Tue Apr 28 2026

Logo

મુંબઈ-પુણે એક્સપ્રેસવે: 'મિસિંગ લિંક'નું પહેલી મેના ઉદ્ઘાટનઃ મુસાફરીમાં અડધો કલાકનો થશે ઘટાડો

2026-04-28 19:43:16
Author: Mumbai Samachar Team
Article Image

મિસિંગ લિંક પર હળવા વાહનો માટે ગતિ મર્યાદા 100 કિમી/કલાક, જ્યારે પેસેન્જર વાહનો માટે 80 કિમી/કલાક રહેશે

મુંબઈઃ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મુસાફરી ઝડપી અને સુરક્ષિત બનાવવા માટે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમે ખોપોલીથી કુસગાંવ સુધી એક નવી મિસિંગ લિંક બનાવી છે. આ મિસિંગ લિંકનું કામ હવે પૂર્ણ થઈ ગયું છે અને આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન 1 મેના રોજ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને સુનેત્રા પવારની હાજરીમાં કરવામાં આવશે.

ઉદ્ઘાટનના થોડા કલાકો પછી આ રૂટ ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવશે. આ માર્ગ ખુલતા, મુંબઈ-પુણે મુસાફરીનો સમય 30 મિનિટ ઓછો થઈ જશે. આનાથી મુસાફરોને મોટી રાહત મળશે. દરમિયાન, ટ્રાફિક પોલીસે સોમવારે આ મિસિંગ  લિંક પર ટ્રાફિક વ્યવસ્થાપન અંગે એક સૂચના જારી કરી હતી.

સૂચના મુજબ પહેલી મેથી હળવા વાહનો, બસો અને પેસેન્જર વાહનોને મિસિંગ લિંકમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. માલવાહક વાહનોના પ્રવેશ અંગે છ મહિના માટે સર્વે કરવામાં આવશે. ત્યાર બાદ નવેમ્બરમાં નિર્ણય લેવામાં આવશે. સૂચનામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જ્વલનશીલ પદાર્થો અને વિસ્ફોટકો વહન કરતા વાહનો માટે મિસિંગ લિંક પર કાયમી ધોરણે પ્રતિબંધ રહેશે. આવા વાહનોને ઘાટમાંથી મુસાફરી કરવી પડશે.

સૂચનામાં ગતિ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. મિસિંગ લિંક પર ગતિ મર્યાદા હળવા વાહનો માટે 100 કિમી પ્રતિ કલાક અને પેસેન્જર વાહનો માટે 80 કિમી પ્રતિ કલાક રહેશે. વાહનચાલકો માટે આ ગતિ મર્યાદાનું પાલન કરવું ફરજિયાત છે.