Sun Oct 04 2026

Logo

મુંબઈમાં RTOની મોટી કાર્યવાહી: 427માંથી 82 એમ્બ્યુલન્સમાં ખામીઓ છતી થતા ફટકાર્યો દંડ

2026-09-13 16:43:54
Author: Mumbai Samachar Team
મુંબઈમાં RTOની મોટી કાર્યવાહી: 427માંથી 82 એમ્બ્યુલન્સમાં ખામીઓ છતી થતા ફટકાર્યો દંડ

મુંબઈ: મુંબઈમાં દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં એમ્બ્યુલન્સની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. જોકે, જાન્યુઆરીથી ઓગસ્ટ 2026 દરમિયાન RTO (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) દ્વારા તપાસવામાં આવેલી 427 એમ્બ્યુલન્સમાંથી 82 એમ્બ્યુલન્સમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, જ્યારે તેની પાસેથી જંગી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. 

અધિકારીએ કહ્યું હતું કે આ મામલે કાર્યવાહી કરતાં 79,000થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મુંબઈ હદમાં ચાર RTO કચેરીઓ હેઠળ કુલ 1,498 એમ્બ્યુલન્સ નોંધાયેલી છે, જેમાં મુંબઈ સેન્ટ્રલમાં 600, અંધેરીમાં 333, વડાલામાં 316 અને બોરીવલીમાં 249 એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે. 

પરિવહન વિભાગ દ્વારા નોંધાયેલ એમ્બ્યુલન્સની સમયાંતરે તપાસ કરવામાં આવતી હોવા છતાં તાજેતરની તપાસમાં અનેક વાહનો નિયમોનું પાલન કરતા ન હોવાનું સામે આવ્યું છે. અંધેરી RTO દ્વારા સૌથી વધુ 237 એમ્બ્યુલન્સની તપાસ કરવામાં આવી હતી, તેમાંથી 22માં નિયમભંગ મળી આવ્યો હતો અને 46,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. બીજી તરફ, વડાલા RTOમાં સૌથી વધુ 36 એમ્બ્યુલન્સમાં નિયમોનું ઉલ્લંઘન સામે આવ્યું. અહીં 140 એમ્બ્યુલન્સની તપાસ કરવામાં આવી હતી અને 13,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

મુંબઈ સેન્ટ્રલ RTOએ 25 એમ્બ્યુલન્સની તપાસ કરતાં 12માં ખામી જોવા મળી હતી અને 20,000 રૂપિયાથી વધુનો દંડ વસૂલાયો હતો. બોરીવલી RTOએ પણ 25 એમ્બ્યુલન્સની તપાસ કરી હતી, જેમાં 12 એમ્બ્યુલન્સ નિયમભંગ કરવામાં આવ્યો હતો. જોકે, અહીં વસૂલવામાં આવેલા દંડની રકમ ઉપલબ્ધ નથી. આંકડા મુજબ, તપાસવામાં આવેલી લગભગ પાંચમાંથી એક એમ્બ્યુલન્સમાં નિયમભંગ મળી આવ્યો છે.

એમ્બ્યુલન્સમાં શું તપાસવામાં આવે છે?

આરટીઓની તપાસ માત્ર દસ્તાવેજો પૂરતી મર્યાદિત નથી. અધિકારીઓ એમ્બ્યુલન્સ તરીકે વાહનની નોંધણી, માન્ય ફિટનેસ સર્ટિફિકેટ, વીમો, PUC અને જરૂરી પરમિટની ચકાસણી કરે છે. સાથે જ વાહનના પ્રકાર અનુસાર ડ્રાઇવરનું લાઇસન્સ પણ તપાસવામાં આવે છે.
આ ઉપરાંત, એમ્બ્યુલન્સમાં AIS-125 ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવે છે, તેમાં વાહનોની નિર્ધારિત ડિઝાઇન અને જરૂરી સાધનોનો સમાવેશ થાય છે. એમ્બ્યુલન્સમાં ઓક્સિજન, સ્ટ્રેચર, ફર્સ્ટ-એઇડના સાધનો, સાઇરન તેમ જ ફ્લેશિંગ ઇમરજન્સી લાઇટ ઉપલબ્ધ છે કે નહીં તે પણ ચકાસવામાં આવે છે.

એમ્બ્યુલન્સની સુરક્ષા અંગે ગંભીર સવાલ

એમ્બ્યુલન્સ સામાન્ય કમર્શિયલ વાહન નથી. તે દર્દીઓને તબીબી કટોકટી દરમિયાન હોસ્પિટલ પહોંચાડવાનું મહત્વપૂર્ણ કામ કરે છે, જ્યાં ઘણી વખત દરેક મિનિટ મહત્વપૂર્ણ હોય છે. બ્રેકમાં ખામી, ખરાબ ટાયર, ઇમરજન્સી લાઇટમાં ખામી અથવા જરૂરી તબીબી સાધનોની ગેરહાજરી દર્દી ઉપરાંત અન્ય વાહનચાલકો માટે પણ જોખમ ઊભું કરી શકે છે.

મુંબઈમાં કુલ 1,498 એમ્બ્યુલન્સ નોંધાયેલી હોવા વચ્ચે તપાસ દરમિયાન સામે આવેલા આ આંકડા એ સવાલ ઊભો કરે છે કે દરેક એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા માટે યોગ્ય સ્થિતિમાં રહે તે સુનિશ્ચિત કરવા માટે સમયાંતરે થતી તપાસ પૂરતી છે કે નહીં.