મુંબઈ: મુંબઈની લાઈફલાઈન ગણાતી સબર્બન લોકલ ટ્રેન સેવા પર અઠવાડિયાના પહેલાં જ દિવસે સવારથી જ ટેકનિકલ ખામીઓનો મોટો ફટકો પડ્યો છે. વેસ્ટર્ન રેલવેમાં વસઈ રોડ, દાદર અને ગોરેગાંવ સહિત વિવિધ મહત્વના સ્ટેશનો પર રેલવે પોઈન્ટમાં એકસાથે ખામી સર્જાવાને કારણે લોકલ ટ્રેનોની અવરજવર પર માઠી અસર પડી છે. ટ્રેનો કલાકો સુધી અટવાઈ પડતાં ઓફિસે જતાં અને કામઅર્થે નીકળેલા હજારો મુંબઈગરા ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
રેલવે પ્રશાસન પાસેથી મળતી વિગતો મુજબ
વસઈ રોડ ખાતે સવારે વહેલી સવારે 4.46 કલાકે જ પોઈન્ટ ફેલ થયો હતો, જેના કારણે અપ ફાસ્ટ લોકલ સેવાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ હતી. જ્યારે દાદર સ્ટેશન પર સવારે 10.10 વાગ્યાની આસપાસ પોઈન્ટ ફેલ્યોરના સમાચાર આવ્યા હતા. આ ઉપરાંત પશ્ચિમ રેલવે અને હાર્બર લાઇનના ગોરેગાંવ સ્ટેશન પર પણ સવારે 10.22 વાગ્યે પોઈન્ટ ફેલ થયો હતો.
એકસાથે વિવિધ મુખ્ય સ્ટેશનો પર આવી સનસનાટીભરી ટેકનિકલ સમસ્યાઓ ઊભી થતાં સમગ્ર લોકલ ટ્રેનોનું ટાઈમ ટેબલ ખોરવાઈ ગયું હતું. લોકલ ટ્રેનો વચ્ચે જ અટકી જતાં કંટાળેલા મુસાફરો રેલવે ટ્રેક પર ઉતરીને ચાલીને ગંતવ્ય સ્થાને પહોંચવા મજબૂર બન્યા હતા.
ટેકનિકલ ખામીની જાણ થતાં જ રેલવેના એન્જિનિયરો અને ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વસઈ રોડ ખાતે પોઈન્ટ ક્લેમ્પિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. તમામ સ્થળોએ પોઈન્ટ ફેલની સમસ્યા સત્વરે સુધારીને ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે સમારકામ ચાલુ છે.
દરમિયાન મધ્ય રેલવે પર પણ અઠવાડિયાના પહેલાં જ દિવસે ધસારાના સમયે ટ્રેનો 25થી 30 મિનિટ મોડી દોડતા ડોમ્બિવલી, થાણે, મુલુંડ જેવા મહત્વના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી.
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને સત્તાવાર અપડેટ્સ પર નજર રાખવા અને પ્રવાસ માટે વધારાનો સમય હાથમાં રાખીને જ ઘરની બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે.