Fri Oct 02 2026

Logo

પોલીસે નકલી બર્થ સર્ટિફિકેટના કેસોની તપાસ માટે એસઆઇટીની રચના કરી

2026-05-05 18:14:26
Author: યોગેશ ડી. પટેલ
પોલીસે નકલી બર્થ સર્ટિફિકેટના કેસોની તપાસ માટે એસઆઇટીની રચના કરી

PTI


મુંબઈ: શહેરમાં બનાવટી દસ્તાવેજોને આધારે મેળવાયેલા નકલી બર્થ સર્ટિફિકેટ્સ સાથે સંકળાયેલા કેસોની તપાસ માટે મુંબઈ પોલીસ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.મહાનગરપાલિકાના અધિકારીઓએ શોધી કાઢ્યું હતું કે 2024થી 2026 દરમિયાન સત્તાવાર રેકોડર્સ સાથે ચેડાં કરીને 87,000થી વધુ નકલી બર્થ સર્ટિફિકેટ્સ જારી કરાયા હતા. 

સમાન બોગસ નોંધણી સૂચવતી સંખ્યાબંધ ફરિયાદો મળ્યા બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈના પોલીસ કમિશનર દેવેન ભારતીએ ગુનાઓ અને પ્રાપ્ત ફરિયાદોની સઘન તપાસ કરવા માટે એસઆઇટીની રચના કરવાનો આદેશ આપ્યો હતો.

એસઆઇટીનું નેતૃત્વ જોઇન્ટ પોલીસ કમિશનર (ક્રાઇમ) કરશે અને તેમાં ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ બ્રાન્ચ અને ડિટેક્શન યુનિટ્સના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ હશે.અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ તેમ જ રોહિંગ્યાઓને આ કૌભાંડ હેઠળ નકલી બર્થ સર્ટિફિકેટ્સ જારી કરવામાં આવી રહ્યા છે. (પીટીઆઇ)