મુંબઈઃ આ વખતની આઇપીએલમાં જેમ બેંગ્લૂરુને પીઢ ખેલાડી વિરાટ કોહલીની પગની ઘૂંટીની ઈજા ચિંતા અપાવી રહી છે એમ મુંબઈ માટે રોહિત શર્માની સાથળની ઈન્જરી ચિંતાનો વિષય છે અને ગુરુવારની મૅચમાં કદાચ નહીં રમે, પરંતુ પંજાબની બાબતમાં એવું કોઈ મોટું ટેન્શન નથી અને ગુરુવારે (સાંજે 7.30 વાગ્યાથી) શ્રેયસ ઐયરના સુકાનમાં 2025ની આ રનર-અપ ટીમ સતત ચોથી મૅચ જીતીને પૉઇન્ટ્સ-ટેબલમાં સૌથી વધુ નવ પૉઇન્ટ સાથે મોખરાનું સ્થાન મેળવવા સક્ષમ છે.
અત્યાર સુધીમાં પંજાબે પહેલી ત્રણેય મૅચ જીતી લીધી છે અને અનિર્ણીત મૅચ બદલ મળેલા એક પૉઇન્ટની મદદથી આ ટીમ કુલ સાત પૉઈન્ટ સુધી પહોંચી છે. બીજી બાજુ, મુંબઈ ચારમાંથી છેલ્લી લાગલગાટ ત્રણ મૅચ હાર્યું છે અને ફક્ત બે પૉઇન્ટ સાથે છેક નવમા નંબરે છે. ગુરુવારે જીતીને પંજાબ કિંગ્સની ટીમ ટેબલમાં કિંગ બની શકશે, જ્યારે એવું થશે તો નવમા નંબરે મુંબઈનો રનરેટ વધુ ખરાબ હાલતમાં જોવા મળશે.
IPL
વિલ જૅક્સની ગેરહાજરી વર્તાય છે
મુંબઈની ટીમમાં ભરોસાપાત્ર ઓપનિંગનો અભાવ જોવા મળ્યો છે તેમ જ પાવરપ્લેની ઓવર્સમાં રનમશીન જોઈએ એવું નથી ચાલતું એ પણ ટીમ માટે મોટી મુસીબત છે. સૂર્યકુમાર યાદવ અપેક્ષા જેવું નથી રમ્યો અને તિલક વર્મા પણ સદંતર ફ્લૉપ છે. તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાં સફળ પર્ફોર્મ કરનાર ઇંગ્લિશ ઑલરાઉન્ડર વિલ જૅક્સ ઉપલબ્ધ નથી એ મુંબઈ માટે મોટી ખોટ છે.
પ્રિયાંશ-પ્રભસિમરનની જોડી જબરદસ્ત
બીજી તરફ, પંજાબને પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહની કાબેલ ઓપનિંગ જોડી જે મુંબઈ માટે પણ ડેન્જરસ બની શકે. કૂપર કૉનોલીના આગમનથી પંજાબની ટીમ વધુ મજબૂત બની છે. અર્શદીપ સિંહ પંજાબનો મુખ્ય પેસ બોલર છે, પણ તે હજી સુધી અસલ રંગમાં નથી આવ્યો. તેને 149 રનમાં ફક્ત બે વિકેટ મળી છે.
IPL
બુમરાહને ચારેય મૅચમાં વિકેટ નથી મળી
જસપ્રીત બુમરાહ ટીમનો મુખ્ય પેસ બોલર છે, પરંતુ કમનસીબે તે ચારમાંથી એક પણ મૅચમાં એક વિકેટ પણ નથી લઈ શક્યો. ચાર મૅચમાં તેના પર્ફોર્મન્સ આ મુજબ છેઃ 0/35, 0/21, 0/32 અને 0/35. તેના કિસ્સામાં આવું પહેલી જ વખત બન્યું છે. તેને થોડા આરામની જરૂર હોય એવું લાગે છે.