનું જણાયું હતું. આ ખાતું બોગસ દસ્તાવેજોને આધારે એક મેડિકલ દુકાનને નામે ખોલવામાં આવ્યું હતું, જે પઠાણ સાથે સંકળાયેલું હોવાનું તપાસમાં જણાયું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ સોલાપુર પહોંચેલી એપીઆઈ ખરોટેની ટીમે સોલાપુરના સરવદેનગર ઘરકુલ પરિસરમાં રહેતા પઠાણને તાબામાં લીધો હતો. પ્રાથમિક પૂછપરછ પછી ધરપકડ કરાયેલા પઠાણને કોર્ટે પાંચમી ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.