Sat Sep 12 2026

Logo

મધ્ય રેલવેની લોકલ ટ્રેનમાં મહિલા સાથે નિર્મમ મારપીટ! ઘટનાનો વીડિયો થયો વાઈરલ...

2026-08-07 15:22:00
Author: Darshana Visaria
મધ્ય રેલવેની લોકલ ટ્રેનમાં મહિલા સાથે નિર્મમ મારપીટ! ઘટનાનો વીડિયો થયો વાઈરલ...

મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાંથી મહિલા સુરક્ષા પર સવાલો ઊભા કરતી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્રેનના ડબ્બામાં એક પુરુષ મુસાફરે મહિલા પર શારીરિક હુમલો કર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ગંભીર ઘટના સમયે ડબ્બામાં હાજર અન્ય મુસાફરો મહિલાની મદદ કરવાને બદલે મૂકપ્રેક્ષક અને તમાશાબીન બનીને બેસી રહ્યા હતા, જેને લઈને ઈન્ટરનેટ પર ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પટ્ટો કાઢીને મહિલા પર કર્યો હુમલો
વાઈરલ થઈ રહેલા વીડિયો અનુસાર, આ ઘટના વડાલા સ્ટેશન નજીકની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ચાલુ ટ્રેને સીટ પર બેસવા કે અન્ય કોઈ બાબતે પુરુષ અને મહિલા મુસાફર વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે પુરુષ મુસાફરે પોતાનો બેલ્ટ કાઢી લીધો હતો અને મહિલાને ધમકાવીને તેના પર હુમલો કર્યો હતો. વીડિયોના અંતમાં આરોપી પુરુષ મહિલાને માર માર્યા બાદ દૂર જઈને બીજી સીટ પર બેસી જતો દેખાય છે. આ આખી ઘટના દરમિયાન ડબ્બામાં અન્ય ઘણા મુસાફરો હાજર હોવા છતાં કોઈએ પણ આગળ આવીને મહિલાને બચાવવાનો કે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો નહોતો.

 

રેલવે પોલીસ તંત્રએ શરૂ કરી તપાસ 
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ લોકો મુસાફરોની બિનસંવેદનશીલતા અને મહિલા સુરક્ષા સામે સવાલો ઉઠાવી રહ્યા છે. જોકે, આ ઘટના કયા સમયે બની હતી અને પીડિત મહિલા દ્વારા કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. રેલ્વે પોલીસ જીઆરપી અને આરપીએફ તેમ જ સ્થાનિક રેલવે સત્તાવાળાઓએ આ વીડિયોની નોંધ લઈને તપાસ હાથ ધરી છે.

થાણે સ્ટેશને મહિલા કોચમાં સાપ દેખાતાં 12 મિનિટ સુધી લોકલ ટ્રેન થંભી!
બીજી તરફ, મુંબઈ લોકલ ટ્રેનમાં જ શુક્રવારે સવારે અન્ય એક સનસનાટીભરી ઘટના બની હતી. થાણે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર પરથી ઉપડેલી લોકલ ટ્રેનના મહિલા કોચમાં મુસાફરોએ સાપ જોયો હોવાની અફવા/જાણકારી મળતાં જ ચાલુ ટ્રેને ચેઈન પુલિંગ કરવામાં આવી હતી.

સાપ હોવાના સમાચારથી મહિલા મુસાફરોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. રેલ્વે સ્ટાફે તુરંત સ્થળ પર પહોંચીને સવારે 9.14થી 9.26 વાગ્યા સુધી એમ કુલ 12 મિનિટ ટ્રેન રોકીને આખા ડબ્બાની ઝીણવટભરી તપાસ કરી હતી. જોકે, તપાસ બાદ પરિસ્થિતિ સુરક્ષિત જણાતાં ટ્રેન આગળ રવાના કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે સવારના સમયે કેટલીક લોકલ સેવાઓ થોડી મોડી પડી હતી.