Thu Jul 23 2026

Logo

મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ભારે વરસાદની આગાહી

2026-07-02 08:44:00
Author: Sapna Desai
Article Image

થાણે જિલ્લામાં આગામી ત્રણ દિવસ ઓરેન્જ અને પાલઘરમાં આજે રેડ અલર્ટ
આવશ્યક ન હોય તો ઘરની બહાર નહીં નીકળવાની પ્રશાસનની અપીલ


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના મોટાભાગના જિલ્લામાં ચોમાસું ફરી જામ્યું છે, જેમાં બુધવારે થાણે અને પાલઘર જિલ્લા સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં ભારે વરસાદ પડયો હતો, જેને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અને જગ્યાએ પૂર આવ્યા હતા. હવામાન વિભાગે બીજીથી ચોથી જુલાઈ સુધી થાણેે જિલ્લા સહિત સંપૂર્ણ કોકણમાં ઓરેન્જ અલર્ટ આપી અમુક ઠેકાણે  ભારે વરસાદની આગાહી કરી છે.  તો પાલઘરમાં ગુરુવાર માટે રેડ અલર્ટ આપી અતિવૃષ્ટિની ચેતવણી આપી નાગરિકોને સતર્ક રહેવાની અને  આવશ્યકતા ન હોય તો ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. પાલઘરમાં પ્રશાસને સ્કૂલ અને કોલેજમાં રજા જાહેર કરી છે.

થાણે જિલ્લામાં મંગળવારથી શરૂ થયેલા વરસાદનું જોર બુધવારે દિવસ દરમયાન વધી ગયું હતું. આગામી ત્રણ દિવસ એટલે કે બીજીથી ચોથી જુલાઈ સુધી થાણે જિલ્લા સહિત સંપૂર્ણ કોંકણમાં અમુક ઠેકાણે અતિવૃષ્ટિની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ પાર્શ્ર્વભૂમિ પર નાગરિકોને શકય તો ઘરની બહાર નહીં નીકળવાની અને સતર્ક રહેવાની અપીલ થાણે જિલ્લા પ્રશાસને કરી છે.

થાણે જિલ્લામાં મંગળવાર મોડી રાતથી બુધવારે દિવસ દરમ્યાન ભારે વરસાદ પડયો હતો અને શહેરને ધમરોળી નાંખ્યું હતું. ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ઘરમાં પણ પાણી ભરાઈ ગયા હતા.  થાણે શહેરમાં ઠાણે બજાર પેઠ, વંદના સિનેમા પરિસર, અલમેડા પરિસર, ગોખલે રોડ, ત્રણ પેટ્રોલ પંપ, કાપૂરબાવડી સહિતના વિસ્તરાાં પાણી ભરાઈ ગયા હતા. કલ્યાણ-ડોંબિવલીમાં સળંગ બે દિવસથી મુસળધાર વરસાદ પડી રહ્યો છે. અંબરનાથ, બદલાપૂર, ઉલ્હાસનગમાં મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેરા પાણી ભરાયા હતા. જિલ્લાના મુંબઈ-નાશિક હાઈવે, મુંબ્રા, શિળફાટા, એમઆઈડીસી-મ્હાપે રોડ, કશેળી-કાલહેર રોડ પર ભારે  ટ્રાફિક જૅમ થયો હતો. ઘરની બહાર નીકળેલો નોકરિયાત વર્ગ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયો હતો. 

ઉલ્હાલ નગરમાં ટાઉનશિપમાં પૂરના પાણી રહેણાંક વિસ્તારમાં ફરી  વળતા જીજામાતા વિસ્તારમાં એક ૭૦ વર્ષીય મહિલા કલાકો સુધી તેના ઘરમાં ફસાઈ ગઈ હતી. ફાયરબ્રિગેડે તેને બચાવી હતી.  અંબરનાથ, કલ્યાણ અને ભિવંડી સહિતના વિસ્તરોમાં સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા અને પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થઈ હતી.

નવી મુંબઈના નેરુલ એલપી બ્રિજ નીચે ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જવા વચ્ચે બે છોકરીઓને વીજળીનો કરંટ લાગ્યો હોવાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું હતું.