Wed Sep 16 2026

Logo

મુંબઈમાં VIP ક્વોટાથી રિઝર્વેશનની ટિકિટ કન્ફર્મ કરાવતી ગેંગનો પર્દાફાશ: 6 ગઠિયા ઝડપાયા

2026-07-31 20:22:52
Author: Mumbai Samachar Team
મુંબઈમાં VIP ક્વોટાથી રિઝર્વેશનની ટિકિટ કન્ફર્મ કરાવતી ગેંગનો પર્દાફાશ: 6 ગઠિયા ઝડપાયા

મુંબઈ: વીઆઈપી કોટામાંથી કન્ફર્મ રેલવે ટિકિટ અપાવવાના નામે ચાલતા આંતરરાજ્ય રેકેટનો મુંબઈ પોલીસે પર્દાફાશ કર્યો છે. મલબાર હિલ પોલીસે કાર્યવાહી કરીને મુંબઈ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા છ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 400થી વધુ મુસાફરોના VIP ટિકિટ બુકિંગનો ગુપ્ત ડેટાબેઝ, બનાવટી લેટરહેડ, નકલી સ્ટેમ્પ સહિત મોટી સંખ્યામાં સામગ્રી મળી આવી છે.
 
આ સમગ્ર મામલે પોલીસે મુંબઈ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાંથી મુખ્ય આરોપી સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ અમરીશ ઈશ્વરલાલ ઠક્કર, તારિક મહફૂઝ ખાન, દીપકકુમાર કન્હૈયાલાલ યાદવ, વિનય વિક્રમસિંહ રાવત, સાગર ઈશ્વરલાલ ઠક્કર અને ક્ષત્રુનજય રામકુમાર યાદવ ઉર્ફે અનુપ અથવા મોહન તરીકે કરાઈ છે. 

તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 12 મોબાઈલ ફોન, એક લેપટોપ, 16 સિમ કાર્ડ, 70 ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, પાંચ આધાર કાર્ડ, બે નકલી રબર સ્ટેમ્પ અને લોગો પેડ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

મલબાર હિલ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બનાવટી લેટરહેડ અને નકલી સ્ટેમ્પનો ઉપયોગ કરીને રેલવેના વીઆઈપી ક્વોટામાં સામાન્ય મુસાફરોની ટિકિટ બનાવટી  દસ્તાવેજો આપી કન્ફર્મ કરાવતા હતા. 
પોલીસે જપ્ત કરેલા 400થી વધુ મુસાફરોના ડેટાબેઝને પગલે આ રેકેટનો વ્યાપ વધુ મોટો હોવાની આશંકા વ્યક્ત કરી છે. પૂછપરછ દરમિયાન કેટલાક અન્ય આરોપીઓના નામ પણ સામે આવ્યા છે અને તેમની શોધખોળ માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગેંગ વિરુદ્ધ અગાઉ કુર્લા અને મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસ સ્ટેશનમાં પણ સમાન પ્રકારના કેસ નોંધાયેલા છે, તેથી ધરપકડ કરાયેલા આરોપીઓને આગળની પૂછપરછ અને તપાસ માટે સંબંધિત પોલીસને સોંપવામાં આવે તેવી શક્યતા છે. પોલીસને આશા છે કે આ કાર્યવાહીથી રેલવે ટિકિટ સાથે જોડાયેલા છેતરપિંડીના અન્ય અનેક કેસોનો પણ ભેદ ઉકેલાઈ શકે છે.