Wed Jun 24 2026

Logo

મેયર રિતુ તાવડેની સામે જ પાલિકા કર્મચારી 'મેનહોલ'માં પડ્યો, જુઓ વીડિયો વાયરલ

2026-06-24 19:48:40
Author: mumbai samachar team
Article Image

Mumbai Mayor Ritu Tawde


મુંબઈ: મુંબઈમાં મેઘરાજાની પધરામણી થઈ ચુકી છે. કાગડોળે વરસાદની રાહ જોઈ રહેલા મુંબઈગરાઓને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી હતી, ત્યારે એક આશ્ચર્યજનક ઘટના બની હતી. એક બાજુ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો ત્યારે મુંબઈના મેયર રિતુ તાવડે નિરીક્ષણ માટે રસ્તા પર નીકળ્યા હતા ત્યારે અચાનક એક પાલિકા કર્મચારી ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. આ ઘટના મુંબઈના માટુંગા વિસ્તારમાં બની હતી. આ ઘટના ત્યારે બની જયારે મેયર ભારે વરસાદ પછી વોટરલોગિંગ અને ડ્રેનેજની સ્થિતિ તપાસવા માટે શહેરમાં નીકળ્યા હતા, પરંતુ એ જ વખતે પાલિકાનો કર્મચારીએ સંતુલન ગુમાવતા ડ્રેનેજમાં પડ્યો હતો, જેને લઈ સોશિયલ મીડિયા પર લોકોએ તંત્રની ઝાટકણી કાઢી હતી.

મુંબઈમાં વરસાદે 23 જૂને એન્ટ્રી લીધી હતી ત્યાર પછીથી મુંબઈમાં એકધારો વરસાદ પડ્યો હતો. આ ઘટના બાદ મેયરે હાજર અધિકારીઓની ઝાટકણી કાઢી હતી અને તેમને ચેતવણી આપી હતી કે જો કોઈ ગટરના ઢાકણા ખુલ્લા હશે તો સસ્પેન્સ થવાની સાથે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. 

કેમેરામાં કેદ થઈ ઘટના 
મેયરની મુલાકાત વખતે નાળા નજીક કામ કરી રહેલા એક કર્મચારીનું બેલેન્સ બગડી જતા તે ખુલ્લી ગટરમાં પડી જતા ત્યાં ઊભેલા લોકો ગભરાઈ ગયા હતા. પોલીસ અને પાલિકા અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તરત જ બચાવકાર્ય હાથ ધર્યું હતું. આ કર્મચારીને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર લોકોએ સવાલ કરતા પૂછ્યું હતું કે ડ્યૂટી પરના કર્મચારીઓ સુરક્ષિત ના હોય તો પછી સામાન્ય નાગરિકોનું શું વાત કરવી?

મેયર રિતુ તાવડેએ શું કહ્યું ?
મેયરે જણાવ્યું હતું કે તે વ્યક્તિને 'એલર્ટ' સાઈન વાંચવી જોઈતી હતી. આ સાથે જ મેનહોલના ચારેય તરફ લગાવવામાં આવેલ બેરિકેડ્સને જોવા હતા. જયારે સાઈન પર ચોખ્ખું લખ્યું છે કે 'સતર્ક રહો', તો લોકોને સાવધાન રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, 'હું મુંબઈના લોકોને અપીલ કરું છું કે તેઓએ પાલિકા દ્વારા લગાવવામાં આવેલા નોટિસ અને પોસ્ટર જરૂરથી વાંચવા જોઈએ. મેયરે એ પણ જણાવ્યું કે બીએમસીએ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને મોન્સૂનમાં લોકોને કોઈ મુશ્કેલીઓ પડશે નહીં. ડ્રેનેજ ક્લિનિંગનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે.

મેયરે વિપક્ષ પર નિશાન સાધ્યું 
મેયર રિતુ તાવડેએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે વહીવટકર્તાઓની ટીકા કરનારા આજે હાથ પર હાથ ધરીને બેઠા છે. મેયરની આ ટિપ્પણી ત્યારે આવી હતી, જયારે શહેરમાં અમુક ભાગોમાં આખી રાત વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, સબર્બન ટ્રેન સેવાઓમાં પણ અવરોધ ઊભો થયો અને શહેરના અમુક ભાગોમાં ટ્રાફિક જામ થયો હતો.

અહીં એ જણાવવાનું કે લગભગ પોણો મહિનો કોરોધાકોર રહ્યા પછી મોડે મોડે ચોમાસાનું આગમન થયું હતું, જેમાં પાલિકાના ઉપલબ્ધ અહેવાલ મુજબ આજે સવારે 8 વાગ્યે પૂર્ણ થયેલા 24 કલાકમાં સમગ્ર શહેરમાં સરેરાશ 195 મિલિમીટર જેટલો વરસાદ નોંધાયો હતો, જેમાં વેસ્ટર્ન સબર્બનમાં 208 મિમી અને ઇસ્ટર્ન સબર્બનમાં 167 મિમી જેટલો વરસાદ પડ્યો હતો.