Sun Oct 04 2026

Logo

ગણેશોત્સવમાં વરસાદનું વિધ્ન મુંબઈ સહિત પાલઘર, થાણે અને રાયગઢમાં વરસાદની શકયતા

2026-09-12 22:24:59
Author: Sapna Desai
ગણેશોત્સવમાં વરસાદનું વિધ્ન મુંબઈ સહિત પાલઘર, થાણે અને રાયગઢમાં વરસાદની શકયતા

AI


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાંબા સમયથી વરસાદની ગેરહાજરીમાં મુંબઈગરા ફરી ગરમી અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે ત્યારે ગણેશોત્સવ દરમ્યાન મુંબઈમાં ચોમાસું ફરી સક્રિય થવાની શકયતા છે. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઈ, થાણે અને પાલઘરમાં ચોમાસાનું પુનરાગમન થઈ શકે છે.  અનેક દિવસોથી મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં એકાદ-બે હળવા ઝાપટાં પડી જતા હોય છે પણ બાકી મોટાભાગે સૂકુ વાતાવરણ રહેતું હોય છે ત્યારે મુંબઈમાં ફરીથી ચોમાસાનો વરસાદ શરૂ થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ તેમ જ તેના પડોશી જિલ્લા થાણે, પાલઘર અને રાયગઢ માટે યલો એલર્ટની ચેતવણી આરી છે. 

હવામાન વિભાગે વીકએન્ડ એટલે કે શનિવાર અને રવિવાર દરમ્યાન ગાજવીજ અને તેમ જ પવન સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની શકયતા વ્યક્ત કરી હતી. શનિવારે જોકે મુંબઈના અમુક વિસ્તારોમાં સવારના સમયે અને મોડી સાંજના વરસાદના હળવાથી મધ્યમ સ્વરૂપના ઝાપટાંપ ડી ગયા હતા.હવામાનના નિષ્ણાતના કહેવા મુજબ  નૈઋત્યના ચોમાસાની અંતિમ વિદાય પહેલાં મુંબઈમાં ચોમાસાનો આ છેલ્લો રાઉન્ડ હોઈ શકે, જેમાં ભારે વરસાદ પડી શકે છે. નિષ્ણાતના કહેવા મુજબ વરસાદની ગતિવિધિમાં થયેલા આ વધારાનું કારણ ઓડિશાના દરિયાકાંઠે સર્જાયેલા લો-પ્રેશર (હવાનું ઓછું દબાણ) સિસ્ટમ છે.  

આગામી થોડા દિવસોમાં આ સિસ્ટમ વધુ સ્પષ્ટ અને તીવ્ર બને તેવી શક્યતા છે. ધીમે- ધીમે આ સિસ્ટમ પશ્ર્ચિમ તરફ આગળ વધશે અને શનિવાર રાતથી સારો વરસાદ લાવશે. વરસાદની તીવ્રતા મધ્યમથી ભારે હોઈ શકે છે. જોકે વરસાદથી જનજીવન ખોરવાય તેવી શક્યતા ઓછી છે, પરંતુ શહેરમાં ૨૦૦ થી ૩૦૦ મિ.મી. વરસાદ પડી શકે છે. ચોમાસાની ઋતુનો આ છેલ્લો  ભારે વરસાદનો તબક્કો પણ હોઈ શકે છે.

અત્યાર સુધીમાં સપ્ટેમ્બર મહિનામાં મુંબઈમાં માત્ર ૩૬ મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે આ મહિનામાં  સરેરાશ વરસાદ ૩૮૪ મિ.મી. વરસાદ પડવો જોઈએ. નોંધનીય છે કે ઑગસ્ટ  મહિનામાં મુંબઈમાં વરસાદની અછત નોંધાઈ હતી, જેમાં ઉપનગરમાં આ મોસમના સરેરાશ વરસાદની સરખામણીએ ૪૪ ટકાની ઘટ નોંધાવી હતી. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર સોમવાર સવાર સુધી મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા છે, ત્યારબાદ વરસાદની ગતિ ધીમી પડી જશે.