Wed Sep 16 2026

Logo

ડોમ્બિવલીમાં ટ્રેન પાટા પરથી ઉતરી: અઠવાડિયાના પહેલા દિવસે ટ્રેનોના ધાંધિયા

2026-04-20 09:43:00
Author: Mumbai samachar Team
ડોમ્બિવલીમાં ટ્રેન પાટા પરથી ઉતરી: અઠવાડિયાના પહેલા દિવસે ટ્રેનોના ધાંધિયા

મુંબઈ: મધ્ય રેલવેમાં ડોમ્બિવલી સ્ટેશને લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ટ્રેનસેવા પર અસર. જોકે ખાલી ટ્રેન હોવાથી મોટી હોનારત ટળી ગઈ છે. સવારે પિક અવર્સમાં બનાવ બનવાથી મુંબઈ મેઈન લાઇનનની લોકલ ટ્રેન સેવા પર અસર. કોઈ જાનહાનિના સમાચાર નહીં, એમ મધ્ય રેલવેએ દાવો કર્યો છે.

ડોમ્બિવલી સ્ટેશને આજે સવારે 8.09 વાગ્યાની આસપાસ બનાવ બન્યો હતો. સવારે લોકલ ટ્રેન કલવા કારશેડથી કલ્યાણ સ્ટેશન જતા ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ બનાવને કારણે સ્ટેશન વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે અત્યારે ત્રણથી પાંચ ટ્રેન રદ કરી હતી, જ્યારે અનેક ટ્રેનો અડધો કલાક મોડી પડી છે,
જેને કારણે પિક અવર્સમાં પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવાની ભારે હાલાકી પડી હતી. 

ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે યુદ્ધના ધોરણે મરમ્મત કામ હાથ ધરવામાં આવ્યું છે.  આ બનાવ ડોમ્બિવલીમાં પ્લેટફોર્મ એક પર બન્યો હતો. કલ્યાણ દિશાના ક્રોસઓવરમાં ટ્રેન ડીરેલ થવાને કારણે થાણેથી કલ્યાણ દિશામાં જનારી ટ્રેન સેવા પર ગંભીર અસર પડી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.